22-04-2013

------------------

------------------

 
 
 •  ભાજપના એક નેતાએ પીઠમાં ખંજર ભોંક્યું?

  અમદાવાદઃ ગુજરાતના ભાજપના એક પ્રભાવશાળી નેતાને રાજ્ય સરકાર વિરુદ્ધ ઝેર ઓકવા બદલ તેમજ ખરી ખોટી રજૂઆતો કરવા બદલ સંગઠનમાંથી 'ગુડબાય' કરવાનો તખતો તૈયાર થઈ ગયો છે. આગામી દિવસોમાં પ્રભાવી નેતાને શોધી કાઢીને તેમને સંગઠનમાંથી તગેડી મૂકવામાં આવશે. જેને કારણે ફરીથી ગુજરાત ભાજપનું રાજકારણ ગરમાશે. પ્રદેશ ભાજપનાં ટોચના વર્તુળો કહે છે, પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂકના મામલે પક્ષનું આંતરિક રાજકારણ ગરમાયું હતું. પ્રમુખપદે આર.સી. ફળદુનું સ્થાન લેવા માટે કેટલાક પ્રભાવશાળી નેતાઓમાં ભારે થનગનાટ હતો. પ્રભાવી નેતાની ઇચ્છા-મહેચ્છા, આકાંક્ષા પર ફળદુની ફરીથી પ્રમુખપદે નિમણૂક થવાથી પાણી ફરી વળ્યું છે. ગુજરાત ભાજપના પ્રમુખ બનવાની રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા આત્માઓ મનોમન ભારે દુઃખી થયા છે. પ્રમુખની ખુરશીએ બેસવાની લાળ ટપકાવનારા નેતાઓ બીકના માર્યા જાહેરમાં તો કંઈ બોલી શકે તેમ નથી, પરંતુ એક પ્રભાવી નેતાએ સંઘ સુપ્રીમો મોહન ભાગવત સમક્ષ ગુજરાત સરકાર વિરુદ્ધની સાચી-ખોટી રજૂઆત કરતાં પક્ષના આંતરિક રાજકારણમાં પુનઃ ગરમાવો આવ્યો છે. તાજેતરમાં મોહન ભાગવત અમદાવાદ ખાતે યોજાયેલા હિંદુ વિરોધી સંમેલનને સંબોધવા આવ્યા હતા તે વખતે પ્રદેશ ભાજપના દુઃખી થયેલા પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક નેતાએ મોહન ભાગવત સમક્ષ સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.

  મુખ્યપ્રધાન અને મોહન ભાગવત સાથેની મુલાકાત બાદ નેતાએ મોહન ભાગવત સાથે અલગથી ખાનગીમાં બેઠક કરી હતી. જેમાં મોહન ભાગવત આગળ મુખ્ય પ્રધાન અને સંગઠનની વિરુદ્ધમાં સાચી-ખોટી રજૂઆતો કરવામાં પ્રભાવી નેતાએ કોઈ કસર બાકી છોડી હતી. તેમણે મોહન ભાગવત સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, પક્ષમાં જૂના કાર્યકરોની અવગણના થાય છે ભાજપ અને કોંગ્રેસમાં કોઈ ફરક રહ્યો નથી. પક્ષને કોર્પોરેટ કંપની બનાવી દેવામાં આવી છે, કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. વિકાસ મોડલના નામે આભાસી ચિત્ર રજૂ કરવામાં આવે છે.

  ગુજરાત ભાજપના એક પ્રભાવશાળી નેતાની સરકાર-સંગઠન વિરુદ્ધની ઝેર ઓકતી રજૂઆતો સાંભળીને સંઘ સુપ્રીમો મોહન ભાગવત પણ ચકિત થઈ ગયા હતા. જોકે પ્રદેશ હાઇ કમાન્ડ દ્વારા પ્રભાવી નેતા કોણ હતા તેની શોધ ચાલી રહી છે. ટૂંક સમયમાં તેમને ઓળખી કઢાશે અને તેમને સંગઠનમાંથી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે મોહન ભાગવતે દુઃખી નેતાની વાત કાને ધરી નહોતી.

  ---------------------------------------------------------------------

   રાજ્યમાં ૨૫૦થી વધુ નવી ગેસ એજન્સીઓની નિમણૂક કરાશે

  અમદાવાદ, સોમવાર - એક તરફ રાંધણગેસના ભાવ આસમાનને આંબી  રહ્યા છે ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકાર ગેસ એજન્સીઓની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જો કે વર્તમાન ડીલરોએ નવા ડીલર્સની નિમણૂક સામે વાંધો ઉઠાવતા સરકારે રીસર્વે કરીને નવી એજન્સીઓની સંખ્યા ૭૦૦૦થી ઘટાડીને ૪૦૦૦ કરી છે, જે પૈકી ગુજરાતમાં ૨૫૦થી વધુ નવી એજન્સીઓની નિમણૂક થવાની સંભાવના છે.

  રાંધણગેસના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે સરકાર  નવી ગેસ એજન્સીઓની નિમણૂક કરવા જઈ રહી છે. દેશમાં હાલ ૧૧૮૦૦ ગેસ એજન્સીઓ અથવા ડીલર્સ અસ્તિત્વમાં છે, જે પૈકી ગુજરાતમાં ૬૦૦ ડીલર્સ કાર્યરત છે. નવી એજન્સીઓની નિમણૂક માટે સરકારે અગાઉ પણ જાહેરાત કરી હતી, જેમાં સરકાર દેશભરમાં ૭૦૦૦ નવા ડીલર્સની નિમણૂક કરવા જઈ રહી હતી. આટલી મોટી સંખ્યામાં નવી એજન્સીઓની નિમણૂક સામે ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સ ફેડરેશને વાંધો ઉઠાવ્યો હતો. ફેડરેશનની દલીલી હતી કે હાલ દેશમાં ૧૧૮૦૦ ડીલર્સ કાર્યરત છે અને તેઓ પણ તેમને અપાયેલો ટાર્ગેટ પુરો કરી શકતા નથી, કારણ કે તેમની પાસે ગ્રાહકો નથી. એક ડીલરને સરકારે વધુમાં વધુ ૧૨૦૦૦ સિલિન્ડર વેચવાની મર્યાદા આપેલી છે, જે પૈકી ગુજરાતમાં એક ડીલર મહિને ૬૦૦૦થી વધુ સિલિન્ડરનુ વેચાણ કરી શકતો નથી. વર્તમાન ડીલર્સને જ્યારે ગ્રાહકો મેળવવામાં ફાંફા પડી રહ્યા હોય ત્યારે નવા ડીલર્સની નિમણૂકથી પરિસ્થિતિ વધુ બગડશે તેવી દિલ્હી ખાતે પેટ્રોલિયમપ્રધાનને રજૂઆત કરવામાં આવેલી.

  ફેડરેશનની રજૂઆતને પગલે સરકારે રિસર્વે કરીને દેશમાં નવી ૭૦૦૦ એજન્સીઓની નિમણૂક કરવાને બદલે હવે માત્ર ૪૦૦૦ નવી એજન્સીઓને   નિમણૂક આપવા નિર્ણય કર્યો છે. અંગે ફેડરેશનના પ્રમુખ પી. એમ. પટેલે જણાવ્યુ કે, ડીલર્સની અસરકારક રજૂઆતને પગલે સરકારે એજન્સીઓની સંખ્યા ચોક્કસપણે ઘટાડી છે, પરંતુ ડીલર્સે તેમની વેચાણમર્યાદા માસિક ૧૨૦૦૦ સિલિન્ડરથી વધારીને ૨૫૦૦૦ સિલિન્ડરની કરવામાં આવે તેેવી માગણી પણ કરી છે. માગણી અંગે હજુ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ સંભવતઃ તા. ૨૪ એપ્રિલના રોજ સરકાર નવી એજન્સીઓની નિમણૂક મુદે જાહેરાત બહાર પાડશે. જે પૈકી ગુજરાતમાં ૨૫૦થી વધુ નવી એજન્સીઓ સ્થપાશે.

  ----------------------------------------------------------------------

   સ્ટેન્ડિંગ કમિટીએ અઢી વર્ષ બાદ બાપુનગર અર્બન હેલ્થ સેન્ટરનું નામ બદલ્યું

  અમદાવાદ, સોમવાર - ભાજપશાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં નામકરણનો અજબગજબનો મહિમા છે. ભાજપના શાસકો છાશવારે સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના રસ્તા, ચોક, પાણીની ટાંકી, અર્બન હેલથ સેન્ટર વગેરેનો નવાં નવાં નામ પાડવાના ઠરાવ કરે છે. પછી શાસકોની બલિહારી પણ જોવા જેવી છે કે અઢી વર્ષ બાદ જે તે નામને નવો ઠરાવ કરીને બદલી નાખવામાં આવે છે. તાજેતરમાં શાસકોએ બાપુનગર અર્બન હેલ્થ સેન્ટરનું નામ બદલીને નવો વિવાદ ઊભો કર્યો છે.

  મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ પૂર્વ ઝોનમાં સ્થિત બાપુનગર વોર્ડમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરને ગત તા. ૧ર ઓગસ્ટ, ર૦૧૦ના રોજના ઠરાવ નંબર ૯૩રથી ડો. હરિલાલ ગૌદાણી નામ આપ્યું હતું. મ્યુનિ. કોર્પોરેશનના જનરલ બોર્ડે પણ ઠરાવ નંબર ૧૩પ૧થી નામકરણને ગત તા. ર૦ ઓગસ્ટ, ર૦૧૦ના રોજ મંજૂરી આપી દીધી હતી.

  બાપુનગર અર્બન હેલ્થ સેન્ટરનું નામકરણ અઢી અઢી વર્ષ સુધી કોઈ જાતના વાંધા-વચકા વગર ચાલતું રહ્યું અને પછી શાસકોના મગજમાં નવો તરંગ-તુક્કો આવતા જૂનું નામકરણ રદ કરીને ગત તા. ૧પ એપ્રિલ, ર૦૧૩ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઈન્ડિયા કોલોની વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરને જૂનું નામ આપતો ઠરાવ પસાર કર્યો છે. આમ, નામકરણના બાબતે શાસકપક્ષના મહંમદ તઘલગી પ્રકારના નિર્ણયોની મ્યુનિ. પરિસરમાં આકરી ટીકા થઈ રહી છે.

  મ્યુનિ. સૂત્રો કહે છે, સ્ટેન્ડિંગ કમિટીએ 'તારી આંખનો અફીણી'ના ગાયક અને પીઢ સંગીતજ્ઞ દિલીપ ધોળકિયાનું નામ વસ્ત્રાપુર તળાવથી માનસી ચાર રસ્તા તરફ જતા માર્ગ પરના સરદાર સેન્ટરથી બેપ્સ સ્વામિનારાયણ સુધીના માર્ગને આપ્યું છે તો ગુજરાત કોલેજથી ઇન્દર રેસિડેન્સી હોટલ પાસેના ચોકને સુગમ સંગીતના અવિસ્મરણીય કલાકાર રાસબિહારી દેસાઇનું નામ આપ્યું છે, જ્યારે મણિનગર વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાની ત્રિભુવનદાસ રણછોડભાઈ પટેલનું નામ જયમાલાથી ગોવિંદવાડી ચાર રસ્તા સુધીના માર્ગને આપ્યું છે તો નવા નામો યથાવત્ રહેશે તેની ખાતરી શું શાસકો પ્રજાને આપશે? કે પછી બે-અઢી વર્ષ બાદ પાછા નવાં-નવાં નામોના ઠરાવ કરાશે?

  ----------------------------------------------------------------------

   ફાર્મસીના પ્રવેશ માટે હવે અલગથી ફોર્મ ભરવું પડશે

  અમદાવાદઃ ધોરણ-૧૨ સાયન્સ પછી એન્જિનિયરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ચાલુ વર્ષે ફાર્મસીમાં પ્રવેશ માટે અલગથી ફોર્મ ભરવું પડશે. અગાઉ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એક ફોર્મ ભરવામાં આવતું હતું.

  પ્રાપ્ત વિગતો મુજબ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશના નિયમો હજુ સુધી ટેક્નિકલ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીના નિયમોમાં ચાલુ વર્ષે મોટા પાયે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ગ્રૂપના વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેમને અલગથી ફોર્મ ભરવું પડશે. અગાઉ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એક ફોર્મ ભરવામાં આવતું હતું, જેથી હવે ગ્રૂપમાંથી ફાર્મસીમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને બે ફોર્મ ભરવાં પડશે, જોકે ગ્રૂપમાંથી ફાર્મસીમાં જનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. ઉપરાંત ચાલુ વર્ષે પર્સન્ટેજને બદલે પર્સેન્ટાઇલના આધારે મેરિટ તૈયાર કરવા સહિતના સૂચિત ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

  ----------------------------------------------------------------------

  કુલપતિ ગેરહાજર હોય ત્યારે બાઉન્સરો સહિતને પગાર કોણ ચૂકવશે? તેવી ચર્ચા!

  ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની અંગત સિક્યોરિટી સ્ટાફ માટે મહિને ત્રણ લાખ જેટલો ખર્ચ કરવામાં આવે છે. જોકે, કુલપતિ રજા પર હોય ત્યારે બાઉન્સરો, ગનમેન સહિતને પગાર કોણ ચૂકવશે? તેવો પ્રશ્ન યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચાઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. આદેશપાલની અંગત સિક્યોરિટી માટે વર્ષે લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કુલપતિ રજા પર હોય તેવા સંજોગોમાં બાઉન્સરો, ગનમેન સહિતના સ્ટાફ યુનિવર્સિટીમાં હોવાથી તેનો પગાર કોણ ચૂકવશે? તે પ્રશ્નો યુનિવર્સિટી કેમ્પમાં ચર્ચાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓના ફીના પૈસામાંથી અંગત સિક્યોરિટી માટે લાખોનો ખર્ચ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષ યુનિવર્સિટીની સલામતીના ખર્ચમાં અનેક ગણો વધારો નોંધાયો છે.

  ----------------------------------------------------------------------

  ગીરના સિંહના સ્થળાંતરની ચોરેચૌટે ચર્ચા, કોંગ્રેસના 'સિંહ'નું ચૂપચાપ સ્થળાંતર

  સુપ્રીમ કોર્ટે ગીરના સિંહને મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાનો તાજેતરમાં એક હુકમ કર્યો છે, જેના લીધે ગુજરાતભરમાં હંગામો મચી ગયો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય મોવડીમંડળ દ્વારા ખાનગીમાં આદેશ કરીને ગુજરાત કોંગ્રેસના શંકર 'સિંહ'ને દિલ્હી ખાતે બોલાવી લીધા છે, જેના કારણે કોંગ્રેસ પક્ષમાં ચર્ચા થઈ રહી છે કે ગીરના 'સિંહ'ને મધ્ય પ્રદેશ મોકલવાના નિર્ણયની ચોરે-ચૌટે ચર્ચા થઈ રહી છે, જ્યારે ગુજરાત કોંગ્રેસના શંકર 'સિંહ'ને દિલ્હી ખસેડવાના નિર્ણયની પક્ષમાં પણ કોઈ ચર્ચા કરતું નથી.

  ----------------------------------------------------------------------

  લાઈટ જાય ત્યારે બીઆરટીએસ બસનું સ્ક્રેચકાર્ડ માથે પડે તેવી સ્થિતિ

  શહેરની લાઈફલાઈન ગણાતી બીઆરટીએસએ મુસાફરોની સગવડતા માટે સ્ક્રેચકાર્ડ સિસ્ટમની અમલવારી કરી છે, પરંતુ જે તે બસસ્ટેન્ડ વિસ્તારમાં લાઈટો જાય ત્યારે સ્ક્રેચકાર્ડ માથે પડે છેએટલે કે જ્યાં સુધી બસ જતી હોય ત્યાં સુધીનાં નાણાં કાર્ડમાં ઓટોમેટિક ઊઘરાઈ જાય છે. બીઆરટીએસની સ્ક્રેચકાર્ડ સિસ્ટમ એવી છે કે જ્યાંથી બેસો તે પૂર્વે સ્ક્રેચ કરો અને જ્યાં ઊતરો તે બીઆરટીએસના સ્ટેન્ડે સ્ક્રેચ કરો એટલે મુસાફરીમાં એટલાં નાણાં ઊઘરાઈ જાય, પરંતુ મુસાફર જ્યાં ઊતરે અને ત્યાં લાઈટ ડૂલ થઈ ગઈ હોય ત્યારે કાર્ડ સ્ક્રેચ થતું નથી અને સત્તાવાળાઓ જ્યાં લાઈટ હોય તેવા બીઆરટીએસના સ્ટેન્ડે કાર્ડને સ્ક્રેચ કરવાની સૂચના આપે અને સમયના અભાવે કે અન્ય કોઈ મુશ્કેલીના કારણે મુસાફર કાર્ડ સ્ક્રેચ ના કરે તો તે મુસાફરી રૃટના અંતિમ સ્ટેન્ડ સુધીની ટિકિટના નાણાં સ્ક્રેચકાર્ડમાંથી ઓટોમેટિક ઊઘરાઈ જાય છે. આમ, લાઈટો જતી રહે તો કાર્ડ માથે  પડવાનો અનુભવ થાય છે.

  ----------------------------------------------------------------------

  ગરમીને લીધે જળઅધિકાર યાત્રાને નબળો પ્રતિસાદ મળતાં કોંગી નેતાઓ ચિંતાતુર

  ગરમીને લીધે કોંગ્રેસ આયોજિત જળઅધિકાર યાત્રાને જોઇએ તેવો પ્રતિસાદ મળતાં કોંગ્રેસી આગેવાનો ચિંતાતુર બન્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાલમાં અછતની પરિસ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા વિસ્તારમાં પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાથી સ્થાનિક લોકોની સ્થિતિ વિકટ બની છે. લોકોની પાણી સમસ્યાને વાચા આપવા અને સિંચાઈના કાયદાના વિરોધમાં લોકોમાં જનજાગૃતિ લાવવા માટે  કોંગ્રેસ દ્વારા દ્વારકાથી અંબાજી સુધીની જળઅધિકારયાત્રા યોજવામાં આવી રહી છે. સમયે સૌરાષ્ટ્રમાં અછતની પરિસ્થિતિ અને ગરમીનું પ્રમાણ વધતું જતું હોવાથી કોંગ્રેસની જળઅધિકારયાત્રામાં જોઈએ તેવી સંખ્યામાં લોકો એકઠા થતા નથી, જેના લીધે કોંગ્રેસી આગેવાનો ચિંતાતુર બન્યા છે.

  ---------------------------------------------------------------------

  મ્યુનિ. કોંગ્રેસના નેતાપદનું કોકડું ઉકેલાતું નથી

  અમદાવાદ, સોમવાર - કોંગ્રેસ પક્ષ પછી તે ગુજરાત કોંગ્રેસ હોય, શહેર કોંગ્રેસ હોય કે પછી મ્યુનિસિપલ કોંગ્રેસ હોય પણ આંતરિક જૂથવાદને પગલે પક્ષમાં શિસ્ત, અનુશાસન જેવું રહ્યું નથી. કોંગ્રેસની મોટામાં મોટી કરમની કઠણાઈ કાર્યકરો ઓછા અને નેતા વધારેની છે. હવે મ્યુનિ. કોંગ્રેસની વાત કરીએ તો મ્યુનિ. કોંગ્રેસના નેતા બનવા માટે અડધો ડઝનન મુરતિયા થનગની રહ્યા છે. પરિણામે નેતાપદનું કોકડું ઉકેલાતું નથી.

  ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયા કે શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહ કે પછી મ્યુનિ. વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ ત્રણે નેતાઓ વચ્ચેની એક સામાન્ય લાક્ષણિકતા શું છે? તો ત્રણે નેતાઓને સત્તા છોડવી નથી! ગુજરાત કોંગ્રેસમાં પણ પ્રમુખપદનો કલેશ ચરમસીમાએ છે. અત્યારે તો પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત પર વિશેષ ધ્યાન આપ્યું હોઈ અન્ય મહત્ત્વાકાંક્ષી નેતાઓ બહારથી શાંત છે. પરંતુ અંદરખાનેથી ઉકળતો ચરુ છે. તેવી રીતે શહેર પ્રમુખની સત્તા માટેના ખુરશી યુદ્ધનું છે. પંકજ શાહથી નારાજ ગ્રુપ વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને પ્રમુખસ્થાનેથી ઉથલાવી દેવા પ્રયત્નશીલ હતા, પરંતુ પંકજ શાહ પક્ષના દમદાર નેતા નરહરિ અમીનની છત્રછાયાના કારણે તે વખતે બચી ગયા હતા. હવે તો નરહરિ અમીન હોઈ તેમનું પ્રમુખપદ જોમમમાં મુકાયું છે.

  ...તો મ્યુનિ. કોંગ્રેસમાં નેતા પદ માટેની માંહે માંહેની યાદવાસ્થળીનો પાર નથી. હાલના નેતા બદરુદ્દીન શેખને ઓક્ટોબર, ર૦૧પની કોર્પોરેશનની આગામી ચૂંટણી સુધી નેતાપદે આસીન રહેવાના ઓરતા જાગ્યા છે. તેમને જેમ તેમ કરીને બાકીના અઢી વર્ષ કાઢવામાં રસ છે. હિંમતસિંહ પટેલ, શૈલેશ પરમારને પણ બદરૃદ્દીન શેખ ચાલુ છે તેમાં રસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ બદરુદ્દીન શેખ તો જાહેરમાં હાઇ કમાન્ડ કહે તે ક્ષણેથી નેતાપદ છોડી દેવાની તૈયારી દર્શાવી છે.

  જોકે બદરુદ્દીન શેખ માટે નેતાપદ ફરીથી મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. કેમકે હરીફોનો પાર નથી. તૌફિકખાન પઠાણ અને લિયાકત ઘોરી જેવા મ્યુનિ. કોંગ્રેસના સિનિયર નેતાઓ કહે છે, હવે અમને મૂકો. હરીફોની દમદાર પડકાર ઉપરાંત પંકજ શાહ, નારણ પટેલને નેતા બનાવવા આકાશપાતાળ એક કરી રહ્યા છે તો સુરેન્દ્ર બક્ષી અને વિનોદ મોદીની પણ નેતાપદ માટેની દાવેદારી ઊભી છે. મંગળ સૂરજકર પણ નેતા બનવાનો ખ્વાબ સેવી રહ્યા છે. મ્યુનિ. કોંગ્રેસ સાબિર કાબલીવાલા ગ્રૂપના બળવાખોરોથી પરેશાન છે, બીજી તરફ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ નેતાપદનો નિર્ણય લેવાનો હોઈ પ્રદેશ હાઇ કમાન્ડ પણ દ્વિધામાં છે. પરિણામે નેતાપદનું કોકડું ગૂંચવાયેલું પડ્યું છે, ઝટ ઉકેલાય તેમ લાગતું નથી.

  ---------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License