• 14-02-13

--------------------------------------
 

 • ભાજપના નેતા પણ બોલ્યા રાજ ઠાકરેની બોલી હરભજન મુંબઈનો નથી, તેને જમીન ન આપો

  મુંબઈ, બુધવાર - ક્રિકેટર હરભજનસિંહના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ક્રિકેટ એકેડમી શરૃ કરવાની વાતને લઈને વિરોધ શરૃ થઈ ગયો છે. ભાજપના ધારાસભ્ય   આશિષ સેલારે જણાવ્યું કે, 'હરભજનસિંહ મુંબઈનો નથી તેને મુંબઈ મહાનગરપાલિકાની જમીન ન આપવામાં આવે.'

  સેલારે મનપા આયુક્ત સીતારામ કુંટેને લખેલા પત્રમાં હરભજનસિંહને પરપ્રાંતિય ગણાવ્યો. જો મુંબઈ મનપા હરભજનને ક્રિકેટ એકેડમી શરૃ કરવા જમીન આપવામાં આવશે તો ભાજપ તેનો સખત વિરોધ કરશે. એટલું જ નહીં, જો જરૃર પડશે તો આંદોલન પર કરશે.

  સેલાર ભલે ભાજપના ધારાસભ્ય હોય, પરંતુ તે વિનોદ તાવડેની જેમ તે પણ મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના નજીકના નેતા ગણવામાં આવે છે. એ જ કારણ છે કે ભાજપ જેવી રાષ્ટ્રીય પાર્ટીમાં હોવા છતાં પણ તેમણે હરભજનસિંહ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીને પરપ્રાંતીય સાબિત કરવામાં જરા પણ હિચકિચાહટ ન અનુભવી. સેલારનું કહેવું છે કે, 'મુંબઈ મનપા હરભજનને જમીન આપતાં પહેલાં મહારાષ્ટ્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓનો વિચાર કરે.' તેમણે વસિમ જાફર, અજિત અગરકર, દિલીપ વેંગેસ્કર અને લાલચંદ રાજપૂત જેવા ખેલાડીઓનું પોતાની તરફથી નામ પણ સૂચવ્યંુ.

  -----------------------------------------------------------------------

  હેલિકોપ્ટર સોદામાં વાયુસેનાના ભૂતપૂર્વ વડા ત્યાગીને લાંચ અપાઈ

  કોંગ્રેસ માટે હેલિકોપ્ટર ખરીદી કૌભાંડ બીજું બોફોર્સ કૌભાંડ સાબિત થાય એવી સંભાવના

  સંસદના બજેટસત્રના આરંભ ટાણે ઉજાગર થયેલું આ કૌભાંડ યુપીએ સરકારને  ધોળા દિવસે તારા દેખાડી દે એવી શક્યતા

  ભાજપના આક્રમક વલણથી ગભરાયેલી સરકારે તાત્કાલિક સીબીઆઈ તપાસના આદેશ છોડ્યા

  નવી દિલ્હી, બુધવાર - ઈટાલીની તપાસ સંસ્થાએ એવો દાવો કર્યો છે કે ભારતના વાયુસેના વડાપદે જ્યારે એસ. પી. ત્યાગી કાર્યરત હતા ત્યારે સ્થાનિક બિઝનેસ કંપની ફિનામેકેનિકાએ પોતાના ફાયદા માટે ત્યાગીને લાંચ આપી હતી. ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે પ્રારંભિક તપાસ અહેવાલનો હવાલો આપીને લખ્યું છે કે અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી ચોપરના વિવાદાસ્પદ સોદા માટેની તપાસમાં ત્યાગીનું નામ ખૂલ્યું છે. આ સોદો રૃ. ૩,૫૪૬ કરોડના મૂલ્યનો હતો.

  રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિતના અતિ વિશિષ્ટ લોકો માટે ૧૨ એડબ્લ્યુ-૧૦૧ હેલિકોપ્ટરની ખરીદી કરવામાં આવી હતી. અખબારે જણાવ્યા મુજબ ફિનમેકેનિકા એરોસ્પેસ ડિફેન્સ કંપનીએ તત્કાલીન વાયુસેના પ્રમુખ એસ. પી. ત્યાગીને મધ્યસ્થીઓના માધ્યમથી લાંચની રકમ પહોંચાડી હતી. વાયુસેનાના અધ્યક્ષ જેવા કોઈ મોટા અધિકારીનું નામ પહેલી જ વખત કોઈ કૌભાંડમાં સામે આવ્યું છે. ભારતે ૨૦૧૦માં ફિનમેકેનિકાની સહયોગી કંપની અગસ્ટા-વેસ્ટલેન્ડ (યુ.કે.) સાથે ૧૨ હેલિકોપ્ટર ખરીદવા સોદો કર્યો હતો. આ સોદામાં ગડબડની તપાસ કરી રહેલી ઇટાલિયન એજન્સીઓએ મંગળવારે મિલાનમાંથી ફિનમેકેનિકાના સીઇઓ ગિસેપ ઓરસીની ધરપકડ કરી હતી. અગસ્ટા-વેસ્ટલેન્ડના વડા બ્રુનો સ્પેગનેલેનીને પણ ઇટાલીની કોર્ટે નજરબંધ કરવાના આદેશ આપ્યા છે. ઓક્ટોબર ૨૦૧૨માં સ્વિટ્ઝર્લેન્ડ પોલીસે ગુઇડો રાલ્ફ હાશકે નામના એક કન્સલ્ટન્ટની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને છોડી મુકાયો હતો. લગભગ દોઢ વર્ષથી ઈટાલી સરકાર ભારત સાથે થયેલા હેલિકોપ્ટર સોદામાં થયેલી કટકીની તપાસ કરવા માટે ફિનમેકેનિકાના બેન્ક ખાતાં ફંફોસી રહી છે.

  આ બાજી ભારતીય સંરક્ષણ મંત્રાલયે પણ તપાસના આદેશ જારી કરી દીધા છે. જોકે રૃ. ૩,૫૪૬ કરોડના આ સોદામાં ત્યાગીને કેટલી કટકી મળી હતી એ જણાવવામાં આવ્યું નથી. આ સમાચારનો ખુલાસો થતાં જ ભારતના રાજકીય ગલિયારામાં ભૂકંપ સર્જાયો છે.તપાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર માટે ટેક્નિકલ મંજૂરી પ્રાપ્ત કરવાના નામ હેઠળ રૃ. ૩૭૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મજાની વાત એ છે કે ઇટાલીની તપાસ સંસ્થાના અહેવાલમાં વચેટિયા તરીકે જે લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે તેમની અટક પણ ત્યાગી જ છે. આ લોકોમાં જૂલી ત્યાગી, ડોક્સા ત્યાગી અને સંદીપ ત્યાગીનો સમાવેશ થાય છે. લાંચ લેવાના આરોપોને ફગાવી દેતાં ત્યાગીએ જણાવ્યું હતું કે, મારી પર લાગેલા આરોપ પાયાવિહોણા છે. આ હેલિકોપ્ટરનો સોદો મારા કાર્યકાળ બાદ થયો હતો.

  અંગ્રેજી અખબારના દાવા મુજબ તેની પાસે ૬૪ પેજનો એ અહેવાલ છે કે જેને ફિનમેકેનિકાના સીઇઓની ધરપકડ માટે ટ્રિબ્યૂનલમાં ફાઈલ કરાયો હતો. આ અહેવાલ મુજબ તત્કાલીન એર ચીફ માર્શલ એસ.પી. ત્યાગીને તેમના મળતિયાઓ જૂલી ત્યાગી, ડોક્સા ત્યાગી અને સંદીપ ત્યાગી મારફત ખાસ રકમ પહોંચાડવામાં આવી હતી. ત્યાગી ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન વાયુસેનાના અધ્યક્ષ હતા. ઈટાલીની તપાસસંસ્થાના તપાસ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફિનમેકેનિકાની સહાયક કંપની અગસ્ટા વેસ્ટલેન્ડને હરાજી પ્રક્રિયામાં સામેલ કરી શકાય તે માટે કોન્ટ્રેક્ટમાં જાણીજોઈને ટેક્નિકલ શરતો રાખવામાં આવી હતી. આ કામ માટે ત્યાગીને રૃ. ૩૬૦ કરોડથી વધુની રકમ ઈટાલી અને ભારતમાં મળી હતી.

  એસ. પી. ત્યાગીએ વેસ્ટલેન્ડની તરફેણમાં ટેન્ડરની ડિટેલ બદલી હતી. ઓપરેશનલ સીલિંગની શરત ૧૮,૦૦૦ ફીટથી ઘટાડીને ૧૫,૦૦૦ ફીટ કરી દેવાઈ હતી. જો આવું ન કરાયું હોત તો વેસ્ટલેન્ડ હરાજીમાં ક્યારેય ભાગ લઈ શકત નહીં. ગત સાલ ઓક્ટોબરમાં આ મામલાની તપાસ દરમિયાન જૂલી ત્યાગીનું નામ ખૂલ્યું હતું. એસ. પી. ત્યાગીએ ત્યારે તેમના જૂલી સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ જૂલી સાથે કોઈ પણ પ્રકારના વ્યાપારિક સંબંધો હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

  સંસદનું બજેટ સત્ર શરૃ થવાની તૈયારીમાં છે તેવા સમયે ઉજાગર થયેલા આ મામલાએ સરકારનું બ્લડપ્રેશર ખાસ્સું વધારી દીધું છે. ભાજપના આક્રમક વલણથી ગભરાયેલી સરકારે તાત્કાલિક આ મુદ્દે સીબીઆઇ તપાસના આદેશો છોડ્યા છે. સાથોસાથ સરકારે આ હેલિકોપ્ટરોની ડિલિવરી રોકી દેવાનો ફેંસલો પણ કરી લીધો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ આ સોદાની સીબીઆઇ તપાસ શરૃ થયા બાદ જ્યાં સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ ન થઈ જાય ત્યાં સુધી હેલિકોપ્ટરોની ડિલિવરી રોકવા સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ નથી. ભારતને માર્ચ, જૂન અને સપ્ટેમ્બર ૨૦૧૩માં કુલ નવ એડબ્લ્યુ-૧૦૧ વીવીઆઇપી હેલિકોપ્ટર મળવાનાં હતાં.

  જાન્યુઆરી ૨૦૧૩માં સંરક્ષણ મંત્રાલયને આ ઇટાલિયન કંપની પાસેથી ત્રણ હેલિકોપ્ટર મળ્યાં હતાં, જે અત્યારે પાલમ વાયુસેના મથક પર તૈનાત છે. જોકે અત્યાર સુધી એક પણ વીવીઆઇપીએ આ હેલિકોપ્ટરોનો ઉપયોગ કર્યો નથી. આ સોદામાં જો ગરબડ સાબિત થશે તો તેના છાંટા વડા પ્રધાનની સલામતીની જવાબદારી સંભાળતા એસપીજી અને નાણાં મંત્રાલય પર પણ ઊડશે. સંરક્ષણ મંત્રાલય ઇન્ટિગ્રિટી કરારનો હવાલો આપીને એ કહી ચૂક્યું છે કે જો કશી ગડબડ સાબિત થશે તો સમૂળગો સોદો રદ થઈ શકે છે.

  -----------------------------------------------------------------------

  નોર્થ કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટમાં પાકિસ્તાનનો હાથ?

  સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી છતાં પણ મંગળવારે ત્રીજો ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો

  નવી દિલ્હી, બુધવાર - શું નોર્થ કોરિયાએ ગઈ કાલે કરેલા શક્તિશાળી ન્યૂક્લિયર ટેસ્ટની પાછળ પાકિસ્તાનનો હાથ છે? ભારતના ન્યૂક્લિયર નિષ્ણાતો એવું માની રહ્યાં છે.

  સૂત્રોના જણાવ્યા મુજબ જો આ ન્યૂક્લિયર ટેસ્ટ સંવર્ધિત યુરેનિયમથી કરવામાં આવ્યો હોય તો તે નક્કી છે કે પાકિસ્તાને આમાં નોર્થ કોરિયાને મદદ કરી છે. ભારતે આ ન્યૂક્લિયર ટેસ્ટ પર પહેલીવાર ઓફિશિયલ પ્રતિક્રિયા આપતા નોર્થ કોરિયાની ટીકા કરી છે.

  ઉલ્લેખનીય છે કે નોર્થ કોરિયાએ દુનિયાના કેટલાય દેશો અને સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી છતાં પણ મંગળવારે ત્રીજો ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો. આ તેનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ટેસ્ટ હતો. ન્યૂક્લિયર ટેસ્ટ બાદ નોર્થ કોરિયાએ જણાવ્યું કે તેની પરમાણુ ક્ષમતાની વિવિધતા વધી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે નોર્થ કોરિયાએ આ વખતે સંવર્ધિત યુરેનિયમનો ઉપયોગ કરીને બીજી રીત અપનાવી છે.

  નોર્થ કોરિયા માટે પાકિસ્તાની મદદ વગર આ કરવું શક્ય નથી. સૂત્રોની વાત માનીએ તો એમ પણ નોર્થ કોરિયાના દરેક ન્યૂક્લિયર ટેસ્ટમાં પાકિસ્તાનની ભાગીદારી જરૃર હોય છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૬ અને ૨૦૦૯ના ન્યૂક્લિય ટેસ્ટમાં નોર્થ કોરિયાના પ્લુટોનિયમનો ઉપયોગ થયો હતો. ૨૦૧૦માં ખુલાસો થયો કે નોર્થ કોરિયા સંવર્ધિત યુરેનિયમ પર પણ કામ કરી રહ્યું છે. ત્યારથી તેની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની ચર્ચાઓ પણ થવા લાગી.

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને નોર્ર્થ કોરિયાના પરમાણુ સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન બેનજીર ભુટ્ટો અનો નોર્થ કોરિયાના શાસક કિંમ જોંગ ઈલના શાસનકાળમાં બંને દેશોના સામરિક સંબંધો ખૂબ જ મજબૂત બન્યા હતા. નોર્થ કોરિયાએ પાકિસ્તાનથી યુરેનિયમ સંવર્ધિત કરવાની ટેકનોલોજીના બદલે મિસાઈલ વિકાસમાં મદદની ડિલ કરી હતી. આ જ કારણ છે કે પાકિસ્તાનની મોટાભાગની મિસાઈલ ઉત્તર કોરિયાઈ મૂળની છે.

  -----------------------------------------------------------------------

   

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License