16-02-13

------------------

-----------------

 

 • આજથી 'મર્ડર-૩' અને 'જયંતભાઈ કી લવસ્ટોરી' વચ્ચે ટક્કર

  ભટ્ટ કેમ્પની ગુણવત્તા તળિયે પહોંચી ગઈ છે. આ વાત બીજા કોઈના મોઢેથી સંભળાઈ હોત તો કદાચ 'ગ્લેમર'ના ચબરાક જાસૂસો ગણતરીમાં ન લેત, પણ આ વાત ખુદ મહેશ ભટ્ટે જ કહી હતી, જેથી આ વાત મોટી બની જાય છે.

  મહેશ ભટ્ટના ભત્રીજા અને મૂકેશ ભટ્ટના પુત્ર વિશેષ ભટ્ટે એક વખત મહેશ ભટ્ટ પાસે આવીને કહ્યું કે હવે ભટ્ટ કેમ્પની ફિલ્મોની ગુણવત્તા ઘટી ગઈ છે. પહેલાં તો મહેશ ભટ્ટને પોતાના કાન પર ભરોસો ન થયો, કેમ કે ભટ્ટ કેમ્પની દરેક ફિલ્મની સ્ટોરી અને પટકથા મહેશ ભટ્ટના સ્કેનિંગમાંથી જ પસાર થતી હોય છે.

  એ પછી વિશેષ ભટ્ટે આત્મવિશ્વાસ દર્શાવતાં કહ્યું કે તે 'મર્ડર-૩' નિર્દેશિત કરવા માગે છે અને સાબિત કરવા માગે છે કે સારી ફિલ્મ કેવી રીતે બની શકે. આ સાંભળીને કાકા મહેશ ભટ્ટની છાતી ગજ ગજ ફૂલવા લાગી. હવે મહેશ ભટ્ટ કહે છે કે વિશેષે એક સારી ફિલ્મ બનાવી છે અને લોકોને તે જરૃરથી પસંદ પડશે.

  'ગ્લેમર'ના સુજ્ઞ વાચકોને માલૂમ થાય કે આજથી વિશેષ ભટ્ટ નિર્દેશિત 'મર્ડર-૩' રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં રણદીપ હુડા, અદિતિ રાવ હૈદરી, મોનાલિસા અને પાકિસ્તાની હીરોઇન સારા લોરેન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મલ્ટિસેક્સ રિલેશનશિપના બોલ્ડ વિષયની વાત કરવામાં આવી છે. ભટ્ટ કેમ્પ માટે બોલ્ડ સબ્જેક્ટ એ કોઈ નવી વસ્તુ નથી. ભટ્ટ કેમ્પની ફિલ્મો માટે તો ગર્વથી અને છાતી ઠોકીને '' સર્ટિફિકેટ માગવામાં આવતું હોય છે. મહેશ ભટ્ટ 'વટ કે સાથ' જાહેરાત કરી ચૂક્યા છે કે 'મર્ડર-૩' બોલિવૂડની બોલ્ડ ફિલ્મો પૈકીની એક હશે. આ બાજુ ફિલ્મની તારિકા અદિતિ રાવ હૈદરીનું કહેવું છે કે આ ફિલ્મ માત્ર જાતીય સંબંધો પર જ આધારિત નથી, પણ તે સમાજના એક કડવા સત્યને લોકોની સામે લાવશે.

  આજે 'મર્ડર-૩'ની સાથોસાથ વિન્ની માર્કન નિર્દેશિત 'જયંતભાઈ કી લવસ્ટોરી' પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય અને નેહા શર્મા કામ કરી રહ્યાં છે. વિશેષ અને વિન્ની બંનેની પહેલી ફિલ્મો જ આજે રજૂ થઈ છે. વિશેષ ફિલ્મ્સે 'મર્ડર-૩' પર રૃ. ૯ કરોડનું આંધણ કર્યું છે તો 'જયંતભાઈ કી લવસ્ટોરી' માત્ર રૃ. છ કરોડમાં જ પૂરી થઈ છે. 'મર્ડર-૩' એક રોમાન્સ થ્રિલર છે તો 'જયંતભાઈ કી લવસ્ટોરી' એક રોમેન્ટિક કોમેડી છે. 'મર્ડર-૩' ,૪૦૦ સ્ક્રીન પર રજૂ થઈ છે જ્યારે 'જયંતભાઈ..' માત્ર ૧,૦૦૦ સ્ક્રીન પર જ દેખાશે. 'મર્ડર-૩' ૨૦૦૪માં આવેલી 'મર્ડર' ફિલ્મની સિરીઝની ત્રીજી ફિલ્મ છે. ભટ્ટ કેમ્પની પરંપરાની વિરુદ્ધ આ ફિલ્મને 'યુએ' સર્ટિફિકેટ મળ્યું છે. જ્યારે 'જયંતભાઈ કી લવસ્ટોરી'ને '' સર્ટિફિકેટ મળવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી.

  -----------------------------------------------------------------------

  કરીનાએ અજય દેવગણનો ઇન્ટરવ્યૂ લીધો!

  કરીના કપૂરે તાજેતરમાં જ અજય દેવગણનો ઇન્ટરવ્યૂ લીધો છે. આખી વાત કંઈક એવી છે કે અત્યારે ભોપાલ નજીકના ચીકલોદમાં પ્રકાશ ઝાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'સત્યાગ્રહ'નું શૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં કરીના કપૂર એક અંગ્રેજી માધ્યમની પત્રકારનો રોલ કરી રહી છે અને અજય દેવગણ એક ચળવળકારની ભૂમિકા ભજવે છે. ફિલ્મના એક દૃશ્યમાં કરીનાને અજય દેવગણનો ઇન્ટરવ્યૂ લેતી બતાવવામાં આવી છે.

  ચીકલોદમાં 'સત્યાગ્રહ'ના પહેલા દૃશ્યનું શૂટિંગ કરાયું હતું, જેમાં પત્રકાર બનેલી બેબો એક પુલ નીચે આવેલી ચાની રંેકડી પર અજય દેવગણનો ઇન્ટરવ્યૂ કરે છે. કરીના અને અજયને જોવા માટે આસપાસનાં ગામમાંથી હજારોની સંખ્યામાં લોકો ચીકલોદમાં ઊમટી પડ્યા હતા. ફિલ્મના સેટની ફરતે જાણે માનવસાગર હિલોળા લઈ રહ્યો હતો, જોકે પ્રકાશ ઝાના માણસોએ જ્યાં શૂટિંગ ચાલતું હતું એ ચાની રેંકડીને ચારે બાજુએથી ઘેરી રાખી હતી, જેથી શૂટિંગમાં કોઈ ખલેલ ન પડે.

  આ ફિલ્મ અણ્ણા હજારેના જનઆંદોલન પર આધારિત છે. ફિલ્મમાં અજય દેવગણ અરવિંદ કેજરીવાલને મળતું આવતું એક કિરદાર ભજવી રહ્યો છે, જ્યારે અમિતાભ બચ્ચન ફિલ્મમાં લોકનાયકની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. કરીના એક અંગ્રેજી માધ્યમની પત્રકારના રોલમાં છે. આ ફિલ્મમાં કરીના સીએનએન ચેનલની ચીફ ઇન્ટરનેશનલ કોરસપોન્ડન્ટ ક્રિસ્ટિએન એમનપોરની જેવા જ ગેટઅપમાં જોવા મળી રહી છે. આ સિવાય પ્રકાશ ઝાની ફિલ્મના નિયમિત કલાકારો-અર્જુન રામપાલ અને મનોજ વાજપેયી રાજકારણીઓની ભૂમિકામાં તો ખરા જ.

  હજુ થોડા સમય પહેલાં જ પ્રકાશ ઝાએ હજારો લોકોની ભીડ સાથે જનજુવાળનાં દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું. આ દૃશ્યમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. 'ગ્લેમર'નાં સૂત્રો જણાવે છે કે અર્જુન રામપાલ પણ હવે 'સત્યાગ્રહ'ના શૂટિંગ માટે આવી પહોંચ્યો છે. શર્મિલા ટાગોર અને શબાના આઝમી પણ અત્યારે જુદા જુદા સમારોહમાં ભાગ લેવા માટે ભોપાલમાં જ ઉપસ્થિત છે. વાહ, મધ્ય પ્રદેશ બોલિવૂડના કલાકારોનું પ્રિય રાજ્ય બની ગયું લાગે છે.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License