• 17-01-2014

--------------------------------------
 

 • રાહુલ ચૂંટણી પ્રચારનું સુકાન સંભાળશેઃ સોનિયા ગાંધી

  નવી દિલ્હી, શુક્રવાર - રાહુલ ગાંધી અંગે પક્ષમાં નિર્ણય થઇ ચૂક્યો છે. તેઓ લોકસભાના ચૂંટણી પ્રચારનું સંભાળશે તેવી જાહેરાત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું.

  નવી દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની કાર્યકારિણીની આજ રોજ મળેલી બેઠકને સંબોધતાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે રાહુલ અંગે નિર્ણય લેવાઇ ચૂક્યો છે. તેઓ ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. પક્ષમાં પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાનો કોઇ શિરસ્તો નથી, જેના લીધે પીએમ પદના ઉમેદવારને જાહેર કરવામાં આવશે નહીં. કોંગ્રેસ હારથી હતાશ થઇ નથી. આગામી લડાઇ લડવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે અન્ય સરકારની તુલનામાં ઘણી સારી કામગીરી કરી છે તેમ છતાં હજુ પણ કંઇક કચાશ રહી ગઇ છે, જેને સુધારવાનો પ્રયાસ કરાશે.

  સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મજબૂત લોકાયુક્ત છે અને જે રાજ્યમાં લોકાયુક્ત નથી તેવાં રાજ્યમાં ફેબ્રુઆરી સુધીમાં લોકાયુક્તની નિમણૂક કરી દેવામાં આવશે. સરકારે અમીરી અને ગરીબી વચ્ચેની અસમાનતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં અમારા શાસનમાં દેશનો વિકાસ થયો છે. કોંગ્રેસના શાસનમાં દેશમાં ખાદ્ય સુરક્ષા બિલ, શિક્ષણ માટે મજબૂત કાયદો, મનરેગા સહિતના અનેક લોકવિકાસનાં કાર્યો કરવામાં આવ્યાં છે.

  સોનિયા ગાંધીએ વિપક્ષ ઉપર હુમલો કરતાં જણાવ્યું હતું કે વિપક્ષોની નીતિ ગેરજવાબદારીભરી છે. તેઓ સરકાર સામે દુષ્પ્રચાર અને ખોટા આરોપો લગાવી રહ્યા છે. આ ઉપરાંત વિપક્ષ હિંસા ભડકાવી રહ્યા છે. દેશને સાંપ્રદાયિક શક્તિ અને વિચારધારાથી ખતરો છે, જ્યારે કોંગ્રેસની વિચારધારા પહેલેથી જ બિનસાંપ્રદાયિક છે. કોંગ્રેસ એક-બીજાને એકસૂત્રતાથી જોડવામાં માને છે. કોંગ્રેસ માટે સર્વધર્મસમભાવનો નારો ચૂંટણીમાં નવો નથી.

 • ------------------------------------------------------------------------

 • વિખ્યાત અભિનેત્રી સુચિત્રા સેનનું નિધન

  મુંબઇઃ બોલિવૂડની સુપ્રસિદ્ધ અભિનેત્રી સુચિત્રા સેનનું ટૂંકા સમયની બીમારી બાદ આજે સવારે કોલકાતાની હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ ૮૩ વર્ષનાં હતાં. શ્વસનતંત્રની બીમારીના લીધે ૨૩ ડિસેમ્બરે તેમને હોસ્પિટલમાં ભરતી કરાયાં હતાં. ત્યાર પછી તેમનું સ્વાસ્થ્ય વધુ ને વધુ કથળ્યું હતું. ૫૦ના દાયકામાં પોતાની અભિનય પ્રતિભાના દમ પર ભારતની પ્રજાના દિલમાં રાજ કરનારી સુચિત્રાએ આજે સવારે આ દુનિયામાંથી અંતિમ વિદાય લીધી હતી.

  હિંદી ફિલ્મ દેવદાસ, બમ્બઇ કા બાબુ, મમતા અને આંધીથી મશહુર થયેલાં સુચિત્રા સેને 'દીપ જ્વેલે જાઇ' અને 'ઉત્તર ફાલ્ગુ'ની જેવી મશહુર બંગાળી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો હતો. વર્ષ ૧૯૭૨માં પદ્મશ્રીથી તેમને નવાજવામાં આવ્યાં હતાં. હિંદી ફિલ્મોમાં સુચિત્રા સેન અને ઉત્તમકુમારની જોડી સફળ જોડી ગણાતી હતી. તેમને ડાયાબિટીસની પણ બીમારી હતી.

  ૧૯૫૨માં તેમણે બંગાળી ફિલ્મ 'શેષ કોથાઇ'થી તેમની ફિલ્મી કારકિર્દી શરૃ કરી હતી. તેમની વધુ ઓળખ 'આંધી' ફિલ્મથી થઇ હતી, છતાં બંગાળી ફિલ્મોમાં તેમનું વધુ નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. તેમની સૌથી વધારે હિંદી ફિલ્મો ૧૯૭૫માં રિલીઝ થઇ હતી. 'આંધી'થી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. ૧૯૭૮માં 'પ્રનોય પાશા' ફિલ્મ બાદ પણ તેમણે ક્ષેત્રસંન્યાસ લીધો હતો. વર્ષ ૨૦૦૫માં તેમણે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ લેવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેઓ કોઇની નજરમાં આવવા માગતાં નહોતાં. મોટા ભાગનો સમય તેમણે પોતાના ઘરે જ વીતાવ્યો હતો.

  બંગાળીમાં ૧૯૫૨ની 'શેષ કોથાઇ' ફિલ્મ કર્યા બાદ ૧૯૭૮ સુધી તેમની છેલ્લી ફિલ્મ 'પ્રનોય પાશા' દરમિયાન તેમણે કુલ ૬૦ બંગાળી ફિલ્મમાં અભિનયનું યોગદાન આપ્યું હતું. તેમની સાત ફિલ્મો જુદા જુદા એવોર્ડ માટે નોમિનેટ થઇ હતી. તેમણે 'મમતા' ફિલ્મ માટે ૧૯૬૩માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો હતો. ૧૯૬૩માં મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ, ૧૯૭૨માં પદ્મશ્રી, ૧૯૭૬માં ફિલ્મ ફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ 'આંધી' ફિલ્મ માટે તેમજ ૨૦૧૨માં બંગા વિભૂષણ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મેળવ્યો હતો.

  આંધી ફિલ્મમાં કહેવાય છે કે તેમણે ઇન્દિરા ગાંધી પરથી પ્રેરિત રોલ નિભાવ્યો હતો. કટોકટી સમયે 'આંધી' ફિલ્મ ઉપર પ્રતિબંધ પણ લદાયો હતો.

 • ------------------------------------------------------------------------

 • સ્ટિંગ માટેનાં સાધનોના વેચાણમાં જોરદાર ઉછાળો

  નવી દિલ્હી, શુક્રવાર - દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શાસનની ધૂરા સંભાળી છે ત્યારથી દિલ્હીમાં જાસૂસી કરવા માટેનાં ઉપકરણોના વેચાણમાં જોરદાર વધારો નોંધાયો છે. કેજરીવાલે જનતાને સ્ટિંગ કરવાનું આહ્વાન કર્યા બાદ જાસૂસીના સાધનો વેચનારા વેપારીઓ નફો રળતા થઇ ગયા છે.

  પેન કેમેરાઃ હાલમાં દિલ્હીના બજારમાં છ ગેજેટ્સ વધુમાં વધુ વેચાઇ રહ્યાં છે, જેમાં લોકોની પહેલી પસંદ બની છે પેન કેમેરા. તદ્દન નાનકડો કેમેરો, જે નજરે ચડે નહીં અને સ્ટિંગ કરનાર વ્યક્તિ ખૂબ જ સફાઇથી ખિસ્સાંમાં રાખીને કોઇને પણ મળવા જઇને ઓપરેશન પાર પાડી શકે, જેમાં વીડિયો સાથે અવાજ પણ રેકર્ડ થઇ શકે છે. આ પેન કેમેરાની કિંમત છે રૃ. ૫,૦૦૦.

  બટન કેમેરાઃ આ કેમેરા પણ સ્ટિંગ કરનારા શોખીન જીવોમાં લોકપ્રિય બન્યા છે, જે જાસૂસીનું સૌથી સસ્તું અને અસરકાર હથિયાર છે. તે સામાન્ય બટન જેવો દેખાય છે અને શર્ટમાં સમાઇ જાય છે, જેની કિંમત છે. રૃ. ૨૦૦૦.

  ઘડિયાળ કેમેરાઃ કોઇ પણ ઘડિયાળ જોઇને ખબર ન પડે કે આમાં કેમેરો સમાયેલો હશે. ઘડિયાળના ડાયલ સાથે કેમેરો મૂકી દેવામાં આવે છે, જેની કિંમત રૃ. ૩,૦૦૦થી રૃ. ૧૨,૦૦૦ સુધીની રહે છે, જેમાં અવાજ પણ રેકર્ડ થાય છે.

  રિંગ કેમેરાઃ આ કેમેરો કી-ચેઈનમાં સમાયેલો હોય છે. મોટા ભાગના લોકો ચાવીવાળું કી ચેઇન પોતાની સાથે રાખે છે, જેની વિશેષતા એ છે કે પર્સ અથવા તો ખિસ્સામાં રાખ્યા બાદ પણ આ કેમેરો સ્પષ્ટ અવાજ રેકર્ડ કરે છે, જેની કિંમત છે. રૃ. ૧,૦૦૦થી રૃ. ૩,૦૦૦.

  ગોગલ્સ કેમેરાઃ કોઇ તમારી સામે ચશ્માં પહેરીને આવે તો સતર્ક થવું પડે. બની શકે કે તમારી જાણ વગર ચશ્માં દ્વારા રેકર્ડ થતું હોય. ગોગલ્સમાં લેન્સથી કાન તરફ જતા ભાગમાં કેમેરા મૂકવામાં આવે છે, જે અવાજ અને તસવીર રેકર્ડ કરે છે.

 • ------------------------------------------------------------------------

 • હવે રવિશંકર પણ બોલ્યાઃ 'શ્રી શ્રી શ્રી' છે મોદી

  નવી દિલ્હીઃ શ્રી શ્રી રવિશંકરે ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સારા માણસ ગણાવીને તેમની પ્રશંસા કરી છે. જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે રાહુલ અંગે મારો કોઈ અભિપ્રાય નથી, કારણ કે હું તેમનાથી પરિચિત નથી.

  રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી અંગે અભિપ્રાય પૂછતાં શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીને વધુ સારી રીતે ઓળખતા નથી અને તેથી તેઓ તેમના અંગે કોઈ અભિપ્રાય આપી શકે નહીં. જ્યારે નરેન્દ્ર મોદી અંગે તેમણે જણાવ્યું હતું કે હું મોદીને ઘણી વાર મળી ચૂકયો છું અને તેઓ એક ભલા માણસ છે.

  આમ આદમી પાર્ટી અંગે અભિપ્રાય પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન ઉપલબ્ધ કરાવવામાં આપ ઈમાનદાર જણાય છે, પરંતુ તેમનામાં અનુભવનો અભાવ જોવા મળી રહ્યો છે.

 • ------------------------------------------------------------------------

 • હવે ભાજપ કરશે 'આપ' પર મંથન

  નવી દિલ્હી, શુક્રવાર - અત્યાર સુધી આમ આદમી પાર્ટીને નજર અંદાજ કરતો રહેલો ભાજપ હવે પોતાની રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં લોકસભા ચૂંટણી માટે રણનીતિ બનાવતી વખતે આ નવી પાર્ટીને પણ ધ્યાનમાં રાખશે. આ ઉપરાંત કાર્ય સમિતિમાં દિલ્હીની બાબતે પણ વિચાર-વિમર્શ થવાની પૂરેપૂરી આશા છે. ભાજપે કેટલાક અવસરને છોડીને અત્યાર સુધી 'આપ'ને વધુ ભાવ આપ્યો નથી.

  પ્રસ્તાવ પર ચર્ચા

  છેલ્લા કેટલાક દિવસમાં પાર્ટીના દિગ્ગજ નેતા અરુણ જેટલી આપને લઈને ફેસબુક પર કેટલીક પોસ્ટ કરી રહ્યા છે, પરંતુ હવે ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં રાજકીય પ્રસ્તાવ પર ચર્ચા થશે તો તેમાં આપ પર પણ ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના પદાધિકારીઓની મિટિંગમાં કાર્ય સમિતિની બેઠકમાં આજે રજૂ થનાર રાજકીય અને આર્થિક પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો. તેમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા.

  પોસ્ટમોર્ટમ થશે

  આ અંગે જાણકારી આપતાં પ્રવકતા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે રાજકીય પ્રસ્તાવ સુષમા સ્વરાજ રજૂ કરશે. જ્યારે આર્થિક પ્રસ્તાવ અરુણ જેટલી રાખશે. તેમણે એમ પણ માન્યું કે 'આપ' પર પણ ચર્ચા થવાની આશા છે. પાર્ટીનાં સૂત્રોનું કહેવું છે કે કાર્ય સમિતિમાં શનિવાર અને રવિવારે રાષ્ટ્રીય પરિષદની બેઠકની રણનીતિ પર પણ વિચાર થશે.

 • ------------------------------------------------------------------------

 • દિલ્હી પૂછે સવાલઃ સીએમ સાહેબની ખાંસીનો ઈલાજ શું?

  નવી દિલ્હી, શુક્રવાર - આયુર્વેદ અને નેચરોપથીમાં વિશ્વાસ રાખનાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાની ખાંસીના ઈલાજની તમામ રીતો અજમાવી લીધી છે. છતાં પણ તેમને ખાંસી સતાવી રહી છે.  હવે તેમણે પોતાના ડોકટરની સલાહ પર એલોપેથી ટ્રીટમેન્ટ કરાવવાનું શરૃ કરી દીધું છે, પરંતુ ટાઈમ પર નેબ્યુલાઈઝર  જેવી ટ્રીટમેન્ટ નહીં લેવાના કારણે હજુ પણ તેમને ખાંસી ચાલુ રહી છે.

  બાળપણથી જ ખાંસીથી પરેશાન રહેનાર કેજરીવાલની તપાસ બાદ કોઈ ગંભીર સમસ્યા દેખાઈ નથી. ડોકટરો માને છે કે તેમને સ્ટ્રેસ કે એલર્જીના કારણે ખાંસી થઈ રહી છે. બીજી તરફ દિલ્હીની જનતા અને તેમને નજીકથી જાણનારા લોકો પણ કેજરીવાલને ઉધરસ ખાતા જોઈને પરેશાન છે. તેમના ફેમિલી ડોકટર વિપીન મિત્તલ કહે છે કે કેજરીવાલને પોતાના ઈલાજ અને દવા કરતાં મહત્વનું તેમનું કામ લાગી રહ્યું છે, જેના કારણે તેમની સંપૂર્ણ ટ્રીટમેન્ટ થઈ શકતી નથી.

  ડો.મિત્તલના જણાવ્યા મુજબ ૬ જાન્યુઆરીની પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલને એટલી જોરથી ખાંસી આવી કે તેમની પાંસળીઓમાં દુખાવો થઈ ગયો. દિલ્હીના જાણીતા પલ્મનોલોજિસ્ટને બતાવવામાં આવ્યું. તેમણે સવાર-સાંજ નેબ્યુલાઈઝર લેવાની સલાહ આપી. તેની સારી અસર થતી હતી, પરંતુ બે દિવસ પહેલાં ફરી ખાંસી થતાં જાણ થઈ કે તેમણે સાંજે નેબ્યુલાઈઝર લીધું નથી. હાલમાં તેઓ એટલા બિઝી છે કે તેમની પાસે ટ્રિટમેન્ટનો સમય નથી.

 • ------------------------------------------------------------------------

 • કઈ કંપનીની દવા ખરીદી? ફરી લેબલ જોજો

  નવી દિલ્હી, શુક્રવાર - કેટલીક મોટી ફાર્મા કંપનીઓ કેટલીક દવાઓ બનાવતી નથી, પરંતુ તેનું માર્કેટિંગ કરે છે. માર્કેટિંગ એ રીતે કરવામાં આવે છે કે આ દવાઓનાં પેકેટ પર તેમનું નામ મોટા અક્ષરે અને પેકેટની લગભગ વચ્ચે એ રીતે લખ્યું હોય છે કે ગ્રાહકો છેતરાઇ જાય છે અને એવું માનવા લાગે છે કે જાણીતી કંપનીએ જ દવા બનાવી છે. આવી ચાલાકી પર અંકુશ રાખવા માટે સરકાર હવે દવાઓના પેકેટ પર લેબલિંગના નિયમોમાં પરિવર્તન લાવવાનું વિચારી રહી છે.

  ડ્રગ કંટ્રોલર જર્નલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ) ઓફિસના એક અધિકારીએ જણાવ્યું કે, 'લેબલિંગના નિયમોમાં કેટલાય વિકલ્પ પર વિચાર થઇ રહ્યો છે. તેમાં એમ પણ વિચારાઇ રહ્યું છે કે માર્કેટિંગ ફર્મ અને મેન્યુફેક્ચરિંગ ફર્મના નામ અલગ આકારે લખાય, જેથી દવા ખરીદનાર લોકોને સ્પષ્ટ જાણવા મળે કે તેઓ કઇ કંપનીની દવા ખરીદી રહ્યા છે?' અધિકારીએ જણાવ્યું કે, 'આ અંગે ફાઇનલ ડિસિસન કરતાં પહેલાં તમામ સંબંધિત પક્ષો સાથે દરેક વિકલ્પ અંગે ચર્ચા કરવામાં આવશે.'

  રાજ્યોના ડ્રગ રેગ્યુલેટર્સે તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી કે દવાઓના પેકેટ પર અલગ લેબલિંગના કારણે સમસ્યા સર્જાઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, 'મેન્યુફેક્ચરિંગ કંપનીને બદલે માર્કેટિંગ કંપનીનું નામ મોટા અક્ષરમાં હોય તો લોકોમાં ભ્રમ પેદા થાય છે કે દવા તે કંપનીએ બનાવી છે, જેનું નામ મોટા અક્ષરે લખાયું છે.'

  ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટના નિયમો હેઠળ હજુ માર્કેટિંગ કંપની માટે આવી કોઇ ગાઇડલાઇન બનાવાઇ નથી કે તેઓ દવા બનાવનાર કંપનીની સાથે પોતાનું નામ કેવી રીતે લખશે? ડ્રગ રેગ્યુલેશન્સ અંગે સલાહ આપનારી એજન્સી ડીસીસીના સભ્યોએ તાજેતરની મિટિંગમાં જણાવ્યું કે લેબલિંગના નિયમોમાં પરિવર્તન લાવવું જોઇએ.

 • ------------------------------------------------------------------------

 • મોબાઈલ એપ્સથી થતી કમાણીનો આંકડો ૨૦થી ૨૫ અબજ ડોલર

  બેંગલુરુ, શુક્રવાર  - તમને યાદ હશે કે થોડા વખત પહેલા જ તમે મોબાઈલનું બિલ ભરવા માટે મોબાઈલ કંપનીની શોપ ખાતે લાઈનમાં ઊભા રહેતા હતા અને જો તમે નિયત તારીખ સુધીમાં બિલ ન ભરો તો તમારે વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. આ જ મોબાઈલ બિલ હવે તમે તમારા જ મોબાઈલ મારફત માત્ર થોડીક ક્લિકના સહારે ભરી દો છો અને પરિણામે લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટમાંથી પણ તમને મુક્તિ મળી ગઈ છે. આ મુક્તિ મળવા પાછળનું મુખ્ય કારણ છે મોબાઈલ એપ.

  પહેલા માત્ર બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત કરાવનારો મોબાઈલ ફોન હવે આધુનિક યુગમાં તમારું લાઈટબિલ અને મોબાઈલ બિલ ભરી આપવા ઉપરાંત તમને ઓનલાઈન શોપિંગ પણ કરાવી આપે છે. આ તમામ સુવિધાઓ મોબાઈલ એપને આભારી છે. સમગ્ર દુનિયાને તમારા મોબાઈલ મારફત તમારા હાથમાં લાવી દેનારી આ મોબાઈલ એપ સૌપ્રથમ વખત અમેરિકાની એપલ કંપનીએ જુલાઈ ૨૦૦૮માં રજૂ કરી હતી. આઈઓએસ માટે એપલે એપ સ્ટોરનો પાયો નાખ્યો અને એક નવી જ ક્રાંતિ શરૃ થઈ. બાદમાં અન્ય મોબાઈલ કંપનીઓએ પણ તે મોબાઈલ એપ્લિકેશનને અપનાવી લીધી.

  નિષ્ણાંતોના મતે ગત વર્ષે એપથી દુનિયાભરમાં થનારી કમાણી ૨૦થી ૨૫ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે અને ૨૦૧૭ સુધીમાં તે ત્રણ ગણી થઈ જશે. એ વાત સાચી છે કે એપ યૂઝર્સ એપ માટે ઊંચો ખર્ચ કરવાનું પસંદ કરતા નથી, પરંતુ જે સારી એપ્સ છે તેના માટે યૂઝર્સ નાણાં ખર્ચતા પણ અચકાતા નથી. અગાઉ રોટી, કપડા અને મકાન જીવનજરૃરિયાતની ચીજવસ્તુ ગણાતી હતી, પરંતુ હવે તેમાં ચોથા ક્રમે મોબાઈલનો પણ ઉમેરો થયો છે અને પાંચમા ક્રમે મોબાઈલ એપનો સમાવેશ થયો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. તમારા હાથમાંથી તમારો મોબાઈલ ફોન બાજુ પર મુકાતો જ ન હોય તો તેનું કારણ મોબાઈલ એપ છે અને આગામી દિવસોમાં એપનો ઉપયોગ મોટા પાયે વધશે અને દુનિયા વધુ સાંકડી કરી દેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

 • ------------------------------------------------------------------------

 • ------------------------------------------------------------------------

 •  

 • ------------------------------------------------------------------------

 • ------------------------------------------------------------------------

  ------------------------------------------------------------------------

  ------------------------------------------------------------------------

  ------------------------------------------------------------------------

  ------------------------------------------------------------------------

  ------------------------------------------------------------------------

  ------------------------------------------------------------------------

  ------------------------------------------------------------------------

 • ------------------------------------------------------------------------

 

 

 

 

 

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License