16-02-13

--------------------

------------------

 
 • દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબની જન્મજયંતી નિમિત્તે સતત ત્રીજા વર્ષે કાંકરિયા સોમવારની રજાના દિવસે આ સમાજ માટે ખુલ્લું રહેશે

  બપોરના ત્રણથી રાતના સાડા નવ વાગ્યા સુધી ફક્ત દાઉદી વોહરા સમાજના લોકો કાંકરિયામાં પ્રવેશી શકશે.

  અમદાવાદ, ગુરુવાર - આશરે રૃ. ૩૬ કરોડના ખર્ચે વિકસીત કરાયેલા કાંકરિયા લેકફ્રન્ટનું આકર્ષણ હવે તો અમદાવાદના નાગરિકો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ નયનરમ્ય કાંકરિયા પરિસરમાં સહકુટુંબ મહાલવાનો આનંદ લેવા સમગ્ર રાજ્યભરથી, પરપ્રાંતોથી લોકો કાંકરિયા ખાતે ઊમટી રહ્યા છે. મિનીટ્રેન, તિથર્ડ બલૂન, વિવિધ રાઇડ્સ, બોટિંગ, નગીનાવાડી વગેરેથી કાંકરિયાનો રોમાંચ વધ્યો છે. આવું કાંકરિયા દર સોમવારે સહેલાણીઓ માટે બંધ રહેતું આવ્યું છે. જોકે આગામી સોમવાર તા. ૧૮મી ફેબ્રુઆરીએ કાંકરિયાના લોખંડી દરવાજા બંધ જોવા નહીં મળે, પરંતુ તે દિવસે ખાસ કેસ તરીકે કાંકરિયા દાઉદી વોહરા સમાજને અપાશે.

  નવનિર્માણ પામેલા કાંકરિયા લેક ફ્રન્ટને ગત તા. રપથી તા. ૩૧ ડિસેમ્બર, ર૦૦૮ દરમિયાન પહેલા ભવ્ય અને અવિસ્મરણીય કાંકરિયા કાર્નિવલ ર૦૦૮ના આયોજન બાદ તા. ૭મી જાન્યુઆરી, ર૦૦૯ના કાંકરિયા લેકફ્રન્ટને અમદાવાદીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સાતમી જાન્યુઆરી, ર૦૦૯થી આજ દિન સુધીમાં કાંકરિયા લેકફ્રન્ટ દેશભરના સહેલાણીઓ માટે સવારના નવથી રાતના દશ વાગ્યા સુધી ખુલ્લુ રહેતું આવ્યું છે. જોકે આમાં અપવાદરૃપ સોમવારનો દિવસ છે. દર સોમવારે કાંકરિયાને આંતરિક સાફસફાઇ માટે તંત્ર સહેલાણીઓ માટે બંધ રખાય છે. જ્યારે જાહેર તહેવાર સોમવાર આવે ત્યારે તે દિવસે અપવાદરૃપ કિસ્સો ગણીને સહેલાણીઓ માટે કાંકરિયા ખુલ્લું રાખીને બાદના મંગળવારે કાંકરિયા બંધ રખાય છે. પરંતુ આગામી સોમવારે કાંકરિયાના લોખંડી દરવાજા ફક્ત દાઉદી વોહરા સમાજ માટે ઉઘડશે. કેમ કે ગત તા. ૩૧ જાન્યુઆરી, ર૦૧૩ના રોજ ભાજપ શાસિત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આને લગતા તાકીદના ઠરાવને લીલી ઝંડી અપાઈ હતી.

  ****

  સતત ત્રીજા વર્ષે કાંકરિયા સોમવારની રજાના દિવસે આ સમાજ માટે ખુલ્લું રહેશે

  દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબની જન્મજયંતી નિમિત્તે સતત ત્રીજા વર્ષે કાંકરિયા સોમવારની રજાના દિવસે આ સમાજ માટે ખુલ્લુ રહેશે. ગત વર્ષ ર૦૧૧થી ર૦ ભાજપના સત્તાધીશોએ દાઉદી વોહરા સમાજ માટેના સ્પેશિયલ કેસ તરીકે એક નવી પરંપરા શરૃ કરી છે.

  ત્રણથી રાતના સાડા નવ સુધી ફક્ત દાઉદી વોહરા સમાજના લોકો પ્રવેશી શકશે

  આગામી બપોરના તા. ૧૮મી ફેબ્રુઆરીએ બપોરના ત્રણ વાગ્યાથી રાતના સાડા નવ વાગ્યા સુધી કાંકરિયા ખુલ્લું રહેશે. પરંતુ તે દિવસે ફક્ત અને ફક્ત દાઉદી વોહરા સમાજના લોકોને જ કાંકરિયામાં પ્રવેશ મળશે. અન્ય સમાજના લોકો કાંકરિયામાં પ્રવેશી નહીં શકે.

  ભાજપના શાસકોનો ઠરાવ શો છે?

  સ્ટેન્ડિંગ સભ્ય રોશન ગોલાણીનો ગૌતમ કથીરિયાના ટેકા સાથેનો ઠરાવ અક્ષરઃ આ મુજબ છેઃ એસવીસી, અમદાવાદ, દાઉદી વોહરા જમાત અમદાવાદ તા. ૧૮-૦ર-ર૦૧૩ના રોજ તેઓના ધર્મગુરુ સૈયદના સાહેબની ૧૦રમી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમ પ્રસંગે સોમવારના રોજ કાંકરિયા પરિસર બંધ રહેતું હોવાથી કાંકરિયા પરિસર અંગેના નીતિ-નિયમોનું તેઓએ ચુસ્તપણે પાલન કરવાની શરતે, ખાસ કેસ તરીકે સદરહુ દિવસે સમગ્ર કાંકરિયા પરિસર તથા તમામ રાઇડ્સ માત્ર તેઓ માટે ચાલુ રાખવાની અને મ્યુનિ. કોર્પો.ના નીતિ-નિયમ મુજબના તમામ ચાર્જિસ તેઓ પાસેથી વસૂલ કરવાની મ્યુનિ. કોર્પો.ની મંજૂરીની અપેક્ષાએ મંજૂરી આપવામાં આવે છે. સ્ટે. કમિટી તા. ૩૧-૦૧-ર૦૧૩, તાકીદનું કામ ૧પ, ઠરાવ નંબર ૧૬પ૯.

  સૈયદના સાહેબની જન્મજયંતી કાંકરિયામાં કેવી રીતે ઉજવાશે?

  દાઉદી વોહરા સમાજની સંસ્થા સીવીસી દ્વારા ૧પ૦૦ જેટલી પ્રવેશ ટિકિટ (એન્ટ્રી ફી) લેવામાં આવશે. સમાજના આબાલવૃદ્ધો વિવિધ રાઇડ્સનો આનંદ લેશે. બાળકો માટે કબડ્ડી, લંગડી, દોડ જેવી વિવિધ હરીફાઈઓ યોજાશે. પરિસરમાં સમાજનું બેન્ડ સુરાવલિ છેડશે. છેલ્લે રાતના સાડા નવ વાગ્યે આકર્ષક આતશબાજી કરીને સમાજના લોકો છૂટા પડશે.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License