11-02-13

------------------------------------
 
 • સાવ રિઝનેબલ અમારા રેઈટ છે, પ્રેમપત્રોનુ અસલ પેકેટ છે, દરેક સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ, વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

  એક વાર દિલ કોઈને ભેટમાં આપી દો પછી ભેટ આપવાનો સિલસિલો સતત ચાલુ રાખવો પડે! ખાસ કરીને વેલેન્ટાઈન ડે આવે એટલે પ્રિયજનને ભેટ આપવાનુ સહેજે મન થઈ જ આવે. આમ તો લાગણી દર્શાવવા માટે કોઈ ખાસ દિવસ કે સમયની જરૃર હોતી નથી, પરંતુ પ્રેમનુ પર્વ ગણાતો વેલેન્ટાઈન ડે યુવા હૈયાં માટે પ્રેમના ઈઝહારનો માનીતો દિવસ છે. વેલેન્ટાઈન ડેની ઉજવણી પાછળના કારણોની ઝંઝટમાં પડ્યા વિના પ્રેમીજનો આ દિવસે એકબીજા સાથે ભેટની આપ-લે કરે છે તો કોઈ વળી આ દિવસે પ્રેમિકા સમક્ષ ભેટ મારફત પ્રેમનો ઈઝહાર કરે છે. આ દિવસે અપાતી ભેટ પ્રેમીજનો માટે તેમની લાગણીને શબ્દોનુ રૃપ આપનારી બની રહે છે. તેથી જ વેલેન્ટાઈન ડેના ચારેક દિવસ પહેલા જ બજારોમાં પ્રેમીજનો તેમના પ્રિય પાત્ર માટે મનગમતી ગિફ્ટની ખરીદી માટે નીકળી પડે છે. પ્રેમીજનોના આ પ્રેમ અને વેલેન્ટાઈન ડેને પારખી ગયેલી કંપનીઓ પણ દર વર્ષે અવનવી વરાઈટી બજારમાં મૂકતી હોય છે. આ વર્ષે આવેલી નવી વરાઈટી પર નજર ફેરવો અને પસંદ કરી લો તમારી મનગમતી ભેટ.

  લવ મેગેઝિન

  આમ તો વાંચીને પ્રેમ કરવાનુ શક્ય નથી. કારણ કે પ્રેમ કરવા માટે તો ઊંધે કાન પ્રેમમાં પડવુ જ પડે, પણ આ વર્ષે લવ મેગેઝિન માર્કેટમાં આવ્યા છે, જેમાં પ્રેમમાં પડ્યા પછી શું કરવુ અને શુ ન કરવું તેની યાદી આપેલી છે. સાથે સાથે પ્રિયજન સાથે ક્યા પ્રકાના સીક્રેટ શેર ન કરવા તેની શીખ આપવા ઉપરાંત પ્રિયજનને ગમે તેવા કેટલાક લવ મેસેજ સહિતની રસપ્રદ સામગ્રી પણ તેમાં આપેલી છે.

  ચોકલેટ બુકે

  વેલેન્ટાઈન ડે પર ફૂલોનો ગુલદસ્તો આપવામાં જો તમને કંઈ નવાઈ ન લાગતી હોય તો આ વર્ષે ચોકલેટ ગુલદસ્તો ટ્રાય કરો. પ્લાસ્ટિક રોઝ સાથે તૈયાર કરાયેલા આ બુકેમાં વિવિધ પ્રકારની ચોકલેટ્સને આકર્ષક રીતે પેક કરીને બુકેના શેપમાં પેક કરવામાં આવે છે. સિંગલ ચોકલેટથી માંડીને તમે કહો એટલી ચોકલેટ્સ બુકે સ્ટાઈલમાં પેક કરી દેવામાં આવે છે.

  વેલેન્ટાઈન ગિફ્ટના ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો

  વેલેન્ટાઈન ગિફ્ટના ભાવમાં આ વર્ષે ૨૫થી ૩૦ ટકાનો ભાવવધારો થયો છે. જલારામ એજન્સીના વિનોદ ઠક્કરના જણાવ્યા મુજબ મોટા ભાગની વેલેન્ટાઈન ગિફ્ટ ચાઈનાથી આવતી હોય છે. ડોલર ઊંચો જતાં તેની સીધી અસર આ ગિફ્ટના ભાવ પર પડે છે. જોકે પ્રેમીઓને ક્યારેય ભાવવધારો નડતો નથી. વેલેન્ટાઈન ડેના બે દિવસ પહેલા ગિફ્ટની ખરીદી શરૃ થઈ જાય છે અને પ્રેમીઓ મોંઘામાં મોંઘી ગિફ્ટ ખરીદતા પણ અચકાતા નથી.

  મેજિક લવ બોક્સ

  પ્રિયજન સમક્ષ પ્રેમનો ઈઝહાર કરતા સંકોચ થતો હોય કે ડર લાગતો હોય તો તમારો એ ડર આપી દો તમારા સાથીને. જી હા, મેજિક લવ બોક્સ પકડાવો તમારા પ્રિય પાત્રના હાથમાં અને બધુ એ બોક્સ પર જ છોડી દો. જેવું એ બોક્સ ખૂલશે કે તરત તેમાંથી નાનુ કાર્ટૂન સીધું બહાર આવશે. પહેલા તે હાસ્ય વેરશે ને પછી બોલશે આઈ લવ યુ...

  ટેડી ગિફ્ટ બોક્સ

  પ્રિયજનન માટે ગિફ્ટ પસંદ તો કરી લીધી પણ તેને આકર્ર્ષક પેકમાં રજૂ કરવી તે પણ એટલુ જ અગત્યનુ છે. જો તમને રંગીન ગિફ્ટ પેપરમાં વિંટાળીને ગિફ્ટ આપવાનુ હવે બોરિંગ લાગતુ હોય તો તમારા માટે ટેડી ગિફ્ટ બોક્સ સારો વિકલ્પ છે. લાલ રંગના ટેડી બેર પર એક બોક્સ લગાડેલુ હોય છે જેને ખોલીને તમે તમારી મનપસંદ ભેટ તેમાં મૂકી શકો છો.

  લવ થર્મોમિટર

  આમ તો ઝેરના અને પ્રેમના ક્યારેય પારખાં ન હોય, પરંતુ જો તમે તમારા પ્રિયજનના પ્રેમની ઊંડાઈ માપવા માગતા હોવ તો તમારા માટે લવ થર્મોમિટર હાજર છે. આ ફની થર્મોમિટરને હાથમાં પકડો એટલે તેમાં રહેલા કાચના દિલમાં લાલ રંગનુ પ્રવાહી નીચેથી ઉપર ચઢવા લાગે છે. જો તે દિલ આખુ જ લાલ પ્રવાહીથી ભરાઈ જાય તો તમારો પ્રેમ સાચ્ચો અને અખૂટ.

  કપલ હોર્સ કાર્ટ

  સપનાના રાજકુમાર આવે અને ઘોડા પર બેસાડીને લઈ જાય તેવી કલ્પના સામાન્ય રીતે યુવતીઓ કરતી હોય છે. તમારા પ્રિયજનની આ કલ્પનાને મૂર્તિમંત કરતી ગિફ્ટ પણ હાજર છે. સીરામીકમાંથી તૈયાર કરાયેલા આ સ્ટેચ્યૂમાં ઘોડા પર બેસીને જતાં યુવક-યુવતી, ડાન્સિંગ કપલ, લવ કીસ આપતા કપલ સહિતના પોઝમાં વેરાયટી ઉપલબ્ધ છે.

  હાર્ટ શેપ મેસેજ બોટલ

  મૌખીક રીતે પ્રેમનો ઈઝહાર કરવાની હિંમત જૂટાવી ન શકતા હોવ તો મેસેજ બોટલ તમારી મદદે આવી શકે. હાર્ટ સહિતના શેપની આ મેસેજ બોટલમાં તમે તમારો સંદેશો લખીને મૂકી શકો છો. આ બોટલને હલાવો એટલે અંદર બ્લૂ અને રેડ કલરની લાઈટ પણ થાય.

  અવનવા શેપમાં ચોકલેટ્સ

  પ્રેમની વાત હોય અને ચોકલેટ ન હોય તે કેમ ચાલે ? ચોકલેટની મીઠાશ વિના પ્રેમની વાત અધૂરી જ લાગે અને તેથી જ અવનવા શેપમાં ચોકલેટ ઉપલબ્ધ છે. જે તમારી લાગણીને વધુ મીઠી વાચા આપશે.

  હાર્ટ શેપ બ્લેડલેસ ફેન

  ઉનાળો નજીક છે ત્યારે પ્રિયજનને દિલની સાથેસાથે શરીરને પણ ઠંડક આપે તેવો હાર્ટ શેપનો બ્લેડલેસ ફેન ભેટમાં આપવા જેવો ખરો. આ ચાઈનીઝ ફેનમાં દિલમાંથી હવા બહાર ફેંકાય છે અને તેને ચારેય દિશામાં રોટેટ કરી શકાય છે.

  -----------------------------------------------------------------------------------

  વેલેન્ટાઈન ડે અને વસંતપંચમી એક જ દિવસેઃ ફૂલની ખુશબૂ ખોવાશે

  આગામી ગુરુવારે વસંતપંચમી છે. આ જ દિવસે વેલેન્ટાઈન ડે છે. આ ઋતુમાં ફૂલ પુરબહાર ખીલતાં હોય છે, પરંતુ આ વખતે ફૂલની ખુશબૂ મોંઘી પડશે. વસંતપંચમી એટલે વગર જોયું મુહૂર્ત. આ દિવસે મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગ સહિત અન્ય પ્રસંગો છે. એ જ પ્રમાણે વેલેન્ટાઈન ડેના કારણે યુવા હૈયાંઓ ગુલાબનાં ફૂલની આપ-લે કરે છે, જેના પગલે ફૂલની માગ પણ અત્યારથી ઊંચી છે. વેપારીઓ ૩૦થી ૪૦ ટકા ઊંચા ભાવ પડાવી રહ્યા છે. અગાઉ ઓર્ડર બુક થઈ ગયા છે તો વેપારીઓ મોં માગ્યા ભાવ પડાવી રહ્યા છે ત્યારે વસંતપંચમીએ જ ફૂલ તથા તેની ખુશ્બુ પણ ખોવાઈ જાય તેવા અત્યારથી એંધાણ વર્તાઈ રહ્યા છે.

   

 • -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License