28-06-2013

------------------------------------

 • KEDARNATH

 

 • હર્ષિલમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગઃ ઘાટીમાં વિખરાયેલી પડી છે ૨,૦૦૦ લાશ

  દહેરાદૂન, શનિવાર - ઉત્તરાખંડમાં આવેલી આફતને બે અઠવાડિયાં થઇ ગયાં છે. હજુ પણ લગભગ ૨,૫૦૦ જેટલા લોકો બદરીનાથમાં ફસાયેલા છે. એક તરફ કેદાર ઘાટીમાં લાશોના ડીએનએ સેમ્પલિંગ સાથે જ તેના અંતિમ સંસ્કાર શરૃ થઇ ચૂક્યા છે તો બીજી તરફ રામવાડાથી કેદાર ઘાટીના રસ્તામાં ૨,૦૦૦ જેટલી લાશો હજુ પણ વિખરાયેલી પડી છે. આટલી મોટી માત્રામાં લાશો જોઇને બેઝ પર આવેલી આઇટીબીપી અને ઉત્તરાખંડ પોલીસની ટીમના મગજમાંથી હજુ પણ એ ભયાનક યાદો ખસતી નથી.

  ટીમના જણાવ્યા મુજબ રામવાડાથી કેદાર ઘાટી તરફ દરેક પગલે એક લાશ પડેલી છે. રામવાડામાં તૂટેલી હોટલો અને ધર્મશાળાઓના દરેક રૃમમાં ચાર-પાંચ લાશ પડી છે.

  હવામાન સ્વચ્છ થયા બાદ રાહત અને બચાવકાર્યમાં તેજી આવી છે. શુક્રવારે ૧૭ હેલિકોપ્ટરોએ ઉડાન ભરી છે અને પહાડો પર ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવાઇ રહ્યા છે. આ બધાની વચ્ચે હર્ષિલ હેલિપેડ પર પવનહંસના એક હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ થયું છે, જોકે તેમાં કોઇ જાનહાનિ થઇ નથી. આઇપીબીપીના પીઆરઓ દીપક પાંડેએ જણાવ્યું કે કેદાર ઘાટીમાં ઓપરેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે અહીં સ્થાનિક લોકોને રાહત અને મદદ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. બદરીનાથમાં ફસાયેલા તીર્થયાત્રીઓને કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

  ----------------------------------------------------------------------- 

  બદરીનાથ-પિથોરાગઢમાં હજુ ફસાયા છે ૨,૫૦૦ લોકો

   

  ઉત્તરાખંડમાં આવેલી આફતનો આજે ૧૪મો દિવસ છે. બે અઠવાડિયાં વીતી ગયાં છતાં પણ હજુ પણ લગભગ ૨,૫૦૦ જેટલા લોકો ફસાયેલા છે. સૌથી વધુ લોકો હજુ પણ બદરીનાથમાં ફસાયા છે. સરકારનો દાવો છે કે હર્ષિલમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. હવે સૌથી મોટી ચિંતા એ લોકોની છે કે જેમનો કોઇ અતોપતો નથી. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા મુજબ ૧૬ જૂનના રોજ આવેલી આફત બાદ ૩,૦૦૦થી વધુ લોકો લાપતા છે. સેના પ્રમુખ જનરલ વિક્રમસિંહે કહ્યું કે છેલ્લી વ્યક્તિને બચાવાશે ત્યાં સુધી સેનાનું ઓપરેશન ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જનહિતની અરજી પર સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ સરકારે કહ્યું કે રાહત અને બચાવ અભિયાન આજે પૂરું કરી દેવાશે. સરકારે કોર્ટમાં કહ્યું કે હજુ પણ ૧૦૦૦થી વધુ લોકો ફસાયેલા છે પરંતુ તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમને જમવાનું પણ મળી રહ્યું છે.

  -----------------------------------------------------------------------

  આપત્તિગ્રસ્તો માટે મદદ કરવા અંગે ફંડ આપવા GTUની અપીલ

  અમદાવાદઃ ઉત્તરાખંડની વિનાશક કુદરતી આપદાનો ભોગ બનેલા આફતગ્રસ્તોની મદદ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા રાહત સહાયના ફંડ માટે કોલેજોને અપીલ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની વિનાશક કુદરતી આપદા આવી પડી છે. જેને કારણે ઉત્તરાખંડના સ્થાનિક રહેવાસીઓ તેમજ હજારોની સંખ્યામાં ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા યાત્રિકો તારાજીનો ભોગ બન્યા હતા. કેદારનાથમાં ભારે પૂરના કારણે હજારો લોકો ફસાયા હતા.

  ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના અધિકારીઓ, કર્મચારીઓ તથા જીટીયુ સંલગ્ન કોલેજોના આફતગ્રસ્તોને મદદ માટે ફંડ આપવાની અપીલ કરી છે. જેથી જીટીયુ સંલગ્ન કોલેજો દ્વારા ઉત્તરાખંડના અસરગ્રસ્તોની મદદ માટે ફંડ આપશે.

  બીજી તરફ ગરીબ બાળકોથી લઈને અનેક લોકો તરફથી દાનની સરવાણી શરૃ થઈ છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓએ ઉત્તરાખંડના જળપ્રલયમાં ભોગ બનેલા આપત્તિગ્રસ્તો માટેના ફંડ માટે હજુ હાથ લંબાવ્યો નથી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી હોય છે. આપત્તિગ્રસ્તો માટે ફંડ માટે હજુ હાથ લંબાવ્યો નથી.

  અમરનાથયાત્રાને ખરાબ હવામાનનું ગ્રહણ લાગ્યું

  શ્રીનગર, શનિવાર - શુક્રવારથી શરૃ થયેલી અમરનાથ જ્યોતિર્લિંગની પવિત્ર યાત્રાને આજે હવામાનની કઠિન પરિસ્થિતિને કારણે રોકી દેવામાં આવી છે. બાલતાલ અને પહેલગામના બેઝ કેમ્પથી યાત્રાને અટકાવી દેવાઈ છે.

  આ વર્ષે ૬,૦૦,૦૦૦ શ્રદ્ધાળુંએ અમરનાથયાત્રા માટે પોતાની નોંધણી કરાવી છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીરના કેટલાક સૌથી જોખમી પર્વતીય માર્ગો પરથી પસાર થતી આ યાત્રામાં નોંધણી નહીં ધરાવતા એક પણ શખસને જવાની છૂટ આપવામાં આવશે નહીં.

  "શુક્રવારે સવારે મણિગામ ટ્રાન્ઝિટ કેમ્પથી અમે નોંધણી નહીં ધરાવનારા ચાર હજાર યાત્રીઓને પરત મોકલી દીધા હતા,"  એવું ગંડેરબાલના પોલીસ સુપરિટેન્ડેન્ટ શાહિદ મેહરાજે જણાવ્યું હતું. અમરનાથયાત્રાના બે બેઝ કેમ્પ અને ત્રણ ટ્રાન્ઝિટ કેમ્પની ફરતે સૈન્ય, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને રાજ્ય પોલીસ દ્વારા ત્રણ સ્તરનું સુરક્ષાચક્ર બનાવવામાં આવ્યું છે. આ સિવાય ટ્રાન્ઝિટ કેમ્પ અને બેઝ કેમ્પ સુધી યાત્રીઓને લઈ જતા હાઈ-વે પર પણ ભારે પ્રમાણમાં સુરક્ષા દળો ખડકી દેવામાં આવ્યાં છે.  થોડા સમય પૂર્વે ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા અલગાવવાદી આતંકવાદીઓ અમરનાથના યાત્રાળુઓ પર હુમલો કરવાની યોજના ધરાવતા હોવાનું એલર્ટ જારી કયુંર્ હતું. જમ્મુ-કાશ્મીર રાજ્યના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ આ અંગેના અહેવાલોને વધુ મહત્ત્વ આપ્યું નહોતું, પણ સુરક્ષા દળોએ કોઈ પણ પ્રકારનું જોખમ વહોરવાનું ટાળ્યું હતું અને સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત બનાવી દીધો હતો.

   

  ----------------------------------------------------------------------- 

 •  પત્ની અને પુત્રીની રાહ જોતાં આંખ થાકતી નથી.....

 

અમદાવાદ, શુક્રવાર - શહેરના વેપારી એવા કપાસી પરિવારનાં ઉષાબહેન અને તેમની પુત્રી સપના કેદારનાથનાં દર્શને ગયાં હતાં. જ્યાં દર્શન કર્યા બાદ ઉત્તરાખંડની કુદરતી આપત્તિમાં તેઓ ગુમ થઈ ગયા છે. જેના લીધે તેમના પતિ ગુણવંતભાઈની આંખો તેમના આવવાની રાહ જોઈ રહી છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ માહિતી તેમને મળી નથી.

શહેરના સ્ટેડિયમ છ રસ્તા પાસે કપાસી હાઉસ સાથે સંકળાયેલા અને આફ્રિકાના અંગોલા ખાતે રોલિંગ મિલ અને મેટલનો વ્યવસાય કરતા ગુણવંતભાઈ કપાસી સેટેલાઈટ વિસ્તારમાં આવેલ આકાશદીપ એપાર્ટમેન્ટમાં રહે છે. ગત તા.૮ના રોજ ગુણવંતભાઈનાં પત્ની ઉષાબહેન (ઉં.વ.પ૦) અને તેમની પુત્રી સપના (ઉં.વ.૧૮) ખાનગી ટ્રાવેલ્સ દ્વારા ચારધામની યાત્રાને નીકળ્યા હતા. જે અંતર્ગત ઉષાબહેન અને સપના  તા.૧પના રોજ કેદારનાથ પહોંચી ગયાં હતાં તા.૧૬મીએ વહેલી સવારે કેદારનાથનાં દર્શન કરીને તેઓ રામવાડા ખાતે આવવા માટે નીકળ્યાં હતાં, દરમિયાનમાં ભારે વરસાદ અને પૂરના લીધે  જળપ્રલય જેવી સ્થિતિ સમગ્ર ઉત્તરાખંડમાં સર્જાઈ હતી. જેના લીધે આ સ્થિતિમાં ઉષાબહેન અને તેમની પુત્રી સપના લાપતા બન્યાં છે.  જેના લીધે તેમનો આજ સુધી ગુણવંતભાઈ સાથે સંપર્ક થઈ શકયો નથી. જેના લીધે ગુણવંતભાઈ ભારે ચિંતાતુર બન્યા છે અને પત્ની અને પુત્રીના આગમનની રાહ જોતાં તેમની નજરો દરવાજાથી દૂર હટતી નથી.

ગુણવંતભાઈએ પત્ની અને પુત્રીની ભાળ મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે જેમાં તેમણે ઉષાબહેનના અને પુત્રી સપનાનાં મોબાઈલ ટ્રેકિંગ દ્વારા તેમનું લોકેશન જાણવાનો પ્રયત્ન કર્યો છે જેમાં તેમના મોબાઈલનું લોકેશન ભૈરવ ટેકરી નજીક દર્શાવે છે, પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શકતો નથી. ગુણવંતભાઈ આશા છે કે તેમની પત્ની અને પુત્રી પાણી ભરાયેલાં હોવાથી ફસાઈ ગયા છે, પરંતુ સંજોગોવશાત તેઓ સાથે વાતચીત થઈ શકતી નથી.

ગુણવંતભાઈએ કરેલી તપાસ મુજબ હાલ જે રાહત કામગીરી ચાલી રહી છે તેમાં સેનાના જવાનો દ્વારા અશક્ત અને બીમાર લોકોને સુરક્ષિત સ્થળે લાવવામાં આવી રહ્યા છે. જ્યારે સશકત લોકોને તેમની મેળે સલામત સ્થળે આવવા માટે જણાવાયું છે. જેથી તેમને આશા છે કે તેમની પત્ની અને પુત્રી જીવિત છે અને તેમના આગમન માટે દરવાજાની સમક્ષ નજરો પાથરીને બેઠા છે.

-----------------------------------------------------------------------

રાહત સામગ્રી ઉત્તરાખંડના પીડિતો સુધી પહોંચી રહી નથી

નવી દિલ્હી, શુક્રવાર - ઉત્તરાખંડના પીડિતો સુધી ૧ર દિવસ બાદ પણ કોઈ ખાસ રાહત સામગ્રી પહોંચી શકી નથી. દેશભરમાંથી મોકલવામાં આવી રહેલી મદદ અને રાહત સામગ્રી ખરાબ રસ્તાઓ પર અટવાઈ ગઈ છે. રાહત સામગ્રીથી ભરેલી તમામ ટ્રક હરિદ્વાર, ઋષિકેશ અને દહેરાદૂનમાં અટકી ગઈ છે. બધું જ ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.

રાહત સામગ્રી ક્યાં પહોંચાડવી તેની પણ કોઈ વ્યવસ્થા નથી તો બીજી તરફ રિસીવ કરાયેલી રાહત સામગ્રીને અસરગ્રસ્તો સુધી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા જ નથી. આ અવ્યવસ્થાના કારણે ૪ર જેટલી રાહત સામગ્રી ભરેલી ટ્રક પરત ફરી ચૂકી છે. પરિસ્થિતિ એવી પણ સર્જાય છે કે ભોજનના સંકટ સામે ઝઝૂમી રહેલા પીડિતોની મદદ માટે મોકલાયેલી ખાદ્ય સામગ્રી મોટી માત્રામાં હરિદ્વાર અને ઋષિકેશમાં જરૃરિયાત નથી તેઓને વહેંચાઈ રહી છે.

પહેલાં ફસાયેલા તીર્થયાત્રીઓને કાઢવાની પ્રાથમિકતા અને હવે પ્રશાસનની લાપરવાહીએ પીડિતોની લાચારી વધારી દીધી છે. ઋષિકેશ-બદરીનાથ રાજમાર્ગ ખૂલી ગયા છે, પરંતુ રાજ્યના સેંકડો રસ્તાઓ હજુ પણ બંધ છે. આ આફતથી રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લાનાં કેટલાંય ગામ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારો સાવ કપાઈ જવાના કારણે કેટલાંય ગામડાંઓમાં અન્ય વસ્તુઓની સાથેસાથે અનાજનું સંકટ ઉદ્ભવ્યું છે. આ વિસ્તારોમાં જે વાહન રાહત સામગ્રી સાથે મોકલાયાં છે તે ખરાબ રસ્તાઓને કારણે રસ્તામાં અટવાઈ ગયાં છે. કેટલીયે ટ્રક ઉત્તરાખંડની સીમા પર ઊભેલી છે, પરંતુ કોઈ પણ ચેકપોસ્ટ પર એવું જણાવવાની વ્યવસ્થા નથી કે રાહત સામગ્રી ક્યાં પહોંચાડવાની છે. હરિદ્વારમાં રાહત સામગ્રી માટે સીસીઆર ટાવરમાં સ્ટોર બનાવાયો છે. અહીં અત્યાર સુધી હરિદ્વાર, ગાઝિયાબાદ, લખનૌ, હરિયાણા અને દિલ્હીથી લગભગ ૩૬ ટ્રક રાહત સામગ્રીની આવેલ છે. સ્ટોરમાં મોટા જથ્થામાં પડેલ રાહત સામગ્રીનું શું થશે? તેની ખબર લેનાર પણ કોઈ નથી.

ખાદ્ય પદાર્થોની પેટીઓ તૂટેલી પડી છે અને સ્ટોરમાં સામાન વિખરાયેલો પડયો છે. સ્ટોરમાં કેટલીયે બોરી બટાકા છે, જેને આગળ મોકલવાની કોઈ વ્યવસ્થા પણ નથી. આ બટાકા સ્ટોરમાં પડયા પડયા સડી રહ્યા છે. એવા પણ સમાચાર છે કે દિલ્હી, હરિયાણા સહિત અન્ય જગ્યાએથી આવનાર રાહત સામગ્રીને પહાડમાં લઈ જવાના બદલે કેટલાય વાહન સંચાલકો હરિદ્વારની ઝૂંપડપટ્ટીમાં વહેંચીને પરત ફરી રહ્યા છે. અહીં આવનાર ટ્રકો ખાલી કરવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. ઋષિકેશથી હરિયાણાની ૪૦ ટ્રક પરત ફરી હતી. રાહત સામગ્રી મોકલનાર લોકોના કહેવા મુજબ ટ્રકવાળાઓએ તેને ગરીબોમાં વહેંચી દીધી. બહારથી આવેલ રાહત સામગ્રીમાં બિસ્કીટ, કપડાં, જૂતાં-ચંપલ, જીવન રક્ષક દવાઓ, ફૂડ પેકેટસ, છત્રી, બ્લેન્કેટ, પીવાના પાણીના પાઉચ તેમજ ખાદ્ય સામગ્રી વગેરે છે.

-----------------------------------------------------------------------

હેલિકોપ્ટર ક્રેશઃ શહીદોનાં બાળકોને ફ્રી શિક્ષણ

દહેરાદૂન - ઉત્તરાખંડ હોનારતમાં મૃત્યુ પામેલાઓના અગ્નિસંસ્કાર માટેની સામગ્રી લઈને જતાં તૂટી પડેલા હેલિકોપ્ટરમાં ૨૦નાં મૃત્યુ થયાં હતાં. જે પૈકી ૧૨ના મૃતદેહ મળ્યા છે અને બાકીના આઠની શોધખોળ જારી છે. ઉત્તરાખંડના મૃખ્યપ્રધાન વિજય બહુગુણાએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૃપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાનને વધુમાં જણાવ્યું હતું કે, શહીદ જવાનોનાં બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તેમણે શહીદોના માનમાં એક દિવસનો રાજકીય શોક  મનાવવાની પણ જાહેરાત કરી છે.  દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા જણાવ્યું છે, 'ઉત્તરાખંડમાં લોકોની જિંદગીઓ બચાવતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોને હું સલામ કરું છું. ગુજરાત સરકાર તેમના પરિવારોને પાંચ લાખ રૃપિયા આપશે. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું બ્લેકબોક્સ મળ્યું છે અને તેની તપાસ માટે તેને ચંડીગઢ મોકલવામાં આવશે.'

-----------------------------------------------------------------------

અહીં મૃતકોની ગણતરી કઈ રીતે કરવી?

લખનૌ - ઉત્તરપ્રદેશમાં લાગણીહીન કોમેન્ટ કરનારા ટોચના અધિકારીઓને બલિના બકરા બનાવવામાં આવે છે. એક વધુ ખાસ સચિવે ઉત્તરાખંડની હોનારતમાં મૃત્યુ પામનારાઓ અંગે સંવેદનાહીન ટિપ્પણી કરતાં રાજ્ય સરકારે તેમને પદભ્રષ્ટ કરી તેમનંુ નામ વેઈટિંગ લિસ્ટમાં મૂકી દીધું.એેનેક્સી મીડિયા સેન્ટરમાં પત્રકારોને ઉત્તરાખંડ આફત અને રાજ્યમાં વિનાશક પૂરના કારણે થયેલા જાનમાલને નુકસાન અને આ અંગે સરકારના પ્રયાસોની માહિતી આપતી વખતે મહેસૂલ વિભાગના ખાસ સચિવ જી. શ્રીનિવાસુલુએ દહેરાદૂન હોસ્પિટલમાં મૃત્યુ પામનારી બે વ્યક્તિઓ અંગે માહિતી આપી હતી. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી ઉત્તરપ્રદેશના કુલ કેટલા લોકોના મૃત્યુના અહેવાલો પ્રાપ્ત થયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં તેઓ મલકાયા અને કહ્યું, 'અહીં જીવતા લોકોની ગણતરી થઈ શકતી નથી તો મૃતકોની કેવી રીતે થઈ શકે?ખાસ સચિવની આ કોમેન્ટનો મામલો છેક ઉપર સુધી પહોંચી ગયો અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો. મુખ્યપ્રધાન અખિલેશ યાદવની સૂચના પર તેમને પદભ્રષ્ટ કરીને તેમનું નામ વેઈટિંગ લિસ્ટમાં મૂકી દીધું.

રાહત સામગ્રી ભરેલી ટ્રકો ખરાબ રસ્તાઓના કારણે અટવાઈ ગઈ છેઃ તમામ ટ્રક હરિદ્વાર, ઋષીકેશ અને દહેરાદૂનમાં પડી છે

રાહત સામગ્રી ભરેલી ટ્રકોને ક્યાં મોકલવી તેની કોઈ વ્યવસ્થા પણ નથી

જરૃરિયાતમંદ માટે પહોંચાડાયેલી સામગ્રી અવ્યવસ્થાના અભાવે ઝૂંપડપટ્ટીઓમાં વહેંચાઈ રહી છેઃ કેટલીયે ટ્રક વિતરણ કર્યા વગર પાછી ફરી

હરિદ્વારમાં બનાવાયેલા સ્ટોરમાંબટાકાની બોરીઓ સડી રહી છે

-----------------------------------------------------------------------

ઉત્તરાખંડ જળ હોનારત ધારીદેવી માતાનો પ્રકોપ

ચારધામમાં પૂજનીય મનાતાં ધારીદેવી માતાની મૂર્તિ જેવી ખસેડી કે ઉત્તરાખંડમાં ગાજવીજ

દહેરાદૂન, શુક્રવાર - અતિવૃષ્ટિ અને જળપ્રલયના કારણે ઉત્તરાખંડની નદીના ભીષણ ઘોડાપૂરમાં શહેરોનાં શહેરો ધોવાઈ ગયાં હશે, પરંતુ ઉત્તરાખંડ પર ત્રાટકેલા આ જળપ્રકોપ પાછળની એક અંધશ્રદ્ધાભરી માન્યતા અકબંધ છે. અંધશ્રદ્ધામાં અતૂટ વિશ્વાસ ધરાવતી ગઢવાલની ભોળી ગ્રામજનતા એવું માને છે કે અલકનંદા નદીની વચ્ચોવચ સ્થાપેલી ધારીદેવી માતાની મૂર્તિ ખસેડવાના કારણે માતા ખફા થતા ઉત્તરાખંડ પર પ્રકોપ વરસ્યો છે. ધારીદેવી કાલીનો અવતાર છે અને ચારધામ યાત્રિકોમાં પૂજનીય છે.

નિર્માણાધીન શ્રીનગર હાઈડ્રોપાવર પ્રોજેક્ટના વિસ્તરણને કારણે મૂર્તિ પાણીમાં ડૂબી જશે એવા વિવાદ વચ્ચે અલકનંદા હાઈડ્રોપાવર કંપની (એએચપીસી) લિમિટેડના કર્મચારીઓએ આ મૂર્તિને તેના પાયામાંથી કાપી નાખીને અલગ કરીને ૧૬ જૂનને રવિવારે સાંજે સાડા સાતના સુમારે સ્થાનિક પૂજારીઓ અને લોકોએ મૂર્તિને ધારીદેવી મંદિરમાંથી ખસેડી હતી, જ્યારે મૂર્તિ (જૂના મંદિરના ઊંચા કરાયેલા પ્લેટફોર્મ પરથી નવા સ્થળે ખસેડવામાં આવી રહી હતી ત્યારે આકાશમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થયા હતા. બસ પછી તુરત અલકનંદા ગાંડીતૂર બનતાં ધસમસતાં મહાવિનાશક પૂર આવ્યાં હતાં અને શ્રીનગર પર ફરી વળ્યાં હતાં.

ધારીદેવી મંદિર સમિતિના પૂર્વ મંત્રી દેવીપ્રસાદ પાંડેએ જણાવ્યું, ''સાંજ સુધીમાં મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં અને રાત્રે ભારે વરસાદ પડશે એવા અહેવાલો હતા. આથી ધારીદેવીની પ્રતિમાનું સ્થળાંતર કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. અમોએ સાડા છની આસપાસ મૂર્તિ ખસેડી હતી અને જો આ પગલું ભર્યું ન હોત તો અમો ધારીદેવી પ્રતિમાને બચાવી શક્યા ન હોત અને પ્રતિમા પણ તણાઈ ગઈ હોત.

ધારીદેવી મંદિરના નીચાણવાળા ૧૦ કિ.મી. વિસ્તારમાં ૩૩૦ મે.વો. અલકનંદા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ નિર્માણાધીન છે. ૨૦૧૧ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. પરંતુ ૨૦૧૨માં એલ.કે.અડવાણી, સુષમા સ્વરાજ અને અરુણ જેટલી જેવા ભાજપના નેતાઓ સહિત સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટ સામે જોરદાર વિરોધ કર્યો હતો અને પ્રોજેક્ટ અટકાવી દેવા વડા પ્રધાનને અપીલ કરી હતી.

વિહિપના નેતા અશોક સિંઘલે જણાવ્યું, ''લોકોએ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ અને મૂર્તિને ઊંચા પ્લેટફોર્મ પર ખસેડવા સામે વિરોધ કર્યો હતો. તેમ છતાં ધારીદેવીની મૂર્તિને તેના મૂળ મંદિરમાંથી ખસેડવામાં આવી હતી અને ઊંચા કરાયેલા પ્લેટફોર્મ પર મૂર્તિને બિરાજમાન કરાઈ હતી. આથી ધારીદેવીએ પોતાનો રોષ અને પ્રકોપ દાખવ્યો અને કેદારનાથ સહિત ઉત્તરાખંડના અનેક ભાગોમાં ભારે વિનાશ સર્જાયો.''સમાજશાસ્ત્રી પ્રોફેસર આનંદકુમાર આ ઘટના અંગે કહે છે, ''શ્રદ્ધાની બાબતમાં કોઈ તર્ક-દલીલ કામ આવ્યાં નથી. વિશ્વભરમાં ધાર્મિક સ્થળો ખસેડવામાં આવે છે. ઘણીવાર નદીનાં વહેણ બદલાતાં મંદિરો અને મસ્જિદોમાં પૂર આવે છે અને તેમને અન્યત્ર ખસેડવામાં  આવે છે. કુદરતની સર્વોપરિતા તમામ લોકો સ્વીકાર છે. આમ ધારીદેવી મૂર્તિનું સ્થળાંતર અને ઘોડાપૂર એ માત્ર યોગાનુયોગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધારીદેવી આ સમગ્ર પ્રદેશમાં પૂજનીય દેવી છે. ગઢવાલીઓ માને છે કે જેમ જેમ દિવસ ચડતો જાય છે તેમ પથ્થરની પ્રતિમા તેનો ચહેરો કન્યાના સ્વરૃપમાંથી મહિલા અને પછી વૃદ્ધા તરીકે બદલે છે. આ મંદિરની એક દંતકથા એવી છે કે પૂર દરમિયાન ધારી ગામની નજીક એક ખડક સામે આ મૂર્તિ ફસાઈ ગઈ હતી અને જ્યારે તેની ચીસો સંભળાઈ ત્યારે તપાસ કરતા ગ્રામજનોને મૂર્તિ મળી આવી હતી. ત્યાર બાદ દૈવી અવાજે તેમને આ મૂર્તિની એ સ્થળે જ પ્રાણપ્રતિષ્ઠા કરવા જણાવ્યું હતું અને આ રીતે ધારીદેવી મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું.

૧૬ જુલાઈએ અલકનંદાના પ્રલયકારી પૂરમાં નવા પ્લેટફોર્મના બે પિલર્સ તૂટી પડતાં મૂર્તિને ત્યાંથી પણ ખસેડવી પડી હતી. અલકનંદાના પૂર ઓસરતાં મૂર્તિ ફરીથી તેના પ્લેટફોર્મ મંદિરમાં બિરાજમાન છે.

-----------------------------------------------------------------------

પ્રકૃતિ કા પ્રકોપ હૈ, ભગવાન કા ખોફ હૈ, સબ નષ્ટ હો ગયા

 'પ્રકૃતિ કા પ્રકોપ હૈ, ભગવાન કા ખોફ હૈ, સબ નષ્ટ હો ગયા' એવું કેદારનાથના મુખ્ય મહંત અને પૂજારી વાગિશલિંગે જણાવ્યું હતું. તેમણે આ અંગે વધુ વાતચીત કરતાં જણાવ્યું કે, '૧૬ જૂને નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં અને કંઇક અશુભ, વિનાશકારી બનવાનું છે એવો અણસાર આવી ગયો હતો. અમારી આજુબાજુનો રોડ તૂટી રહ્યો હતો. અમારી જમણી બાજુ શંકરાચાર્ય સમાધિ અને અમારાં ઘરો જળબંબોળ બની રહ્યાં હતાં. મેં કર્મચારીઓ અને યાત્રિકોને મંદિર સંકુલમાં ખસેડ્યા હતા, પરંતુ અમે ૪૫૦ જેટલા લોકો જ મંદિરમાં આશ્રય મેળવી શક્યા હતા.'પૂજારીએ વધુમાં જણાવ્યું કે 'વરસાદ સતત મૂશળધાર વરસી રહ્યો હતો. સવારે ૫.૩૦ વાગ્યે તેમણે પોતાના ગુરુને નાંદેદમાં ફોન કર્યો. ત્યાર બાદ આભ ફાટતાં મંદિરમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઇ ગયાં.' વાગિશલિંગે કહ્યું કે, 'હું ગભરાટમાં હતો. પાણી સતત વધી રહ્યું હતું. મારે શક્ય હોય એટલા લોકોને બચાવવાના હતા. મેં મહામૃત્યુંજય જાપ શરૃ કરી દીધા અને અમારા જીવ બચાવવા માટે પ્રાર્થના શરૃ કરી દીધી.'પૂજારીએ જણાવ્યું હતું કે પાણીના પ્રવાહને કારણે મંદિરના પશ્ચિમી કમાડ ખૂલી જતાં બધું પાણી બહાર વહી ગયું હતું અને મંદિરમાં ફસાયેલા બધા લોકો બચી ગયા હતા.

-----------------------------------------------------------------------

 

About Us

Disclaimer

Subscribe

Advertising Rates

Contact Us

Feedback & Comments

Code Of Conduct

Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License