14-02-13

------------------

-----------------

 

 • 'હિંમતવાલા'ના પ્રચારમાંથી તમન્નાહ બાકાત કેમ?

  નિર્દેશક સાજિદ ખાનની 'હિંમતવાલા'નો ઓનલાઇન પ્રચાર શરૃ થઈ ચૂક્યો છે. ઉનાળાના પ્રારંભમાં ફિલ્મ રિલીઝ થાય તે પૂર્વે ફિલ્મના કલાકારોએ જુદી જુદી જગ્યાએ પ્રચાર શરૃ કરી દીધો છે, પણ ફિલ્મની હીરોઇન તમન્નાહ ક્યાંય નજરે પડતી નથી.

  જોકે સાજિદનો એવો દાવો છે કે એક સમજી-વિચારીને ઘડાયેલી રણનીતિના ભાગરૃપે જ તમન્નાહને ફિલ્મના પ્રમોશનથી દૂર રખાઈ છે. 'ગ્લેમર'ના સમજુ વાચકોને યાદ હશે કે 'દબંગ-૨'ના પ્રચારમાં કશે સોનાક્ષી સિંહા દેખાઈ જ નહોતી. પ્રચારની આ જ ફોર્મ્યુલા 'હિંમતવાલા' માટે પણ અપનાવાઈ હોય એવું લાગે છે.

  "અમારું માનવું છે કે એક નવા ચહેરાને જ્યારે તમે પહેલી જ વખત રૃપેરી પરદે જુઓ ત્યારે એક જુદો જ અનુભવ થાય છે. આથી ફિલ્મની રિલીઝ પૂર્વે તમન્નાહ માધ્યમો સમક્ષ જેટલી ઓછી આવે એટલું ફિલ્મ માટે જ સારું છે" એવું સાજિદ જણાવે છે.

  'હિંમતવાલા' સંપૂર્ણપણે અજય દેવગણની જ ફિલ્મ છે, પણ 'ગ્લેમર'ને એવું લાગે છે કે 'હિંમતવાલા' જેવી મોટી ફિલ્મ સાથે બોલિવૂડમાં મોટો બ્રેક મેળવવાની તમન્ના ધરાવતી તમન્નાહને પણ પ્રમોશનમાં મીડિયા સમક્ષ આવીને પોતાના પ્રમોશનનો ચાન્સ મળવો જોઈએ. 

  -----------------------------------------------------------------------

  મને કોમેડી ફિલ્મ કરવી ગમશેઃ રણદીપ

  રણદીપ હુડા ખૂબ સારી રમૂજવૃત્તિ ધરાવે છે, પરંતુ તેને પોતાની ઇમેજની હાસ્યસભર બાજુને રૃપેરી પરદે દર્શાવવાનો મોકો મળ્યો નથી. અત્યાર સુધીમાં બિચારા રણદીપને બધા ગંભીર રોલ જ મળ્યા છે. હવે રણદીપ કોમેડી પર હાથ અજમાવવા સજ્જ બન્યો છે. રણદીપે 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' અને 'સાહેબ બીવી ઔર ગેંગસ્ટર' જેવી ફિલ્મો દ્વારા પોતાની એક અલગ ગંભીર ઇમેજ બનાવી છે. ''લોકોનું કહેવું છે કે મારી રમૂજવૃત્તિ ઘણી સરસ છે, જે અત્યાર સુધી સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી. હું હવે ટૂંક સમયમાં જ કોમેડીમાં ચાન્સ લઈશ'' એવું રણદીપે જણાવ્યું હતું.

  રણદીપ ૨૦૦૧માં આવેલી મીરાં નાયરની 'મોન્સૂન વેડિંગ'થી બોલિવૂડમાં પ્રવેશ્યો હતો. બાદમાં તે મિલન લુથરિયાની ૨૦૧૦માં આવેલ 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ'થી લોકોના ધ્યાનમાં આવ્યો હતો. અત્યાર સુધીમાં રણદીપ 'જન્નત-૨', 'કોકટેલ', 'જિસ્મ' અને 'હીરોઇન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. હવે ટૂંક સમયમાં જ રણદીપ 'જન્નત-૩'માં નકારાત્મક ભૂમિકામાં નજરે પડશે.

  -----------------------------------------------------------------------

  નવાઝુદ્દીન અને પ્રશાંત આઇટમ સોંગ્સ પર પ્રતિબંધની તરફેણમાં

  ટીવી પર પ્રસારિત થનારાં આઇટમ સોંગ્સના કન્ટેન્ટ પ્રત્યે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ના આકરા વલણને અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી અને પ્રશાંત નારાયણને ટેકો આપ્યો છે.

  આ બંને કલાકારોનું માનવું છે કે ગલગલિયાં કરાવતાં આઇટમ સોંગ્સ બાળકોનું માનસ બગાડી શકે છે. આઇટમ સોંગ્સ પર પ્રતિબંધ મુકાય તો તેનાથી ફિલ્મને કોઈ ઝાઝું નુકસાન થતું નથી.

  'ભિંડી બજાર' અને 'મર્ડર-૨' જેવી બોલ્ડ વિષય ધરાવતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો પ્રશાંત કહે છે કે આઇટમ સોંગ પર પ્રતિબંધ લાગવો જ જોઈએ. નવાઝુદ્દીનનું માનવું છે કે આ પ્રકારનાં ગીતો બાળકો પર નકારાત્મક અસર કરે છે અને તેથી સીબીએફસી દ્વારા લેવાયેલું પગલું સલામતીભર્યું છે.

  દિલ્હી ગેંગ રેપની ઘટના બાદ સીબીએફસીએ આઇટમ સોંગ્સ અને આ પ્રકારના અન્ય વીડિયો માટેનાં પોતાનાં ધારાધોરણો વધુ આકરાં બનાવવાનો નિર્ણય કર્યો છે.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License