17-01-2014

--------------------------------------
 

 • ધોની માટે કોહલી 'વિરાટ' ખતરો

  નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના સ્ટાર સાતમા આસમાનમાં ઝળહળી રહ્યા છે અને તે વિરાટે તેના પ્રદર્શનથી સાબિત પણ કરી આપ્યું છે. તેના પ્રદર્શનને જોતા નિષ્ણાતો પણ માનવા લાગ્યા છે કે આવનારા દિવસોમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે કોહલી 'વિરાટ' ખતરો બની શકે છે. એક સર્વેક્ષણનાં પરિણામ પણ આ શક્યતાની પુષ્ટિ કરે છે. સર્વેક્ષણમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, 'ભારતનો સૌથી લોકપ્રિય ક્રિકેટર કોણ છે?' આશ્ચર્યજનક રીતે વિરાટે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્રસિંહ ધોનીને લોકપ્રિયતાના મામલ પાછળ પાડી દીધો છે. આના પરથી એ શક્યતાઓને પણ બળ મળી રહ્યું છે કે ટીમનું નેતૃત્વ વિરાટના હાથમાં જઈ શકે છે.

  ભારતીય ક્રિકેટના ૧૦ ખેલાડીમાંથી વિરાટ કોહલી તરફી સૌથી વધુ ૪૮.૩૪ ટકા લોકોએ વોટ કરીને તેને પહેલા નંબર પર પહોંચાડી દીધો. કેપ્ટન ધોની ૩૫.૧૦ ટકા લોકોની પસંદ બન્યો, પરંતુ આ યાદીમાં તે બીજા સ્થાને રહ્યો. શિખર ધવન ૭.૫૨ ટકા લોકોની પસંદ સાથે ત્રીજા ક્રમે રહ્યો, જ્યારે યુવરાજસિંહને ચોથા સ્થાન (૩.૫૦ ટકા)થી સંતોષ માનવો પડ્યો.

  રવીન્દ્ર જાડેજા આ યાદીમાં આઠમા સ્થાને રહ્યો, જ્યારે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ક્રમશઃ પાંચમા અને છઠ્ઠા સ્થાન પર રહ્યો. પ્રજ્ઞાન ઓઝાને સૌથી ઓછા લોકોએ પસંદ કર્યો, જેના કારણે તે અંતિમ સ્થાન પર રહ્યો.

  'સર્વેક્ષણ ૨૦૧૩'માં લોકોને અલગ અલગ શ્રેણીઓમાં ૧૧ સવાલ પૂછવામાં આવ્યા હતા. પ્રત્યેક પ્રશ્ન સાથે ૧૦-૧૦ વિકલ્પ પણ આપવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની દોડમાં અન્ય નેતાઓ પર ભારે પડ્યા, જ્યારે સેક્સી  અભિનેત્રીનો તાજ સની લિયોનના ફાળે ગયો.

  જો આંકડાની વાત કરીએ તો કોહલી હજુ સુધી ૨૨ ટેસ્ટ જ રમ્યો છે, પરંતુ તે પાંચ સદી અને આઠ અર્ધસદી ફટકારી ચૂક્યો છે. આંકડામાં કોહલી વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સફળ રહ્યો છે. વર્ષ ૨૦૧૩ તો તેના માટે બહુ જ ભાગ્યશાળી રહ્યું અને તે ૨૦૧૩માં વન ડેમાં રન બનાવવાના મામલે વિશ્વમાં ત્રીજા નંબર પર રહ્યો. કોહલીએ ૨૦૧૩માં ૩૪ વન ડેની ૩૦ ઇનિંગ્સમાં ૫૨.૮૩ની સરેરાશથી કુલ ૧૨૬૮ રન બનાવ્યા, જેમાં ચાર સદી અને સાત અર્ધસદી સામેલ છે. કોહલીએ કુલ ૧૨૫ વન મેચની ૧૧૮ ઇનિંગ્સમાં ૫૧.૫૪ની સરેરાશથી ૫૧૫૪ રન બનાવ્યા છે. ઝડપથી ૫,૦૦૦ રન પૂરા કરીને કોહલીએ વિવિયન રિચર્ડ્સના રેકર્ડની બરોબરી કરી. વન ડે કરિયરમાં વિરાટ ૧૭ સદી અને ૨૮ અર્ધસદી ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત કોહલીએ ૨૦૧૩માં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન વન ડેમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું અને શ્રેણીની પાંચેય મેચમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો.

 • ----------------------------------------------------------------------

  ભારતમાં રમતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદો હોવો જોઈએઃ ઇન્ટરપોલ

  નવી દિલ્હીઃ મેચ ફિક્સિંગ હજુ સુધી ભારતીય ફૂટબોલને સ્પર્શ્યું નથી, પરંતુ ઇન્ટરપોલના એક અધિકારીએ કહ્યું કે રમતના અધિકારીઓએ મજબૂત ભ્રષ્ટચાર વિરોધી તંત્ર ઊભું કરવું જોઈએ, જેથી દેશમાં આવી પરિસ્થિતિ આવતી રોકી શકાય. ઇન્ટપોલના અધિકારી જોન એબોટે કહ્યું કે, ''અપાર વસ્તી અને ફૂટબોલ દેશ બનવાની ઇચ્છાને નજરમાં રાખતા ભારતે મજબૂત ભ્રષ્ટાચાર વિરોધી કાયદો બનાવવા જોઈએ.''

  જોન એબોટે ફૂટબોલમાં મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચાર સામે કામ પાર પાડવાની શિબિર દરમિયાન કહ્યું કે, ''ભારતની વસ્તી એક અબજથી વધુ છે અને આ રમત પ્રત્યે ઉત્સુકતા પણ છે. ભારત વર્ષ ૨૦૧૭માં ફિફા અંડર-૧૭ વર્લ્ડકપની  યજમાની પણ કરી રહ્યું છે. આથી મારું માનવું છે કે ભારતને મજબૂત ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર બનાવવું જોઈએ. મને લાગે છે કે આ અંગે ભારતમાં કોઈ કાયદો નથી અને વર્તમાન કાયદો ફિક્સિંગસની સમસ્યા સામે લડવા માટે પર્યાપ્ત નથી.''

   ----------------------------------------------------------------------

  પાક.ના કોચપદ માટે ત્રણ દાવેદાર મેદાનમાં

  કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની વચગાળાની સમિતિએ આ સપ્તાહે પોતાની બેઠકમાં બાંગ્લાદેશમાં યોજાનાર એશિયાકપ અને ટી-૨૦ વર્લ્ડકપ દરમિયાન રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચપદ માટે ત્રણ ઉમેદવારની પસંદગી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વચગાળાની સમિતિએ નવા કોચની પસંદગીના મામલે ચર્ચા કરી હતી, જેમાં મોઇન ખાન, મોહસિન ખાન અને વકાર યુનુસ પર ચર્ચા કરાઈ હતી.

  સૂત્રોનું કહેવું છે કે આઇએમસીના અધ્યક્ષે નવા કોચના મુદ્દા પર શહરયાર ખાન, ઝહીર અબ્બાસ, હારુન રશીદ અને નાવેદ ચીમા સાથે ચર્ચા કરી હતી, જેઓનું માનવું હતું કે એશિયાકપ અને ટી-૨૦ વર્લ્ડકપને નજરમાં રાખીને કોચ અંગે નિર્ણય લેવો જોઈએ. મોઇન, મોહસિન અને વકાર વચગાળાના કોચ બનવા માટેના પ્રબળ દાવેદાર છે, પરંતુ ત્રણેય સાથે વાતચીત કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. ૨૦૧૫ના વિશ્વકપ માટે લાંબા ગાળાના કોચ બનાવવાનો નિર્ણય આ ટૂર્નામેન્ટો બાદ લેવાશે.

   ----------------------------------------------------------------------

  કૂક કેપ્ટન બનવાને લાયક નથીઃ ઇયાન ચેપલ

  મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલનું માનવું છે કે એલિસ્ટર કૂક ઇંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ સંભાળવાને લાયક નથી, કારણ તેનામાં આક્રમકતાનો અભાવ છે અને એશીઝમાં જીત મેળવ્યા બાદ યજમાન ટીમ વન ડે શ્રેણીમાં પણ આસાનીથી જીત હાંસલ કરશે. ચેપલે કહ્યું, ''મને નથી લાગતું કે કૂકમાં એક સારા કેપ્ટન બનવાના ગુણ છે. માઇકલ ક્લાર્ક જેવા આક્રમક કેપ્ટન સામે તે હંમેશાં સંઘર્ષ કરશે.''

  કૂક એશીઝની ૧૦ ઇનિંગ્સમાં ફક્ત ૨૪૬ રન જ બનાવી શક્યો અને અણીના સમયે પોતાની ટીમને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ રહ્યો. એશીઝમાં પાંચ મેચ ગુમાવ્યા બાદ હવે તેની કેપ્ટનશિપ પણ જોખમમાં મુકાઈ ગઈ છે. ચેપલનું માનવું છે કે ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ વિના ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણમાં વિકેટ લેવાની ક્ષમતા નથી અને ઓસ્ટ્રેલિયન ટીમ વર્તમાન વન ડે શ્રેણીમાં આસાનીથી જીત મેળવશે.

 •  ----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License