15-02-13

--------------------------------------
 

 • વિકેટકીપર ધોનીનો વારસ કોણ?

  ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન બનવાની હોડમાં હિમાચલ પ્રદેશના આતિશ ભલાક, દિલ્હીના પુનિત બિષ્ટ અને ઝારખંડના શિવ ગૌતમને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી

  નવી દિલ્હીઃ દિગ્ગજોની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયા થોડા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ ખરાબ સમયમાં ટીમ ઈન્ડિયાને વિકેટકીપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત એક વધારાના વિકેટકીપર-બેટ્સમેનની જરૃર પડવાની છે. સવાલ એ છે કે વિકેટકીપર ધોનીનો ઉત્તરાધિકારી કોણ હશે? ૨૦૧૧માં વિશ્વ વિજેતા કેપ્ટન બન્યા બાદ ધોનીએ ખુદ કહ્યું હતું કે તેના પછી ટીમને ૧૦૦ મેચ રમનારા વિકેટકીપર-બેટ્સમેનની જરૃર છે. એવામાં ૧૦૦ મેચ રમનારો આગામી વિકેટકીપર કોણ હશે એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે, જેનો જવાબ અત્યારથી જ શોધવાનું શરૃ કરી દેવું જોઈએ.

  રણજી ટ્રોફી મુકાબલાના આંકડાને જોઈએ તો તામિલનાડુનો દિનેશ કાર્તિક, ગુજરાતનો પાર્થિવ પટેલ અને બંગાળનો રિદ્ધમાન સહા વિકેટની પાછળ કંઈ ખાસ ઉકાળી શક્યા નથી. આ ત્રણેયની ઉંમર પણ ૨૭ વર્ષને વટાવી ગઈ છે. એવામાં યુવાન વિકેટકીપર-બેટ્સમેનના પ્રદર્શન પર નજર દોડાવવી જરૃરી છે.

  મુંબઈનો વિકેટકીપર આદિત્ય ટારે ૧૧ મેચમાં ૪૧ શિકાર સાથે આ વખતે રણજી ટ્રોફીમાં ટોપ વિકેટકીપર રહ્યો છે. ત્યાર બાદ પંજાબના ઉદલ કૌલ અને મધ્ય પ્રદેશના નમન ઓઝાનું નામ આવે છે, જેઓએ વિકેટ પાછળ ક્રમશઃ ૪૧ અને ૩૬ શિકાર કર્યા છે, પરંતુ બાજી તો કર્ણાટકનો મુરલીધરન ગૌતમ મારી ગયો, જે તાજેતરમાં જ પસંદ થયેલી ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો.

  ગૌતમને પ્રદર્શનના આધારે ટીમમાં સ્થાન મળ્યું છે. નવ મેચમાં તેના નામે ૩૪ શિકાર નોંધાયેલા છે, જેમાં ૩૧ કેચ અને ત્રણ સ્ટમ્પિંગ છે. એક ઈનિંગ્સમાં બે વાર છ શિકાર કરવામાં પણ ગૌતમ સફળ રહ્યો છે, સાથે જ તે વિકેટકીપર-બેટ્સમેન તરીકે આ રણજી સિઝનમાં ત્રીજા નંબરનો સર્વોચ્ચ રન સ્કોરર છે.

  ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન બનવાની હોડમાં હિમાચલ પ્રદેશના આતીશ ભલાક, દિલ્હીના પુનિત બિષ્ટ અને ઝારખંડના શિવ ગૌતમને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. રણજીમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન પણ ઉત્કૃષ્ટ રહ્યું છે.

  -----------------------------------------------------------------------

  મેરઠના બેટ માટે વિદેશી સલાહકાર!

  બેટ બનાવવામાં મોટા ભાગે એ પરિવારો સંકળાયેલા છે, જેઓ ભાગલા પછી પાકિસ્તાનથી અહીં આવ્યા હતા, પાકિસ્તાનથી આવેલા આ લોકો મેરઠ ઉપરાંત જાલંધરમાં પણ વસ્યા હતાઃ બેટના કારીગરોને ચીનમાં બનતાં સસ્તાં બેટના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

  મેરઠઃ ઉત્તર પ્રદેશનું મેરઠ શહેર ફક્ત કાતરના નિર્માણ માટે જ મશહૂર નથી, પરંતુ ક્રિકેટનાં બેટ બનાવવામાં પણ તેનો જોટો જડે તેમ નથી. ભારત સરકારે મેરઠમાં બનતાં બેટ તથા રમતનાં અન્ય સાધનોની લોકપ્રિયતા તથા તેનું આંતરરાષ્ટ્રીય બજાર જાળવી રાખવા માટે વિદેશી સલાહકારની નિમણૂક કરી છે. મેરઠમાં બનતાં બેટનો ઉપયોગ ક્રિકેટના ભગવાન કહેવાતા સચીન ઉપરાંત અન્ય દેશી અને વિદેશી ખેલાડીઓ કરી રહ્યા છે.

  ક્રિકેટનું બેટ બનાવવામાં મોટા ભાગે એ પરિવારો સંકળાયેલા છે, જેઓ ભાગલા પછી પાકિસ્તાનથી અહીં આવ્યા. પાકિસ્તાનથી આવેલા લોકો મેરઠ ઉપરાંત જાલંધરમાં પણ વસ્યા હતા. હાલનાં વર્ષોમાં બેટ બનાવવા સહિત રમતનાં અન્ય સાધનો બનાવનારા કારીગરોને ચીનમાં બનતાં સસ્તાં બેટને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કાચો માલસામાન, કુશળ કારીગરોની અછત અને ટેક્સમાં થયેલા વધારાએ પણ તેઓની પરેશાનીમાં વધારો કર્યો છે.

  કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રાલયના સચિવ વિવેક રાયે ગત સપ્તાહે મેરઠમાં બેટ તથા રમતનાં અન્ય સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ કહ્યું કે, ''કેન્દ્ર સરકારે મેરઠના રમતનાં સાધનો બનાવતા કારીગરોની મદદ માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે, જેથી સ્પર્ધામાં ચીનનો મુકાબલો કરી શકાય. કેન્દ્ર પાસે પણ ક્રિકેટનાં સાધનો બનાવતા કુશળ કારીગરોની અછત છે. સાધનો બનાવતાં કારખાનાંની મુલાકાત દરમિયાન મને લાગ્યું કે ક્રિકેટના ગ્લોવ્ઝમાં જેટલી ગુણવત્તાની જરૃર છે એટલી છે નહીં. આ જ કારણે એક વિદેશી સલાહકારની નિમણૂક કરવામાં આવશે, જેની સલાહથી ક્રિકેટનાં બેટ અને અન્ય સાધનોની ગુણવત્તામાં સુધારો થાય.''

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License