16-02-13

--------------------------------------
 
 
 • પાસપોર્ટ ઓફિસર અને પોલીસ વચ્ચે અટવાયા અરજદાર

  મહિનાઓ વીતિ ગયા બાદ પણ પાસપોર્ટ ન મળ્યો હોવાના સંખ્યાબંધ બનાવ

  અમે પાસપોર્ટ અરજદારના રજિસ્ટ્રેશન બાદ તમામ વિગત તાત્કાલિક જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર

  મોકલાવી દઈએ છીએઃ આરપીઓ શેખ પોલીસ ઉડાઉ જવાબ આપીને અરજદારને ધક્કે ચઢાવે છે

  અમદાવાદ, શુક્રવાર - ભારતીય નાગરિક તરીકેનો આધારભૂત પુરાવો એટલે પાસપોર્ટ. આજ પાસપોર્ટના આધારે વ્યકિત સમગ્ર દુનિયામાં સરળતાથી ફરી શકે છે, પરંતુ પાસપોર્ટની પ્રક્રિયામાં આધુનિકીકરણ કરતા જનતાને સરળતાને બદલે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને એટલે જ પાસપોર્ટ ઓફિસર અને પોલીસ કર્મચારી વચ્ચે અરજદાર અટવાઈને હેરાન પરેશાન થઈ જાય છે.

  જનતાને પાસપોર્ટ સરળતાથી મળી રહે તે બાબતને કેન્દ્રમાં રાખીને પાસપોર્ટ વિભાગ દ્વારા ઓનલાઈન પાસપોર્ટ સિસ્ટમને છેલ્લા કેટલાક સમયથી કાર્યરત કરવામાં આવી છે, પરંતુ ઓનલાઈન પાસપોર્ટ કાર્યવાહી અરજદાર માટે સરળતા નહીં પરંતુ સરદર્દ બની ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આવું થવા પાછળ કેટલાક ખાસ પરિબળો જવાબદાર છે. જેમાં મુખ્ય કારણની વાત કરીએ તો પોલીસમાં કમ્પ્યૂટર શિક્ષણનો અભાવ સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત પોલીસની બેદરકારી અને આળસના કારણે પણ પાસપોર્ટ અરજદારને ભોગવવું પડતું હોય છે.

  આધુનિક પાસપોર્ટ કાર્યવાહીની વાત કરીએ તો પાસપોર્ટ મેળવવા માટે અરજદારે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવ્યા બાદ જરૃરી પુરાવા લઈને સૂચિત કરેલા સ્થળે બાયોમેટ્રિક સિસ્ટમથી પાસપોર્ટ રજિસ્ટ્રેશન કરાવવાનો હોય છે. જેના રજિસ્ટ્રેશન થતાંની સાથે જ તેનો ડેટા ઓનલાઈન સંલગ્ન જિલ્લા પોલીસ હેડ કવાર્ટરને મળી જાય છે અને ત્યાંથી લોકલ પોલીસનેે મોકલી આપવામાં આવે છે. જ્યાં પોલીસ વેરિફિકેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાય પોસ્ટ અરજદારને આશરે ૧પ દિવસમાં પાસપોર્ટ મળી જતો હોય છે. આ સિસ્ટમ પાસપોર્ટ વિભાગ દ્વારા જનતાની સરળતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી સંખ્યાબંધ પાસપોર્ટ અરજદાર પોલીસની વેરિફિકેશન કાર્યવાહીના મુદ્દે પરેશાની ભોગવી રહ્યા છે અને છ-છ મહિના બાદ પણ તેમને પાસપોર્ટ મળી શકયો નથી.

  આ અંગે પાસપોર્ટ વિભાગના રિજનલ પાસપોર્ટ ઓફિસર ઝેડ. એ. ખાનને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, "પહેલાં કરતાં પાસપોર્ટની કાર્યવાહી ખૂબ જ સરળ અને ઝડપી બનાવી દેવામાં આવી છે. આથી કોઈ પણ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનનો કર્મચારી પાસપોર્ટનો એકનોલેજમેન્ટ લેટર મળ્યાના ચાર મહિના બાદ પણ એમ કહેતો હોય કે તેને ઓનલાઈન ડેટા મળ્યો નથી તો તે બાબત તદ્દન ખોટી છે. કેમ કે અરજદારના ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ તુરત જ જે તે જિલ્લાના અરજદારને લાગતા વળગતા જિલ્લા પોલીસ હેડ કવાર્ટરમાં તેના પાસપોર્ટની તમામ વિગતો જનરેટ થઈ જાય છે. જેથી હેડક્વાર્ટરથી સ્થાનિક પોલીસને પાસપોર્ટની વિગતો મોકલવામાં નહીં આવી હોય અથવા તો સ્થાનિક પોલીસ બેદરકારી દાખવતી હોય તેવું બની શકે."

  પ્રશ્ન કે સમસ્યા જે પણ હોય, પરંતુ એક હકીકત એ જ છે કે આજે પણ સંખ્યાબંધ પાસપોર્ટ અરજદાર મહિનાઓ વીતી ગયા બાદ પણ પાસપોર્ટ મળવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જે બાબતને તંત્રએ ધ્યાનમાં લઈ સુધારાલક્ષી કાર્યવાહી કરવી જોઈએ.

  -----------------------------------------------------------------------

  મહિલાઓની સુરક્ષાના મુદ્દે પોલીસને EEE પ્રોજેકટ અંતર્ગત ટ્રેનિંગ અપાશે

  પોલીસકર્મીઓએ ફરિયાદ કરવા આવતી મહિલાઓ સાથે કેવું વર્તન કરવું? તેની ટ્રેનિંગ અપાશે

  મહિલાની ફરિયાદ કઈ રીતે લેવી? તેનું જ્ઞાન તેમજ તેનો કઈ રીતે અમલ કરવો? તેની તાલીમ અપાશે

  અમદાવાદ, શુક્રવાર - ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે ટ્રીપલ '' (એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ, એમ્પાવરમેન્ટ) આ ત્રણ પ્રોજેકટની રચના રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ પ્રોજેકટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવતી મહિલા સાથે કેવો વર્તાવ કરવો તેમજ તેની ફરિયાદનો કઈ રીતે અમલ વગેરે મુદ્દા ટ્રેનિંગમાં આવરી લેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં આ ટ્રેનિંગ કેમ્પની શરૃઆત કરી દેવામાં આવી છે.

  પોલીસના મહિલાઓ સાથેના વર્તાવ અંગેની અનેક ફરિયાદ અગાર ઊઠેલી છે. ફરિયાદ કરવા આવતી મહિલાઓ સાથે પોલીસનો વર્તાવ યોગ્ય નહીં હોવાનું તેમજ મહિલાઓની ફરિયાદ લેવામાં પણ પોલીસ દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી હતી. મહિલાઓ સાથે કેવો વર્તાવ કરવો તેમજ તેની ફરિયાદ નોંધવા માટે શું કાર્યવાહી કરવી વગેરે વિગતો પોલીસને ટ્રીપલ ઈ પ્રોજેકટના અંતર્ગત તાલીમ આપવામાં આવશે.

  ગાંધીનગર ખાતે આ ટ્રેનિંગ કેમ્પની શરૃઆત છેલ્લા કેટલાક સમયથી થઈ ગઈ છે. ટ્રીપલ ઈ પ્રોજેક્ટમાં એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ અને એમ્પાવરમેન્ટનો સમાવેશ થાય છે. જે મુજબ પોલીસને મહિલાઓ સાથે કઈ રીતે વર્તાવ કરવો, તેની ફરિયાદ લેતી વખતે કેવા સવાલ કરવા, ફરિયાદ બાબતે તેને કાયદાનું નોલેજ આપવું વગેરે મુદ્દા પર પોલીસને એજ્યુકેશનની ટ્રેનિંગ આપવામાં આવશે.

  ફરિયાદ લઈને આવેલી મહિલાની ફરિયાદ નોંધી લીધા બાદ આરોપી સામે કઈ રીતે કાર્યવાહી તેમજ ફરિયાદનો અમલ કઈ રીતે કરવો વગેરે મુદ્દા પર પોલીસને એન્ફોર્સમેન્ટની ટ્રેનિંગ પછી એમ્પાવરમેન્ટ (સશક્તિકરણ) અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે.

  આ મુદ્દામાં મહિલાઓની ફરિયાદ લીધા બાદ આરોપીને પકડવા માટે કઈ રીતે એકજૂથ થઈને કઈ રીતે કાર્યવાહી કરવી તેમજ અન્ય વિસ્તાર કે પોલીસ સ્ટેશનની હદમાં રહેતા આરોપીને તત્કાલ પકડવા સશક્તિકરણનો કઈ રીતે ઉપયોગ કરવો તે પોલીસને સમજાવવામાં આવશે. મહિલા સુરક્ષા માટે રચવામાં આવેલા ટ્રીપલ ઈ પ્રોજેકટને પગલે પોલીસને નવી દિશા મળશે તેમજ મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસ પોતે સક્રિય થઈ આરોપીઓ સામે કડક હાથે કામ લઈ શકશે. ખાસ કરીને છેડતી તેમજ મહિલાઓને થતી પરેશાનીના બનાવોને બનતા પહેલા પોલીસ અટકાવે અથવા મહિલાઓ ભોગ બની હોય તેવા બનાવો બને તો ત્વરિત કાર્યવાહી થાય તે માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

  -----------------------------------------------------------------------

  અમરાઈવાડીમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મનો કેસ

  સેશન્સ કોર્ટમાં કમિટ કરવા પર આજે ચુકાદો

  ફરિયાદી તરફે કેસ સેશન્સ કોર્ટમાં કમિટ કરવા માટે મેટ્રો કોર્ટમાં અરજી કરી હતી

  અમદાવાદ, શુક્રવાર - અમરાઈવાડીમાં યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીઓ સામે વોરંટ કાઢીને સેશન્સ કોર્ટમાં કેસ કમિટ કરવાની અરજી પર આજે મેટ્રો કોર્ટે ચુકાદો જાહેર કરશે.અમરાઈવાડીની યુવતી પર વર્ષ ૨૦૦૭માં સામૂહિક દુષ્કર્મ કરવાના મામલે મેટ્રો કોર્ટમાં અવારનવાર મુદતો પડતી હતી. યુવતીએ કોર્ટમાં વારંવારમાં મુદત પડતી હોવાથી કોર્ટ રૃમમાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી યુવતીને સારવાર માટે વી.એસ.માં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરિયાદીના એડવોકેટે આરોપીઓ સામે વોરંટ કાઢવામાં તથા કેસ ગંભીર હોવાથી સેશન્સ કોર્ટમાં કમિટ કરવાનો અરજીમાં દાદ માગવામાં આવી હતી. ગત તા. ૯મી ફેબ્રુઆરીએ કેસની મુદત હતી. જેથી કોર્ટ રૃમમાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.

  ફરિયાદીના એડ્વોકેટ રજૂઆતો કરી હતી કે, પોલીસની આ કેસમાં બેદરકારી જણાઈ આવે છે. પોલીસે સામૂહિક દુષ્કર્મનો કેસ હોવા છતાં ફરિયાદ લેવાનું ટાળ્યું હતું.

  -----------------------------------------------------------------------

  વસંતપંચમીએ ટેસ્ટ ટ્યૂબ બેબીનો જન્મ

  વડોદરાના પંજાબી દંપતીએ લગ્નના ૧૮ વર્ષ બાદ ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિથી પુત્ર મેળવ્યો

  અમદાવાદ,શુક્રવાર - ગઈકાલે વેલેન્ટાઈન ડે અને વસંતપંચમીનો સુભગ સમન્વય હોવાથી અનેક યુગલ લગ્નગ્રંથિથી જોડાયા, પરંતુ વડોદરાના પંજાબી યુગલે વસંતપંચમીના પવિત્ર દિવસે બાળકને જન્મ આપીને માતા-પિતા બનવાનું સૌભાગ્ય મેળવ્યુ છે. આણંદ ખાતે ડો. નયના પટેલની હોસ્પિટલમાં આ યુગલે ખાસ વસંતપંચમીના દિવસે જ બાળકનો જન્મ થાય તેવો આગ્રહ રાખ્ય હતો. નોંધનીય બાબત એ છે કે લગ્નના ૧૮ વર્ષ બાદ આ યુગલને આઈવીએફ પધ્ધતિ (ટેસ્ટ ટ્યૂબ પધ્ધતિ)ને કારણે ખોળાનો ખૂંદનાર મળ્યો છે.

  વસંતપંચમીને કોઈપણ શુભ કાર્યના પ્રારંભ માટે વણજોયુ મુહૂર્ત ગણવામાં આવે છે. ગઈકાલે વેલેન્ટાઈન ડે અને વસંતપંચમીનો સુભગ સમન્વય ૪૭ વર્ષ બાદ થયો હતો. વડોદરાના  પંજાબી યુગલે આ સુભગ સમન્વયનો લાભ લઈને વસંતપંચમીના પવિત્ર દિવસે માતા-પિતા બનવાનુ સૌભાગ્ય મેળવ્યુ છે. વડોદરાના વતની અને કન્સ્ટ્રક્ક્શનના વ્યવસાય સાથે જોડાયેલા મલવિન્દરસિંહ ધીમલના લગ્ન ૧૮ વર્ષ પહેલા વરિંદર સાથે થયા હતા. લગ્ન બાદ દંપતિએ બાળક મેળવવા માટે ઘણાં પ્રયાસો કર્યા, પરંતુ વરિંદરને ઈન્ફેક્શન સહિતની સમસ્યાઓને કારણે ગર્ભ રહેવામાં સમસ્યા સર્જાતી હતી. પરિણામે લગ્નને ૧૭ વર્ષ થવા છતાં તેમને સંતાનસુખ પ્રાપ્ત થયુ નહતુ.

   દરમિયાન તેમણે આઈવીએફ પદ્ધતિ એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબી વિશે સાંભળ્યુ અને તેમણે આણંદ ખાતે આઈવીએફ સેન્ટર ચલાવતા ડો. નયના પટેલનો સંપર્ક સાધ્યો. ડો. નયના પટેલની હોસ્પિટલ ખાતે ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિથી વરીંદરને ગર્ભ  રહ્યો.

  વરિંદરની ડિલિવરીની તારીખ નજીક હતી ત્યારે દંપતીએ તા. ૧૫ના રોજ વસંતપંચમીના દિવસે જ બાળકોનો જન્મ થાય તેવો આગ્રહ રાખ્યો હતો. દરમિયાન તા.૧૩ ફેબ્રુઆરીના રોજ વરિંદરની સોનોગ્રાફી કરાતા ગર્ભમાં રહેલા બાળકને જો ૨૪થી ૪૮ કલાકમાં ઓપરેશન કરીને બહાર લાવવામાં ન આવે તો તેના હૃદય પર વિપરીત અસર થવાનો અને બાળકના જીવને જોખમ હોવાનુ નિદાન થયુ. તેથી તાબડતોબ ડો. નયનાએ તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ઓપરેશન કરવાનુ નક્કી કર્યુ. પરંતુ પંજાબી દંપતિને વસંતપંચમીએ જ બાળક જોઈતુ હતુ તેથી તેમણે તપાસ કરાવતા ખબર પડી કે તા. ૧૪ના રોજ બપોર બાદ અડધી વસંતપંચમી છે અને અડધી વસંતપંચમી તા. ૧૫ના રોજ છે.

  તેથી તેમણે તા.૧૪ ફેબ્રુઆરીના રોજ મુહુર્ત જોવડાવ્યુ તો બપોરે એકથી અઢી વાગ્યા વચ્ચેનુ મુહૂર્ત યોગ્ય હોવાનુ જ્યોતિષીએ જણાવતા વરીંદરે એ સમયગાળામાં જ ઓપરેશનનો આગ્રહ રાખ્યો હતો. અંતે વસંતપંચમીના દિવસે વરિંદરેે શુભ મુહુર્તમાં લગ્નના ૧૮ વર્ષ બાદ પુત્રને જન્મ આપ્યો. વરિંદર કહે છે, લગ્નના ૧૮ વર્ષ બાદ પુત્ર અવતરતા અદ્ભુત લાગણી અનુભવાઈ રહી છે. ડો. નયના પટેલ કહે છે, વરિંદરના વસંતપંચમીના દિવસે જ બાળકને જન્મ આપવાના આગ્રહને કેન્દ્રમાં રાખી ઓપરેશન કરાયુ હતુ. હાલ માતા અને બાળક બંનેની તબિયત સામાન્ય છે.

  -----------------------------------------------------------------------

  પ્રતીક્ષા 'બુલેટ ટ્રેન'ની હતી, પણ મળી 'ડબલ ડેકર'!

  અમદાવાદ-પુણે વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેન માટે અમદાવાદે હજુ રાહ જોવી પડશે

  અમદાવાદ, શુક્રવાર - ગત રેલવે બજેટમાં રેલવે મંત્રાલયે અમદાવાદને મહત્ત્વ આપીને ડબલ ડેકર અને બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી, જે પૈકીની ડબલ ડેકર ટ્રેનની સોગાદ અમદાવાદને મળી ગઈ છે, પરંતુ અમદાવાદ-પુણે વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેન માટે અમદાવાદે હજુ રાહ જોવી પડશે.

  દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથધામ અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાની વચ્ચે દોડનારી નવી ટ્રેન પણ વિલંબમાં મુકાઈ છે. અલાહાબાદમાં હાલ ચાલી રહેલા મહાકુંભને લીધે કોચની તંગી હોવાથી આ ટ્રેન શરૃ થઈ શકી નથી. મહાકુંભ બાદ આ ટ્રેન શરૃ થવાની સંભાવના છે. આ ટ્રેન શરૃ થતાં સોમનાથથી દ્વારકા અથવા દ્વારકાથી સોમનાથ જનારા શ્રદ્ધાળુઓને ખૂબ સગવડ થઈ જશે. અમદાવાદ સ્ટેશન પર વિકલાંગ અને વડીલોની સરળતા માટે એસ્કેલેટર અને પેસેન્જર લિફ્ટ બનાવવાની પણ જાહેરાત કરાઈ હતી.

  ચાર વર્ષ પૂર્વે રેલવે બજેટમાં અમદાવાદ રેલવે સ્ટેશનનાં એકથી આઠ પ્લેટફોર્મ સુધી પેસેન્જર લિફ્ટ લગાડવાની જાહેરાત કરાઈ હતી, જેમાં ઘણો વિલંબ થયો. જોકે ગત માસમાં પેસેન્જર લિફ્ટનું કામ શરૃ થઈ ગયું છે. ગત બજેટમાં અમદાવાદ રેલવે સ્ટેશને એસ્કેલેટર પણ મુકાવાની હતી, પણ તેનું કામ હજુ સુધી શરૃ થઈ શક્યું નથી, જોકે આના ટેન્ડરની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર અત્યારે પ્લેટફોર્મ નં. ૮થી ૧૦ સુધીનાં ત્રણ પ્લેટફોર્મ પર ગેજ પરિવર્તન ચાલી રહ્યું છે, જેને કારણે આગામી દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર વધુ ટ્રેનોની આવ-જા થઈ શકશે.

  અમદાવાદથી ઉદયપુર વચ્ચે ગેજ પરિવર્તનનું કામ ચાલુ છે. ત્યાર બાદ દિલ્હી સહિત ઉત્તર ભારત આવજા કરતા યાત્રિકો માટે ઘણી સારી સગવડ ઊભી થઈ જશે. તત્કાલીન રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદીએ કચ્છના ગાંધીધામમાં નવી રેલવે કોચ ફેક્ટરી સ્થાપવાની ઘોષણા કરી હતી, પરંતુ આ તરફ હજુ મંત્રાલયે કોઈ ધ્યાન આપ્યું નથી. અમદાવાદ ડિવિઝનના બેચરાજી, ભાણવડ, પાલનપુર, સિદ્ધપુર અને ઊંઝાને આદર્શ સ્ટેશન તરીકે વિકસાવવાની જાહેરાત કરાઈ હતી, જે પૈકીના બેચરાજી, સિદ્ધપુર અને ઊંઝા હજુ સુધી આદર્શ સ્ટેશન બની શક્યાં નથી.  મુંબઈ-દિલ્હી વચ્ચે પ્રસ્તાવિત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર બનાવવા માટે જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ગાંધીનગર જિલ્લાના વામજ-પાનસર સુધીનાં  ૧૦ ગામના લોકોએ જમીન સંપાદન સામે વિરોધ નોંધાવ્યો છે. આ મામલો અત્યારે અદાલતમાં છે. આ ફ્રેઇટ કોરિડોર વિકાસ માટે ઘણો ઉપયોગી સાબિત થશે.

  -----------------------------------------------------------------------

   

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License