• 13-02-13

--------------------------------------
 
 
 • જેલ મેં સુરંગઃ જવાબદારો સામે તોળાતાં આકરાં પગલાં

  સવારથી જ જેલ કેમ્પસમાં અધિકારીઓની મિટિંગનો દોરઃ ગૃહ વિભાગમાં પણ ધમધમાટ

  ત્રાસવાદી સંગઠનનો હાથ હોવાની આશંકા

  અમદાવાદ, મંગળવાર - સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલવાસ ભોગવી રહેલા બોમ્બબ્લાસ્ટના આરોપીઓએ ભાગી છૂટવા માટે જેલમાં જ ખોદેલી સુરંગની ઘટનાથી રાજ્યના પોલીસતંત્રે ગંભીર આંચકો અનુભવ્યો છે અને આ ઘટનામાં જવાબદાર મનાતા તમામ સામે આકરાં પગલાં ભરવા ગૃહ વિભાગ દ્વારા વિચારણા ચાલી રહી છે અને ગણતરીના કલાકોમાં જ કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને આ ઘટનાના છાંટા ઊડે તેવું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર ગઇ કાલે સવારે સાબરમતી મધ્યસ્થ જેલમાં સુરંગ ખોદ્યાની ઘટના પ્રકાશમાં આવતાંની સાથે જ સવારથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં ધાડેધાડાં જેલ પર ઊતરી આવ્યાં હતાં અને આ ઘટનાની ઝીણામાં ઝીણી વિગત મેળવવાની તજવીજ શરૃ કરી હતી. જેલવાસ ભોગવી રહેલા બોમ્બબ્લાસ્ટના આતંકીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં તમામ આતંકીઓની બંધ બારણે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેલમાં પૂરતો બંદોબસ્ત, વોચ ટાવર, સીસીટીવી કેમેરા અને અધિકારીઓની અવરજવર હોવા છતાં આટલું મોટું ષડ્યંત્ર કેવી રીતે ઘડાયું તે હજુ કોઇના ગળે વાત ઊતરતી નથી ત્યારે આ સમગ્ર ષડ્યંત્ર પાછળ કોઇ ત્રાસવાદી સંગઠનનો દોરીસંચાર હોવાનું તપાસ એજન્સી માની રહી છે.

  એક માહિતી પ્રમાણે જેલના સુપરિન્ટેન્ડેન્ટ સહિતના અન્ય અધિકારીઓ દર કલાકે આખી જેલનું વિઝિટેશન કરતા હોય છે. છેલ્લા દોઢ મહિનાથી આતંકીઓ દ્વારા આ કૃત્ય આચરાતું હતું આમ છતાં આટલી મોટી વાત કેમ કોઇના ધ્યાન પર ન આવી તે બાબતે ગૃહ વિભાગે બહુ કડક વલણ અપનાવ્યું છે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન રજનીકાંત પટેલે ગઇ મોડી રાત સુધી અને આજે વહેલી સવારે પણ અધિકારીઓની તબક્કાવાર મિટિંગ યોજી આ ઘટનાના મૂળ સુધી પહોંચવા આદેશ આપ્યા છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાનું પણ વિચારાઇ રહ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૫ના અરસામાં સાબરમતી જેલમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત ત્રાસવાદી લાલસિંહને ભગાડવા માટેનું આખું કાવતરું એક યુવતીની મદદથી અને જેલ સત્તાવાળાના સાથથી ઘડાયું હતું. આ કાવતરાંનો ભાંડો ફૂટી જતાં ગભરાટ મચી ગયો હતો અને જે તે સમયે સાબરમતી જેલ તોડવાના પ્રયાસને ખૂબ ગંભીર ગણી લાંચ-રુશવત બ્યૂરોના તત્કાલીન વડા જોસેફ અને એટીએસના વડા કુલદીપ શર્માને આ તપાસ આપી હતી. તપાસનીશ ટીમે ભેદી નકશાઓ અને પુરાવાઓ પણ મેળવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં કેટલાક પોલીસકર્મીઓ શંકાના પરીઘમાં આવતા તેમની સામે પણ કડક કાર્યવાહી કરી તેમને ઘરે બેસાડી દેવામાં આવ્યા હતા.

  *******

  જેલના અધિકારીઓના મોબાઈલ સ્વિચ ઓફ

  સુરંગની ઘટના બાદ જેલના મોટા ભાગના અધિકારીઓએ પોતાના મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધા છે, જ્યારે જેલની લેન્ડલાઇન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સામેથી કોઇ સાહેબ હાજર નથી તેવો જવાબ આપવામાં આવે છે. આમ રાજ્યની પોલીસને હચમચાવી નાખનાર સુરંગ પ્રકરણથી પોલીસ અધિકારીઓ પણ ડઘાઇ ગયા છે.

  -----------------------------------------------------------------------

  યુનિવર્સિટીની સાયન્સ લેબોરેટરી બંધ કરી દેવાઈ!

  લેબોરેટરીમાં મેન્ટલ એસેસમેન્ટની કામગીરી શરૃ કરાઈ

  લેબોરેટરીમાં સાયન્સના વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયના પ્રેક્ટિકલ કરતા હતા

  અમદાવાદ, મંગળવાર - ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર (યુએસઆઇસી)ની લેબોરેટરી બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સેન્ટરમાં હાલમાં પરીક્ષાની એસેસમેન્ટની કામગીરી ચાલી રહી છે.

  પ્રાપ્ત વિગતો મુજબ યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટરમાં સાયન્સની લેબોરેટરી અને ઇન્સ્ટ્રુમેન્ટ લેબોરેટરી આવેલી છે. આ લેબોરેટરી વર્ષોથી કાર્યરત હતી. લેબોરેટરીમાં સાયન્સ વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરતા હતા. લેબોરેટરી યુજીસી (યુનિવર્સિટી ગ્રાંટ કમિશન)ની ગ્રાંટમાંથી બનાવવામાં આવી હતી. ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં લેવાયેલી પરીક્ષાની એસેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. આ મામલે કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટરની લેબોરેટરી યુનિવર્સિટી દ્વારા ઉપયોગ કરાતો ન હોવાથી બંધ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા મનસ્વી રીતે આ નિર્ણય કરવામાં આવ્યો છે. લેબોરેટરી બંધ થવાથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં મુશ્કેલી પડશે. ઉપરાંત અન્ય લેબોરેટરીમાં ભીડ પણ થશે જ.

  આ મામલે યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રાર ડો. અરવિંદ ભંડારીએ જણાવ્યું હતું કે લેબોરેટરીમાં વિદ્યાર્થીઓ ઇચ્છે તો પ્રેક્ટિકલ કરી શકે છે તેમજ લેબોરેટરીમાં હાલમાં પરીક્ષાની સેન્ટ્રલ એસેસમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે.

  નોંધનીય છે કે તાજેતરમાં સમાજવિદ્યા ભવનમાં ચોરી થતાં નવા પરીક્ષા ભવનમાં પરીક્ષાની સેન્ટ્રલ એસેસમેન્ટની કામગીરી ખસેડાઇ હતી. બાદમાં લેબોરેટરીમાં એસેસમેન્ટની કામગીરી શરૃ કરાઇ છે.

  -----------------------------------------------------------------------

  વસંત પંચમીનો લગ્નગાળો ભૂલીને ખેડા, બનાસકાંઠાના ચૂંટણી પ્રચારમાં લાગી જાવ!

  શહેરના તમામ ૧૪ ધારાસભ્યને આજથી આ બંને જિલ્લા પંચાયતમાં ભાજપનો પ્રચાર કરવાની સૂચના અપાઈ

  અમદાવાદ, મંગળવાર - આપણી સંસ્કૃતિમાં વસંત પંચમી એ પ્રેમનો તહેવાર ગણાય છે તો પશ્ચિમી દેશોમાં 'વેલેન્ટાઈન ડે' પ્રેમની ઉજવણીરૃપે મનાય છે. આવતી ૧૪ ફેબ્રુઆરીએ ૪૭ વર્ષ બાદ વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે એક સાથે આવી રહ્યા છે. વસંત પંચમી એટલે લગ્નનું વણમાગ્યું મુહૂર્ત. જોકે અમદાવાદમાં વસંત પંચમીએ ગમે તેટલા લગ્ન હોય પરંતુ ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર્સ વગેરેને વસંત પંચમીનો લગ્નગાળો ભૂલીને ખેડા, બનાસકાંઠામાં ચૂંટણીપ્રચારમાં લાગી જવાનું રહેશે.

  અત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં લગ્નગાળો પૂરબહારમાં ખૂલ્યો છે. સમાજના તમામ લોકોના વર્ગમાં લગ્નની મોસમની દોડધામ જોવા મળે છે, પરંતુ શહેર ભાજપનાં સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ૧૪ ધારાસભ્ય, કોર્પોરેટર્સને અગાઉ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ખેડા, મહેમદાવાદ, મહુધા, સાણંદ, બાવળા અને પ્રાંતીજનો અપડાઉન કર્યા બાદ હવે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની આગામી તા. ૧૭ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં આજથી ભાજપનો પ્રચાર કરવાની સૂચના અપાઈ ગઈ છે. શહેર ભાજપ દ્વારા આ અંગેનો વિસ્તૃત કાર્યક્રમ પણ ઘડી કઢાયો છે. અસારવા વિધાનસભાના હોદ્દેદારો-કોર્પોરેટરોને વડગામ, ઠક્કરબાપાનગર વિધાનસભાના હોદ્દેદારો-કોર્પોરેટરોને ખેડબ્રહ્મા, ઘાટલોડિયા- સાબરમતી વિધાનસભાના હોદ્દેદારો-કોર્પોરેટરોને ગાંધીનગર તાલુકા પંચાયત અને મણિનગર વિધાનસભાના હોદ્દેદારો-કોર્પોરેટરોને માતરમાં ચૂંટણીપ્રચાર કરવો પડશે.

  અગાઉ અમદાવાદ નજીક આવેલી નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના તમામ ૧૪ ધારાસભ્યો, કોર્પોરેટર્સ અને પદાધિકારીઓએ પોતપોતાના સામાજિક પ્રસંગોને પડતા મૂકીને અમદાવાદથી બાવળા, પ્રાંતીજ વગેરે સ્થળોનું સતત ચારથી પાંચ દિવસ સુધી અપડાઉન કરવું પડ્યું હતું. હવે માંડમાંડ નગરપાલિકાના પ્રચારકાર્યમાંથી ફૂરસદ કાઢી શક્યા તો હવે આજથી ખેડા, બનાસકાંઠાના પ્રવાસમાં જવાનું રહેશે. જેના કારણે અમુક વર્ગમાં કચવાટ ફેલાયો છે. આ વર્ગ તો નારાજગીના સૂરમાં કહે છે કે વિધાનસભામાં મોદી મેજિક ચાલ્યો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહીં ચાલે? અમને નગરપાલિકાની ચૂંટણીમાં દોડાવ્યા હવે જિલ્લા પંચાયતોની અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં દોડાવી રહ્યા છે. તો સ્થાનિક સ્તરેથી કામ ન લઈ શક્યા હોત? વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને પણ ચૂંટણી પ્રચાર કરવાની ફરજ સોંપાઈ છે. આનાથી શહેર ભાજપ કાર્યાલયમાં વિવાદનાં વમળ ઊઠયાં છે.

  -----------------------------------------------------------------------

  અમદાવાદ એરપોર્ટ બન્યું વિઝા કૌભાંડીઓનું હબ

  નકલી પાસપોર્ટ પર પાંચ વર્ષ સુધી અમેરિકા રહીને આવેલો શખસ ઝડપાતાં ઘટસ્ફોટ

  દર વર્ષે ગેરકાયદે વિદેશ જતા લોકોની ટકાવારીમાં સ્ફોટક વધારો

  અમદાવાદઃ વિદેશ જવાની ઘેલછામાં સાચા-ખોટા રસ્તા અપનાવી કાયદો હાથમાં લેતા સંખ્યાબંધ લોકો આંતરે દિવસે પકડાતા હોય છે. જેમાં અમદાવાદ ગેરકાયદે વિદેશ જતા લોકોનું જાણે હબ બની ગયું છે. અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં લાખો રૃપિયા આપીને નકલી પાસપોર્ટ પર અમેરિકા ગયેલા એક શખસને પોલીસે એરપોર્ટ પરથી પકડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી પરત આવતા ભાઈલાલભાઈ પટેલને ઇમિગ્રેશન પોલીસે નકલી પાસપોર્ટ હોવાથી ઝડપી લીધા હતા. બાદમાં સરદારનગર પોલીસને નકલી પાસપોર્ટ પર વિદેશ જવાનું કૌભાંડ કરતા આરોપીને સોંપતા ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.

  નકલી પાસપોર્ટ સાથે પકડાયેલા ભાઈલાલભાઈએ અમેરિકા જવા માટે કલોલના એક એજન્ટ રાકેશ શિવરામને વાત કરી હતી, પરંતુ ભાઈલાલભાઈના પાસપોર્ટમાં કંઈક વાંધાજનક હોવાથી એજન્ટે નકલી પાસપોર્ટ બનાવી આપી અમેરિકાના વિઝા લાવી આપવા રૃ. ૧૩ લાખ લેવાનું નક્કી કર્યું હતું, જે બાબતે ભાઈલાલભાઈ સંમત થયા હતા અને ૨૦૦૭માં એજન્ટ શિવરામે તેમને નકલી પાસપોર્ટ બનાવી આપી અમેરિકા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ પાંચ વર્ષે તેમના વિઝાની અવધિ સમાપ્ત થતા તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા ત્યારે ઈમિગ્રેશન પોલીસને શંકા ગઈ હતી અને તપાસ દરમિયાન પાસપોર્ટ નકલી હોવાનું બહાર આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેથી હાલમાં સરદારનગર પોલીસે ભાઈલાલભાઈની ધરપકડ કરી છે અને નકલી પાસપોર્ટ બનાવી આપનાર એજન્ટ રાકેશ શિવરામને પકડવા સઘન કાર્યવાહી હાથ ધરી છે.

  આશ્ચર્યની વાત તો એ છે કે ભાઈલાલભાઈ જેવા અનેક શખસો વિદેશ જવાની ઘેલછામાં લાખો રૃપિયા આપીને વિઝા કૌભાંડનો ભોગ બની જતા હોય છે, પરંતુ એક બાબત નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ગેરકાયદે વિદેશ જતા લોકોનું હબ બની ગયું છે.

  -----------------------------------------------------------------------

  રાયપુર બિગબજાર પાછળની આવાસ યોજનાની કામગીરીમાં ધાંધિયાં

  તમામ લાભાર્થીઓને આવાસોનો કબજો મળ્યો નથી તો પાણી, ગટર, રસ્તા, લાઈટનાં કામ  પણ બાકી છે

  અમદાવાદ, મંગળવાર - એક તરફ મ્યુનિ. સત્તાધીશો અમદાવાદને સ્લમ ફ્રી સિટી બનાવવાનાં બણગાં ફૂંકી રહ્યા છે તો બીજી તરફ શહેર ગરીબ આવાસ યોજનાની કામગીરીમાં ધાંધિયા જોવા મળે છે, જેના કારણે ગરીબ લાભાર્થીઓને પરેશાન થવું પડે છે.

  શહેરમાં મુખ્ય રસ્તાઓ ખુલ્લા કરવા માટે રસ્તા ઉપર આવેલા દબાણોને એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા દૂર કરવામાં આવે છે અને આ દબાણો દૂર કર્યા બાદ ત્યાંના સ્થાનિક દબાણકર્તાઓને એટલે કે ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. દાણીલીમડા વિસ્તારમાં આવેલા વનાસનગરના ઝૂંપડાને અગાઉ રસ્તા પરના દબાણને ખસેડવાની કામગીરીના ભાગરૃપે હટાવવામાં આવ્યા હતા. આ ઝૂંપડાવાસીઓને બાદમાં તંત્ર દ્વારા રાયપુર બિગબજાર પાછળની શહેરી ગરીબ યોજના હેઠળ આવાસ ફાળવાયા હતા.

  જોકે મ્યુનિ. વિપક્ષના નેતા બદરૃદ્દીન શેખના આક્ષેપ મુજબ જેએનઆરયુએમ પ્રોજેક્ટ હેઠળના હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગતના રાયપુર બિગબજાર પાછળ આવાસ યોજના કાર્યરત કરાઈ છે. જોકે પાંચ મહિના પછી પણ આ આવાસ યોજના પાણી, ગટર, રસ્તા અને લાઈટનાં કામો બાકી છે તો ૪૦થી વધુ ઝૂંપડાવાસીઓને પાંચ મહિના પછી પણ આવાસોનો કબજો મળ્યો નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ લાભાર્થીઓને આવાસો ફાળવાયા હતા, પરંતુ લાભાર્થીઓને હજુ આવાસનો કબજો સોંપાયો નથી, જેના કારણે વિપક્ષના નેતાએ કમિશનર મહાપાત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.

  -----------------------------------------------------------------------

  પૂર્વ અમદાવાદમાં ગેરકાયદે પાણી કનેક્શનોની ભરમાર

  સમગ્ર શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે કનેકશન હોવાની ખુદ વોટર સપ્લાય સમિતિના ચેરમેનની કબૂલાત

  અમદાવાદ, મંગળવાર  - શહેરમાં વિકાસનો અને તેની સાથે સાથે વસ્તીનો વિસ્ફોટ થયો છે. મેગા સિટી અમદાવાદ ૪૬૬ ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવે છે. આ ઉપરાંત ૬૦ લાખ કરતાં વધુ નાગરિકો આ શહેરમાં વસે છે. આની સાથે સાથે શહેરમાં પાણીની જરૃરિયાત પણ સતત વધી રહી હોઈ ખાસ કરીને બાપુનગર, ઠક્કરબાપાનગર, અમરાઈવાડી, નિકોલ, ઓઢવ અને વસ્ત્રાલમાં ગેરકાયદે પાણી કનેકશનોની ભરમાર જોવા મળે છે.

  અમદાવાદમાં એક અંદાજ મુજબ ૧૧.૧૧ લાખ રહેણાક, ૩૩.૩પ હજાર કોમર્શિયલ અને ર૦૩૯ સાર્વજનિક પાણીનાં કનેકશન મળીને કુલ ૧૧.૪૭ લાખ પાણીનાં કનેકશન છે. તેની સામે શહેરમાં વસ્તી વધારાને પગલે તેમજ નવા નવા વિસ્તારો ડેવલપ થવાના કારણે એક અંદાજ મુજબ ૧૩ લાખથી વધુ રહેણાક મિલકતો છે. જ્યારે આ રહેણાક મિલકતો પૈકી દોઢ લાખ મિલકતોને ગેરકાયદે પાણીના કનેકશન હોવાની ચર્ચા છે.

  ભાજપ શાસિત કોર્પોરેશનમાં વિવિધ વોર્ડના કોર્પોરેટર્સ, સ્થાનિક ઈજનેર વિભાગના અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદે પાણીના કનેકશનોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. કેટલાક પદાધિકારીઓ પણ આ કામગીરીમાં સીધા અથવા આડકતરી રીતે સંકળાયેલા છે. રાજકીય શેહશરમના કારણે દિન પ્રતિદિન ગેરકાયદે પાણીના કનેકશનોની સંખ્યા વધતી જાય છે. નવી બિલ્ડિંગો ધરાવતી સ્કીમોમાં તો બિલ્ડરો ભાગ્યે જ કાયદેસર પાણીનું કનેકશન લેવાનું પસંદ કરે છે.

  ખુદ વોટર સપ્લાય સમિતિના ચેરમેન જતીન પટેલ શહેરભરમાં ઠેર ઠેર ગેરકાયદે પાણીના કનેકશન હોવાની બાબતની કબૂલાત કરે છે. ચેરમેન પટેલ કહે છે કે પાણીના ગેરકાયદે કનેકશનની સમસ્યા સમગ્ર શહેરમાં છે. જોકે મોટા ભાગના ગેરકાયદે કનેકશન મંજૂર કરાયેલી પાણીની અડધા ઈંચની લાઈનના બદલે એકથી દોઢ ઈંચના કનેકશનવાળી પાણીની લાઈનને લગતા છે. પાણીના ગેરકાયદે કનેકશન દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

  દક્ષિણ ઝોનમાં ગેરકાયદે ૧રપ કનેકશન કપાયાં

  દક્ષિણ ઝોન સમાવેશ ધરાવતા મણિનગર, કાંકરિયા, બહેરામપુરા, દાણીલીમડા, ઈન્દ્રપુરી, વટવા, ઈસનપુર અને લાંભા વોર્ડમાં ગેરકાયદે પાણીનાં કનેકશન કાપવાની ઝુંબેશ હેઠળ ૧રપ કનેકશન કપાયાં હોવાનું જાણવા મળે છે. દક્ષિણ ઝોનના એડિશનલ સિટી ઈજનેર આ ઝુંબેશમાં વ્યકિતગત રસ લઈ  રહ્યા છે.

  નવા નરોડા, નવા નિકોલ, નવા વસ્ત્રાલ, નવા ઓઢવમાં ગેરકાયદે કનેકશનની વિશેષ સમસ્યા શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે બાપુનગર, અમરાઈવાડી, ઠકકરબાપાનગર વગેરેમાં પાણીનાં ગેરકાયદે કનેકશનની સમસ્યા વિકટ છે તો આની સાથે સાથે ડેવલપમેન્ટના કારણે નવા નરોડા, નવા નિકોલ, નવા વસ્ત્રાલ, નવા ઓઢવમાં ગેરકાયદે કનેકશનોની સમસ્યાએ વિકરાળરૃપ ધારણ કર્યું છે.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License