09-07-2013

------------------------------------
 
 • ભારતીયો હવે ફૂડને બદલે ફેશન, ફ્યૂઅલ અને ફિલ્મો પાછળ વધુ ખર્ચ કરે છે

  એનએસએસઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણનાં ચોંકાવનારાં તારણો

   અમદાવાદ, શનિવાર - નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (એનએસએસઓ) દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં ભારતીય લોકોની ખર્ચ પેટર્ન અંગે ચોંકાવનારાં તારણો બહાર આવ્યાં છે. છેલ્લા ૧૮ વર્ષમાં ભારતીયો અનાજ-કઠોળ જેવી જીવનજરૃરિયાતની ચીજવસ્તુઓ પાછળ ઓછો ખર્ચ કરી રહ્યા છે અને ઈંધણ, કપડાં, મનોરંજન અને પરિવહન પાછળ વધુ પૈસા ખર્ચી રહ્યા છે.

  આ ટ્રેન્ડ માત્ર શહેરી વિસ્તારોમાં જ છે એવંુ નથી બલકે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ ટ્રેન્ડ હોવાનું એક સર્વેક્ષણ અહેવાલમાં બહાર આવ્યું છે.

  શહેરી વિસ્તારોમાં ૨૦૦૯-૧૦માં માથાદીઠ માસિક ખર્ચ રૃ. ૧૭૮૫.૮૧ હતો. તેમાં ૩૪ ટકાનો વધારો થઈને રૃ. ૨૩૯૯.૨૪ થયો છે. તેની સામે આ જ સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં તેના કરતા પણ વધીને માથાદીઠ માસિક ખર્ચ (એમપીસીઈ) રૃ. ૯૨૭.૭૦ હતો. તેમાં ૩૭ ટકાના વધારા સાથે રૃ. ૧૨૭૮.૯૪ પૈસા થયો હોવાનું બહાર આવ્યું છે.

  ગરીબી પર ભલે કોઈ સત્તાવાર આંકડા જારી કરાયા નથી, પરંતુ માથાદીઠ માસિક ખર્ચમાં થયેલો  વધારો એ બાબતનો નિર્દેશ આપે છે કે દેશમાં ગરીબીમાં ઘટાડો થયો છે.

  આ સર્વેક્ષણનું મહત્ત્વ એ દૃષ્ટિએ છે કે ખોરાક વપરાશનો જથ્થો ઘરેલુ ગ્રાહક ખર્ચ ડેટાના આધારે ગણવામાં આવે છે. આ ડેટા દેશમાં પોષણના સ્તર અંગે નિર્દેશ આપે છે. અનાજ, કઠોળ, શાકભાજી અને દૂધની વપરાશ ઘટવાના પગલે દેશમાં પોષણના સ્તરમાં પણ ઘટાડો થયાની શક્યતા છે. જોકે સૌથી ચિંતાજનક પાસુ એ છે કે એનએસએસઓના ૨૦૧૧-૧૨ માટેના ઘરેલુ ખર્ચ પરના ૬૮માં સર્વેક્ષણ અનુસાર ફાઈબર અને પ્રોટિનના મુખ્ય સ્ત્રોત એવા અનાજ (ઘઉં, ચોખા, જુવાર વગેરે) અને કઠોળ (મગ, ચણા અને અન્ય) વ્યક્તિગત વપરાશ અડધી થઈ ગઈ છે. જ્યારે સર્વેક્ષણના સમયગાળા દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કપડાં, ઈંધણ અને ગ્રાહક વપરાશની ટકાઉ ચીજવસ્તુઓ પાછળના ખર્ચમાં સારો એવો વધારો થયો છે.

  આ અહેવાલ પરથી બીજું એક મહત્ત્વનું તારણ એ બહાર આવ્યું છે કે કન્ઝ્યુમર પિરામિડમાં (વધતી જતી આવકના ક્રમમાં) તમે જેમ ઉપર જશો તેમ ખાધ ચીજો પરના ખર્ચમાં ઘટાડો થતો જશે. ૫૦ ટકા શહેરીજનો માટે બિનખાદ્ય ચીજવસ્તુ પાછળના ખર્ચ કરતા ખાધ ચીજવસ્તુઓ પાછળના ખર્ચનું તેમના માટે ઓછું મહત્ત્વ છે. શહેરી પિરામિડમાં ટોચના ૨૦ ટકા લોકો ખાધચીજો પાછળ માત્ર ૩૮ ટકા જ ખર્ચ કરે છે. બાકીનો ખર્ચ બિનખાદ્યચીજો પાછળ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાધચીજોનો હિસ્સો માત્ર ૪૭.૪ ટકા છે અને ટોચના ૨૦ ટકા ગ્રાહકો માટે બિનખાધ ચીજોના ખર્ચનો હિસ્સો ૫૨.૬ ટકા છે.

  ગત સપ્તાહે જારી કરેલા એનએસએસઓના અહેવાલ અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં ૧૯૯૩-૯૪માં ખાધ ચીજો પાછળનો કુલ ખર્ચ ૬૩.૨ ટકા હતો તે ઘટીને ૨૦૧૧-૧૨માં ૪૮.૬ ટકા થઈ ગયો છે.

  -----------------------------------------------------------------------

  લોકોનાં લગ્નજીવન ટકાવવા પરસેવો પાડી રહેલાં મેટ્રિમોની પોર્ટલ્સ

  બેંગલુરુ - ભારતના શહેરી વિસ્તારોમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ વધતાં  ઓનલાઈન મેટ્રિમોની પોર્ટલ્સ પોતાનો કારોબાર ગુમાવવાની દહેશત અનુભવી રહ્યા છે, તેથી તેઓ ઓનલાઈન મળનારાં યુગલોનું લગ્નજીવન ખુશ બનાવવા માટે અવનવી રીત અજમાવી રહ્યા છે. લગ્નજીવનને સુખમય બનાવવા માટે શું કરવું? અને શું ન કરવું? એ સૂચવતી

  નિઃશુલ્ક માહિતી પુસ્તિકા તેમજ માર્ગદર્શન

  સેવાથી લઈને સોશિયલ મીડિયા અને બ્લોકની લિંક સુધીનાં પગલાં વિવિધ મેટ્રિમોની પોર્ટલ લઈ રહ્યાં છે, જેથી ઓનલાઈન મળનારાં કપલ્સનું લગ્ન જીવન  લાંબું   ચાલે.

  "યુવાનોએ ઓનલાઈન મેટ્રીમોની પોર્ટલને તાત્કાલિક આનંદ મેળવવા માટેના માધ્યમ તરીકે લેવાં જોઈએ નહીં, કેમ કે આવાં પોર્ટલનો હેતુ એક અલગ પ્રકારના ઈ-કોમર્સનો હોય છે. સામાન્ય રીતે ઓનલાઈન મળનારાં કપલને લગ્ન કરતાં પૂર્વે ઓછામાં ઓછાં છ-નવ મહિનાનો સમય લેવાની  અમે સલાહ આપતાં હોઈએ છીએ" એવું શાદી.કોમના સીઓઓ ગૌરવ રક્ષિતે જણાવ્યું હતું. શાદી.કોમ કંપનીએ શ્રેણીબદ્ધ ઓનલાઈન અભિયાન અને આશરે ૧૦૦ સંપર્ક કેન્દ્રો પર પરામર્શ સેવા શરૃ કરી છે.  ગૌરવના અંદાજ અનુસાર આશરે બે કરોડ લોકો તેમના પોર્ટલનો ઉપયોગ કરે છે.

  ભારતમેટ્રિમોની.કોમની માલિકી ધરાવતી ચેન્નઈ-સ્થિત કોનસિમ ઈન્ફો પ્રા. લિમિટેડ એક પુસ્તકની ૫૦,૦૦૦ પ્રતનું વિતરણ કરી રહી છે. આ પુસ્તકમાં એક સફળ લગ્નજીવન અને લગ્નજીવન ટકાવવા માટેના સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે. છૂટાછેડા માટેના વકીલોએ એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે છૂટાછેડા લેનારામાં ઓનલાઈન પોતાના પાર્ટનરને મળનારા લોકોની સંખ્યા  અડધોઅડધ હોય છે. વકીલોના આ અંદાજને લીધે ઓનલાઈન મેટ્રીમોની પોર્ટલ્સ લગ્નજીવન ટકાવવા માટેનાં પગલાં લેવા પ્રેરાયા છે. "મારી પાસે આવતા પ્રત્યેક ૧૦ પૈકીના સાત કેસમાં લગ્ન મેટ્રિમોનિયલ વેબસાઈટના રસ્તે ગોઠવાયાં હોય છે" એવું બેંગલુરુ-સ્થિત લો ફર્મ મંડગી એસોસિયેટ્સના ભાગીદાર ઉજ્વલા મંડગીએ જણાવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે લોકો ઓનલાઈન વાતચીત વખતે ઘણાં તથ્યોની ગેરસમજ કરે છે, જે તેમનું લગ્નજીવન તૂટી પડવા પાછળનાં  પ્રાથમિક કારણો પૈકીનું એક હોય છે. "મારી પાસે આવતા પ્રત્યેક ૧૦ પૈકીના પાંચ કેસ આ પ્રકારના હોય છે. ઓનલાઈન મેટ્રિમોનિયલ કંપનીઓ સામેના પાત્ર વિશે કોઈ બાંયધરી આપતી નથી" એવું બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરતા ગણેશ અય્યરે જણાવ્યું હતું. ભારતમાં ઓનલાઈન મેટ્રિમોનિયલ માર્કેટ આશરે રૃ. ૫૧૦ કરોડના મૂલ્યનું હોવાનો અંદાજ છે અને તે વાર્ષિક ૩૦ ટકાના દરે વધી રહ્યું છે એવું ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એઆઈએમએઆઈ)એ જણાવ્યું હતું.

  -----------------------------------------------------------------------

   

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License