• 07-02-13

--------------------------------------
 
 
 • અમદાવાદની ૧૪ હોટલ અને રેસ્ટોરાંના નમૂના લેવાયા

  લક્ષ્મી ગાંઠિયા રથ (નારણપુરા), ઈવનિંગ પોસ્ટ, રેસ્ટોરાં-મહેમાન રેસ્ટોરાં (શાસ્ત્રીનગર), વન-૧૦ રેસ્ટોરાં (સતાધાર ચાર રસ્તા), કાકાની ભાજીપાંઉ(અર્બુદાનગર) પર મ્યુનિ. આરોગ્ય વિભાગ ત્રાટક્યો

  ૧૪ દિવસમાં રિપોર્ટ આવશેઃ આરોગ્ય વિભાગના વડા ડો. કુલકર્ણી

  અમદાવાદઃ મ્યુનિ. કોર્પો.ના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી વ્યાપક ભેળસેળને ડામવા હાથ ધરાયેલી સઘન ઝુંબેશ હેઠળ ગઈ કાલે શહેરની વિભિન્ન વિસ્તારોમાં આવેલી ૧૪ હોટેલ- રેસ્ટોરાંમાંથી ખાદ્યપદાર્થોના નમૂનાં લેવાતા ભેળસેળને ઉત્તેજન આપનારા લેભાગુ તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ  ગયો હતો.

  તાજેતરમાં શહેરની કેટલીક ડેરીઓમાં ત્રાટકીને મ્યુનિ. આરોગ્ય વિભાગે દૂધના નમૂના લઈને તેને મ્યુનિ. લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાવ્યા હતા તો ગઈ કાલે મ્યુનિ. આરોગ્ય વિભાગ શહેરભરની ૧૪ હોટલ-રેસ્ટોરાંમાં ત્રાટક્યો હતો.

  કઈ કઈ હોટેલ અને રેસ્ટોરાં?

  નામ વિસ્તાર

  વન ટેન રેસ્ટોરાં

  સતાધાર ચાર રસ્તા

  મહેમાન રેસ્ટોરાં

  શાસ્ત્રીનગર, બીઆરટીએસ બસસ્ટેન્ડ સામે

  ઈવનિંગ પોસ્ટ 

  શાસ્ત્રીનગર, બીઆરટીએસ બસસ્ટેન્ડ સામે

  લક્ષ્મી ગાંઠિયા રથ

  નારણપુરા

  રાજકમલ

  શાહીબાગ

  કાકાની ભાજીપાંઉ

  અર્બુદાનગર

  ડીનર નોક

  અમરાઈવાડી

  હોટલ ભાગ્યોદય

  ઓઢવ

  આમંત્રણ રેસ્ટોરાં   

  બાપુનગર

  જ્યોતિ રેસ્ટોરાં

  નાના ચિલોડા

   

  નવા પશ્ચિમ ઝોનમાં સતાધાર ચાર રસ્તા પાસે આવેલી વન ટેન રેસ્ટોરાં તો પશ્ચિમ ઝોનમાં નારણપુરામાં આવેલું લક્ષ્મી ગાંઠિયા રથ તો શાસ્ત્રીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી ઈવનિંગ પોસ્ટ રેસ્ટોરાં તેમજ મહેમાન રેસ્ટોરાં પર આરોગ્ય વિભાગ ત્રાટક્યો હતો. આ તમામ રેસ્ટોરાંમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લઈને તેને લેબોરેટરીમાં તપાસાર્થે મોકલી દેવાયા હતા. જ્યારે પૂર્વ ઝોનમાં અર્બુદાનગરમાં આવેલા કાકાની ભાજીપાંઉ એન્ડ ફાસ્ટફૂડ રેસ્ટોરાં, બાપુનગર હીરાવાડીમાં આવેલી આમંત્રણ રેસ્ટોરાં, ઓઢવમાં આવેલી હોટલ ભાગ્યોદય, અમરાઈવાડીમાં આવેલી ડિનર નોક રેસ્ટોરાં અને નાના ચિલોડામાં આવેલી જ્યોતિ રેસ્ટોરાંમાં પણ ત્રાટકીને આરોગ્ય વિભાગના ફૂડ ઈન્સ્પેક્ટરોએ વિભિન્ન ખાદ્યપદાર્થોના નમૂના તપાસાર્થે લીધા હતા. આ ઉપરાંત મધ્ય ઝોનમાં શાહીબાગ કેમ્પ રોડ પર આવેલી રાજકમલ રેસ્ટોરાંમાંથી પણ નમૂના લેવાયા હતા.

  આ અંગે મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. એસ.પી. કુરકર્ણી 'મેટ્રો' સાથેની વાતચીતમાં કહે છે કે ગઈ કાલે આ તમામ ૧૪ હોટલો-રેસ્ટોરાંમાંથી વિભિન્ન ખાદ્યપદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હોઈ ત્યાંથી ૧૪ દિવસમાં રિપોર્ટમાં આવી જશે. રિપોર્ટના આધારે કોઈ હોટલ કે રોસ્ટોરાં ભેળસેળના મામલે કસૂરવાર ઠરશે તો કોર્પોરેશન કડક કાર્યવાહી હાથ ધરશે.

  -----------------------------------------------------------------------

  પત્ની અને ભાઈના ત્રાસને પગલે આધેડે અગનપિછોડી ઓઢી

  "સાહેબ, મારા ભાઈને ફાંસી આપી દેજો...!"

  સારવાર દરમિયાન આધેડનું મોત નીપજતાં પોલીસે ગુનો દાખલ કરી પત્નીની ધરપકડ કરી, આધેડનો ભાઈ ફરાર

  અમદાવાદ, બુધવાર - ઘાટલોડિયા વિસ્તારના સોલારોડ પર આવેલા શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા આઘેડે ડાઈંગ ડેક્લેરેશનમાં સાહેબ, મારા ભાઈને ફાંસી આપી દેજો, મારી પત્ની અને ભાઈને ત્રાસને કારણે મેં શરીર પર કેરોસીન છાંટી આગ ચાંપી છે. આધેડનું સારવાર દરમિયાન મોત નીપજતાં ઘાટલોડિયા પોલીસે મૃતકની પત્ની અને ભાઈ સામે ગુનો દાખલ કર્યો હતો.

  ઘટનાને પગલે મૃતકનો ભાઈ ફરાર થઈ ગયો હતો પરંતુ તેની પત્નીને પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ પત્નીને ભાઈ સાથે વાત કરતા જોઈને આધેડે બંનેને ઠપકો આપ્યો હતો. આ મુદ્દે ઉશ્કેરાયેલી પત્નીએ દિયર સાથે મળીને પતિને ધોકાથી મારમાર્યો હતો. ગંભીર ઇજાઓને પગલે મનમાં લાગી આવતાં આધેડે શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. સારવાર દરમિયાન આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

  પ્રાપ્ત વિગત મુજબ ઘાટલોડિયાના શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ રાજસ્થાનના કનૈયાલાલ દિપચંદભાઈ સોની (ઉં.વ. ૪૨) ખાનગી પેઢીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કનૈયાલાલની પત્ની નિર્મલા  ગત તા.૨ના રોજ તેના દિયર વિનોદ સાથે બેસીને વાતચીત કરી રહી હતી. આ બાબતે કનૈયાલાલે પત્ની અને ભાઈને ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલી પત્ની નિર્મલા અને ભાઈ વિનોદે કનૈયાલાલને ધોકા વડે મારમારી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

  ઉગ્ર બનેલા ઝઘડાને પગલે પત્ની સાથે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા કનૈયાલાલે શરીર પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. ઈજાગ્રસ્ત કનૈયાલાલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કનૈયાલાલનું ગત તા.૪ના રોજ મોત નિપજયું હતું. પોલીસ તપાસમાં કનૈયાલાલે ડાઈંગ ડેક્લેરેશનમાં જણાવ્યું હતું કે, " સાહેબ મારા ભાઈ વિનોદને ફાંસી આપી દે જો, મારી પત્ની નિર્મલા અને ભાઈ વિનોદના ત્રાસને કારણે મેં આ પગલું ભર્યું છે."  ડાઈગ ડેક્લેરેશન બાદ કનૈયાલાલનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પોલીસે કનૈયાલાલના નિવેદનને પગલે તેની પત્ની નિર્મલા અને સગા ભાઈ વિનોદ દીપચંદ સોની વિરુદ્ધ  આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો દાખલ કર્યો હતો.

  ઘાટલોડિયા પોલીસે કનૈયાલાલની પત્ની નિર્મલા સોનીની ગઈ કાલે રાત્રે ધરપકડ કરી લીધી હતી. કનૈયાલાલનો ભાઈ વિનોદ ફરાર થઈ ગયો હતો. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે.ગોંડલિયાએ જણાવ્યું હતું કે, " કનૈયાલાલે ડીડીમાં મારા ભાઈ વિનોદને ફાંસી આપી દેજો તેમ જણાવી પત્ની નિર્મલા અને ભાઈ વિનોદના ત્રાસને કારણે આ પગલું ભર્યાનું જણાવ્યું હતું. જેના આધારે બંને સામે ગુનો દાખલ કરી અમે નિર્મલાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે."

  -----------------------------------------------------------------------

  અમદાવાદમાં હાઈટેક CCTV લાગતાં હજુ માસ લાગશે

  અમદાવાદઃ તાજેતરમાં સુરત શહેરને હાઈટેક સીસીટીવી કેમેરાથી સજ્જ કરનાર ગુજરાતની કંપનીના નિષ્ણાંતોના મતે અમદાવાદને પ્રકારના નેટવર્કથી જોડતા હજુ માસ જેટલો સમય લાગશે. સુરત બાદ રાજ્યમાં અમદાવાદ સહિત દસ જેટલા શહેરોમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

  સુરત ખાતે તાજેતરમાં સેફ સિટી સુરત પ્રોજેક્ટનુ મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની નેટવર્કિંગ ક્ષેત્રે અગ્રણી કંપનીએ સુરતમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવ્યા છે. કંપનીના નિષ્ણાંતોએ અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે , સુરત બાદ હવે અમદાવાદમાં પણ પ્રકારના હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જે માટે કંપની હાલ શહેર પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરના સંપર્કમાં છે. કંપનીના નિષ્ણાંતોએ જણાવ્યુ કે, હાલ અમદાવાદમાં પ્રોજેક્ટનો અમલ કરવા માટે સર્વે ચાલી રહ્યો છે. કેટલાક સ્થળે સીસીટીવી કેમેરા લગાવી પણ દેવાયા છે, પરંતુ મોટા ભાગના સ્થળોએ નેટવર્ક માટે હાલના તબક્કે સમસ્યા સર્જાઈ છે. માટે અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિ કારણભૂત છે. સીસીટીવી કેમેરાના નેટવર્ક માટે શહેરમાં ઠેર-ઠેર ઓપ્ટિકલ ફાઈબર કેબલ નેટવર્ક પાથરવુ પડે અને અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કેબલ પાથરવામાં આવે તો તેની કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જાઈ શકે તેમ છે. તેથી યોગ્ય ઉકેલ માટે હાલ કંપની સર્વે કરી રહી છે. આગામી માસમાં અમદાવાદમાં નેટવર્ક લગાવી દેવાની સંભાવના કંપનીના નિષ્ણાંતોએ વ્યક્ત કરી હતી.

  સુરત અને અમદાવાદ બાદ ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભરૃચ, પાનોલી, કીમ, વાપી-સેલવાસ, દમણ-દાદરાનગર સહિત દસ જેટલા શહેરમાં પણ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવા સર્વે ચાલી રહ્યો હોવાનુ નિષ્ણાંતોએ જણાવ્યુ હતુ. શહેરો ઉપરાંત જીઆઈડીસી અને સેઝ એરિયામાં પણ હાલ આધુનિક નેટવર્ક પાથરવા સર્વે ચાલી રહ્યો છે.

  -----------------------------------------------------------------------

   

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License