15-02-13

--------------------------------------
 
 
 • પ્રેમપર્વના દિવસે પ્રેમની અભિવ્યક્તિનો અદ્ભુત કિસ્સોે સુરતના જિજ્ઞેશ શાહને પત્ની મિત્તલ નવજીવન ભેટમાં આપશે

  વેલેન્ટાઈન ડે પર પત્નીની પતિને કિડનીની ભેટ

  સુરતના જિજ્ઞેશ શાહને પત્ની મિત્તલ નવજીવન ભેટમાં આપશે

  અમદાવાદ, ગુરુવાર - આજે વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમીઓ એકબીજા સમક્ષ પ્રેમનો ઈઝહાર કરે છે ત્યારે એક પતિ માટે તેની પત્ની તરફથી કીડનીની ભેટ મળે એ કદાચ સૌથી મોટી  વેલેન્ટાઈન ગિફ્ટ કહી શકાય. સુરતના જિજ્ઞેશ શાહને તેમના પત્ની તરફથી કિડનીની ભેટ મળશે જે તેમને નવજીવન બક્ષશે.

  વેલેન્ટાઈન ડે પર ફૂલો, ચોકલેટ, કાર્ડસ જેવી ગિફ્ટ તો બધા જ આપે પરંતુ સુરતના જિજ્ઞેશ શાહને તેમના પત્ની તરફથી કિડનીનું દાન મળી રહ્યુ છે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં દાખલ થયેલા જિજ્ઞેશનું શનિવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાશે. સુરતના જિજ્ઞેશ (ઉ. વ. ૩૫)ને બે વર્ષ પહેલા ધનતેરસના આગલા દિવસે રાત્રે અચાનક ઉલટી થઈ અને માથુ ભારે થઈ ગયુ. ફેમિલી ડોક્ટરને તાત્કાલીક બતાવ્યુ તો તેમણે બીપી હાઈ હોવાનુ નિદાન કર્યુ. જો કે બીજા દિવસે તેમનો પરિવાર અમદાવાદ ખાતે જિજ્ઞેશના માતા-પિતાને ત્યાં તહેવાર ઉજવવા આવ્યો. અહીં તેમણે સિવિલ હોસ્પિટલમાં બતાવ્યુ તો તેમને ડાયાલીસીસ કરાવવુ પડશે તેમ જાણવા મળ્યુ. કીડનીની સમસ્યા સામે આવતા જિજ્ઞેશ અને તેના પરિવારના પગ હેઠળથી જમીન ખસી ગઈ. જોકે સિવિલને બદલે અ સમયે જીજ્ઞેશ જીવરાજ હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં તેમની એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ ચાલી. પરંતુ આ દિવાળીએ નવેમ્બરમાં ફરી તેમની તબિયત લથડી.

  છેલ્લે ફેબ્રુઆરીમાં જિજ્ઞેશની તબિયત અત્યંત લથડી. આ સમયગાળામાં તેમણે ડાયાલિસિસ કરાવવાનુ શરૃ કર્યુ અને ડાયાલિસિસને કારણે તે કોઈ કામ કરી શકતા નહતા. જિજ્ઞેશ કહે છે, ડાયાલિસિસ બાદ મારુ માથુ ચાર કલાક સુધી સતત દુખતુ. કારણ કે જ્યાં સુધી બીપી નોર્મલ ન થાય ત્યાં સુધી સતત માથુ દુખ્યા કરે. ડાયાલિસિસને કારણે કોઈ શ્રમ કરી શકાતો ન હતો તેથી મોબાઈલ શોપ પણ બંધ કરી દેવી પડી. મારી આ હાલત જોઈને મારી પત્ની મિત્તલ (ઉ.વ. ૩૨)ને વિચાર આવ્યો કે મને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. તેથી આ અંગે અમે ડોક્ટર સાથે ચર્ચા કરતા તેમણે કુટુંબમાંથી જ જો કોઈ સાથે બ્લડ ગૃપ મેચ થતુ હોય તો તે માટે નજર દોડાવવા કહ્યુ. મારા પત્નીનુ અને મારુ બ્લડ ગ્રુપ ઓ પોઝિટીવ હોવાથી તબીબોએ મારા પત્ની મને કિડની આપી શકે તેવો અભિપ્રાય આપ્યો. હવે બધુ મારી પત્ની મીત્તલ પર આધારિત હતુ. તેણે તો તરત જ કિડની આપવાની હા પાડી દીધી. જેના પગલે નવેમ્બર માસથી રિપોર્ટીંગ શરૃ કરાયુ. છેલ્લે તબીબોેએ મિત્તલ મને કિડની આપી શકશે તેવો અભિપ્રાય આપી દીધો. મારી ઈચ્છા તા. ૨૬ જાન્યુઆરીના રોજ અમારી લગ્નતિથિ વખતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાય તેવી હતી, પરંતુ એ વખતે મિત્તલનુ હિમોગ્લોબિન ઓછુ હતુ તેથી તે શક્ય ન બન્યુ. હવે શનિવારે મિત્તલની કિડની મને ટ્રાન્સપ્લાન્ટ કરાશે, જે મારા માટે સૌથી મોટી વેલેન્ટાઈન ગિફ્ટ બનશે તેમ જિજ્ઞેશે જણાવ્યુ હતુ.

  આજના વેલેન્ટાઈન ડેના દિવસે જિજ્ઞેશ કહે છે કે, મારી પત્ની મને તેની કિડની મને આપીને મને નવજીવન ગિફ્ટ કરી રહી છે તેથી આજનો દિવસ મારા માટે ખાસ છે.

  -----------------------------------------------------------------------

  દેશમાં વેલેન્ટાઈન ડેનું રૃપિયા ૧૫ અબજનું બજાર

  પુરુષો મહિલાઓની સરખામણીમાં બે ગણો વધુ ખર્ચ કરે છે

  નવી દિલ્હી, ગુરુવાર - એક વેપારી સંઘે દેશમાં વેલેન્ટાઈન ડેનો ૧૫ અબજ રૃપિયાનો બિઝનેસ આંક્યો છે. સંઘે પોતાના નિષકર્સ પર પહોંચવા માટે મોટા શહેરોના ૮૦૦ કંપની અધિકારીઓ અને ૧૫૦ શૈક્ષણિક સંસ્થાઓના ૧૦૦૦ વિદ્યાર્થીની પૂછપરછ કરી.  એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમે) કહ્યું કે બજારનો આકાર આટલો મોટો એટલા માટે છે કેમ કે વેલેન્ટાઈન ડે માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પરંતુ અઠવાડિયું ચાલનાર ઉત્સવ છે. આ ઉત્સવ સાત ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી શરૃ થાય છે. ત્યાર બાદ પ્રપોઝલ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, કિસ ડે, હગ ડે અને ત્યાર બાદ ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે આવે છે.

  એસોચેમે કહ્યું કે વેલેન્ટાઈન ડે માટે એક પુરુષ એક મહિલાની અપેક્ષામાં બે ગણો ખર્ચ કરે છે. સર્વે મુજબ કોલ સેન્ટર, આઈટી કંપની અને મોટી કંપનીમાં કામ કરનાર યુવાનો આ દિવસે એક હજારથી ૫૦ હજાર રૃપિયાની વચ્ચે ખર્ચ કરે છે, જ્યારે વિદ્યાર્થીઓ ૫૦૦થી ૧૦ હજાર રૃપિયાની વચ્ચે ખર્ચ કરે છે.

  એસોચેમના મહાસચીવ ડી. એસ. રાવતે જણાવ્યું કે આ વર્ષે વેલેન્ટાઈન ડેના વીકમાં ગયા વર્ષના ૧૨ હજાર કરોડ રૃપિયા કરતાં ૨૦ ટકા વધુ ખર્ચ થશે. રાવતે જણાવ્યું કે, વેલેન્ટાઈન ડે વીકમાં છેલ્લાં ચાર પાંચ વર્ષોથી ખરીદી વધતી જાય છે.

  -----------------------------------------------------------------------

  પ્રેમનાં કાળાંબજાર પ્રેમનાં 'કાળાંબજાર'

  વેલેન્ટાઈન ડે અને વસંતપંચમી એક જ દિવસે હોવાને કારણે ફૂલોનો કાળો કારોબાર વધ્યો

  અમદાવાદઃ આજે વેલેન્ટાઇન ડે અને વસંતપંચમી છે. આજના દિવસે લગ્ન તથા શુભ પ્રસંગો મોટા પ્રમાણમાં હોવાના કારણે તથા વેલેન્ટાઇન દિવસના કારણે યુવાનો પ્રેમની અભિવ્યક્તિ ફૂલની આપ-લે દ્વારા કરતા હોવાને કારણે ફૂલબજારમાં ફૂલોની માગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જોકે ફૂલબજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે હવે શહેરની આજુબાજુ ફાર્મહાઉસમાં ડચ રોઝીસ તથા અન્ય ગુલાબનું વાવેતર થતું હોવાને કારણે સ્થાનિક બજારમાં મોટા પ્રમાણમાં આવક જોવા મળી છે.

  સ્થાનિક હોલસેલ ફૂલબજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે વેલેન્ટાઇન ડે અને વસંતપંચમી એક જ દિવસે હોવાના કારણે ફૂલોની ડિમાન્ડ ઊંચી છે. હોલસેલ બજારમાં ડચ રોઝીસ એક કળીનો ભાવ છથી ૧૦ રૃપિયા જોવા મળે છે, જેને રિટેલમાં વેપારીઓ ૧૮થી ૨૦ રૃપિયાના ભાવે વેચી રહ્યા છે. આજે આઠથી ૧૦ કરોડ રૃપિયાનો ફૂલોનો કારોબાર જોવાયો છે. આ વાતને સમર્થન આપતાં અમદાવાદ ફૂલબજાર એસો.ના પ્રમુખ અહમદભાઇ શેખે જણાવ્યું કે સામાન્ય દિવસોની સરખામણીમાં વેલેન્ટાઇન ડેના કારણે ગુલાબના ફૂલની માગ ઊંચી જોવા મળે છે, જોકે શહેરની આજુબાજુ આવાં ફૂલનું વાવેતર વધ્યું છે, જેના કારણે સ્થાનિક બજારમાં ૯૦ ટકા માલ શહેરની આજુબાજુના વિસ્તારોમાંથી આવી રહ્યો છે. જ્યારે ૧૦ ટકા માલ પુણે, બેંગલુરુ જેવાં શહેરમાંથી આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજે વસંતપંચમી પણ છે. પાર્ટી પ્લોટોમાં ફૂલોનાં ડેકોરેશન તથા ગાડી શણગારવા માટે પણ ફૂલ તથા ફૂલની ચાદરોની ઊંચી માગ જોવા મળી રહી છે. રૃ. ૧,૦૦૦થી રૃ. ૧૦થી ૨૦ લાખ સુધીના ખર્ચે પાર્ટી પ્લોટોમાં ફૂલોનું ડેકોરેશન કરવામાં આવે છે.

  -----------------------------------------------------------------------

  વેલેન્ટાઈન ડેના પગલે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ જારી

  શાળા-કોલેજ આસપાસ મહિલા પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખશે

  અમદાવાદઃ વેલેન્ટાઈન ડેના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત પેટ્રોલિંગના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીને ખાનગી ડ્રેસમાં શાળા-કોલેજની આસપાસ વોચ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે યુવતીઓની સુરક્ષાને પગલે પોલીસને સક્રિય રહેવા માટે અગાઉથી આ મુદ્દે સૂચના આપી દીધી છે.

  એ ડિવિઝન એસીપી પી.સી.જોષીએ જણાવ્યું હતું કે, " વેલેન્ટાઈન ડેના પગલે પોલીસને સધન બંદોબસ્ત રાખવાની સૂચના અપાઈ છે. જે મુજબ ચેકિંગ પોઈંટ ઉપરાંત શાળા અને કોલેજની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના બગીચા, શાળા અને કોલેજની આસપાસ મહિલા પોલીસને ખાનગી ડ્રેસમાં વોચ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. "

  શહેરમાં આજે દિવસભર પોલીસ પેટ્રોલિંગ જારી રાખવામાં આવશે. પીસીઆર વાનને શાળા અને કોલેજ આસપાસ સતત પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા યુવતીઓને હેરાન કરવાના કે છેડતી કરવાના કિસ્સા સધન કાર્યવાહી કરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. મહિલા પોલીસ રંગબેરંગી કપડાં પહેરીને જે તે શાળા અને કોલેજ આસપાસ રોમિયોને પકડવા માટે વોચમાં રહેલી છે.

  -----------------------------------------------------------------------

  કોલેજો તથા યુનિવર્સિટી વિસ્તારમાં ગુલાબ ફટાફટ વેચાયા

  આજે વેલેન્ટાઇન ડેના કારણે ગુલાબની માગ ઊંચી હોવાના કારણે કોલેજો તથા યુનિવર્સિટી વિસ્તારમાં ગુલાબ વેચતા છૂટક ફેરિયાઓએ સવારમાં જ મોં માગ્યા ભાવે ગુલાબ વેચી રોકડી કરી લીધી હતી, જેના પગલે કોલેજ વિસ્તારમાં ગુલાબના ફૂલ ફટાફટ વેચાઇ ગયાં હતાં.

   

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License