16-02-13

-----------------
 
 

---------------------

 

 • જેલ તંત્રની શંકાસ્પદ કામગીરી બાદ જનતાને સરકારની નિષ્પક્ષ કામગીરી બતાવવી જરૃરી

  અમદાવાદઃ રાજ્યની સરકાર અને પોલીસતંત્રમાં ખળભળાટ મચાવી દેનાર સાબરમતી જેલમાં બનાવવામાં આવેલી સુરંગના મુદ્દે એક તરફ ઉચ્ચ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીની તલવાર તોળાઈ રહી છે ત્યારે આતંકવાદીઓએ રચેલા સુરંગના ષડ્યંત્રની તપાસમાં એનઆઈએ સામેલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

  સાબરમતી મધ્યસ્થ જેલમાં કરવામાં આવેલી સુરંગની કોશિશને પગલે જેલતંત્ર ઊંઘતું ઝડપાયું છે ત્યારે બીજી તરફ સુરંગની જાણ જેલ પોલીસને અઠવાડિયા અગાઉ થઈ ગઈ હોવા છતાં પણ પુરાવાઓ સગેવગે કર્યા બાદ ઘટસ્ફોટ કર્યો હોવાના પોલીસ પર આક્ષેપો થયા છે. જેને પગલે હાલ જેલ વિભાગના આઈ.જી. પી. સી. ઠાકુર, ડીઆઈજી અમિત વિશ્વકર્મા અને જેલ સુપરિટેન્ડેન્ટ આર.જી. પારઘી સામે રાજ્ય સરકારની શિક્ષાત્મક કાર્યવાહીનું કાઉન્ટ-ડાઉન શરૃ થઈ ગયું છે.

  જેલમાંથી મળેલી સુરંગની ઘટનાને છુપાવવાની કોશિશની વાતથી પોલીસની કામગીરી પર શંકાઓ સેવાઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનેલા જેલ સુરંગના ષડ્યંત્રનો પર્દાફાશ કરવા એનઆઈએની ટીમ તપાસ કાર્યવાહી હાથ ધરશે તેવી ચર્ચાઓ પોલીસબેડામાં ચાલી રહી છે. સાથે સાથે સેન્ટ્રલ આઈ.બી.ના અધિકારીઓએ સુરંગ પ્રકરણમાં હકીકત પરથી પડદો ઉઠાવવા ગુપ્ત કાર્યવાહી હાથ ધરી છે.

  જેલ પોલીસની જડબેસલાક સુરક્ષા બાદ પણ બોમ્બબ્લાસ્ટના આતંકીઓ દ્વારા ૨૬ ફૂટ લાંબી સુરંગ બનાવી દેવામાં આવી અને પોલીસ ઊંઘતી ઝડપાઈ તે બાબતથી નારાજ રાજ્ય સરકારે માગેલો પ્રાથમિક રિપોર્ટ ૪૮ કલાક પૂર્ણ થતા આજે સાંજે સુપરરત કરવામાં આવશે

  અને ત્યાર બાદ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ બેદરકાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવું ટોચના સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે.

  આજે સુરંગના ષડ્યંત્રનો રિપોર્ટ સુપરત થવાનો હોઈ રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ. કે. નંદા રજા પરથી તાત્કાલિક પરત આવી ગયા છે. જેઓ સાંજે સુપરત થનારા પ્રાથમિક તપાસના અહેવાલને આધારે કાર્યવાહી હાથ ધરશે.

  ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સાબરમતી જેલમાં બનેલા જાસૂસી પ્રકરણની તપાસ જે તે સમયે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સીબીઆઈને સોંપવી પડી હતી. જેથી જેલમાં મળેલી સુરંગના ષડ્યંત્રની તપાસ પણ સીબીઆઈને સોંપવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જ્યારે બીજી તરફ એન.આઈ.એ. સુરંગ ષડ્યંત્રના મૂળ સુધી પહોંચવા સક્રિય થાય તેવા અહેવાલો ટોચના સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યા છે.

  જેલમાં સુરંગની જાણ અઠવાડિયા બાદ કરાયાની ચર્ચા પછી જનતા પોલીસની ભૂમિકા પર શંકા સેવી રહી છે ત્યારે સરકારે નિષ્પક્ષ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડી જનતાનો ભરોસો જીતવા સીબીઆઈને તપાસમાં સામેલ કરે તેવો માહોલ સર્જાઈ રહ્યો છે.

  આજે સુપરત થનારા પ્રાથમિક અહેવાલ અને રાજ્ય સરકારની લાઈન ઓફ એકશનના મુદ્દે પૂછતા રાજ્યના ગૃહ સચિવ એમ. ડી. અંતાણીએ જણાવ્યું છે કે, ''આજ સાંજ સુધીમાં સુરંગના ષડ્યંત્ર અંગેનો પ્રાથમિક અહેવાલ સુપરત થશે. બાદમાં તેનો અભ્યાસ કર્યા પછી બેજવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવશે.''

  -----------------------------------------------------------------------

  માસ્ટર પ્લાન સફદર નાગોરીના ભેજાની ઉપજ હોવા અંગે તપાસ

  સિરિયલ બ્લાસ્ટના આરોપી જેલના દવાખાના પાસ મળતા હતા

  સાબરમતી સેન્ટ્રલ જેલના છોટા ચક્કચર યાર્ડમાં આફટર બેરેકની પાછળ ખોદવામાં આળેલી સુરંગ ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકી સફદર નાગોરીના ભેજાની ઉપજ હોવાનું શંકાને પગલે તપાસ શરૃ થઈ છે. સુરંગ ખોદનાર આતંકીઓને પ્લાન અને તેને પાર પાડવા માટે સાધન સામગ્રી પૂરી પાડવા પાછળ દોરીસંચાર સફદર નાગોરીનો હોવાનું ક્રાઈમ બ્રાંચ માને છે. સફદર નાગોરીએ સિમીમાંથી છૂટા પડી આંતકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની રચના કરી હોવાથી તે આતંકીઓનો લીડર કહેવાય છે. તેની જાણ બહાર જેલમાંથી કોઈ પણ કાવતરું આતંકીઓ પાર પાડે તે વાત માન્યામાં આવે તેમ નથી તેવું ક્રાઈમ બ્રાંચનું માનવું છે.

  અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ અગાઉ ત્રાસવાદીઓ કેમ્પો યોજનાર સફદર નાગોરીએ આગ ઝરતાં ભાષણો કરીને મુસ્લિમ યુવકોને બ્લાસ્ટ કરવા માટે તૈયાર કર્યા હતા. સફદર નાગોરીએ સિમીથી છૂટા પડીને ઇન્ડિયન મુજાહિદ્દીનની રચના કરી હતી. સિમી સંગઠનના વડાએ લડત ઉગ્ર અને હુમલા કરીને લડવાની ના પાડતા સીમી બે જૂથમાં વહેચાઈ ગઈ હતી.

  આ બે જૂથમાં હુમલા કરી લડત લડવા માંગતા જૂથનો વડો સફદર નાગોરી હતો. સફદર નાગોરીએ ગુજરાતના હાલોલ તેમજ કેરળના વાઘમોન જંગલોમાં કેમ્પો યોજ્યા તે પહેલા ઇન્ડિયન મુજાહિદ્દીનની રચના કરી હતી. ઇન્ડિયન મુજાહિદ્દીનમાં હુમલા કરી લડત લડવા માંગતુ સિમીનું જૂથ ભળી ગયું હતું.

  તે પછી સફદર નાગોરીએ ઠેર ઠેર આતંકી કેમ્પ યોજ્યા જેમાં મુસ્લિમ યુવકોને આગ ઝરતાં ભાષણો કરી ઉશ્કેરયા બાદમાં તેઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. સીમીમાંથી છુટા પડી ઇન્ડિયન મુજાહિદ્દીનની રચના પાછળ સફદર નાગોરીનો હાથ હોવાને પગલે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તે આતંકીઓનો વડો હોવાનું માની રહ્યા છે. તેની જાણ બહાર આ પ્રકારનું કૃત્ય અન્ય લોકો આચરે તે વાત માનવામાં આવે તેવી નથી. જેલ સૂત્રોના જણાવ્યા મુજબ સફદર નાગોરીને સિરિયલ બ્લાસ્ટના આરોપી જેલના દવાખાના પાસે અવારનવાર મળતા હતા. તેઓ ઘનિષ્ઠ ચર્ચા કરે રાખતા હતા, આ તમામ માહિતીને પગલે ક્રાઈમ બ્રાંચ સુરંગકાંડનો માસ્ટર પ્લાન સફદર નાગોરીના ભેજાની ઉપજ હોવાનું માની રહી છે તે અંગે તેઓએ તપાસ શરુ કરી છે.

  -----------------------------------------------------------------------

  રાજ્યપાલે પણ જેલમાં સુરંગકાંડની વિગતો મેળવી

  સુરંગની ઘટના બાદ રાજ્યની કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે કોંગ્રેસે રાજ્યપાલને રજૂઆત કરી

  ગૃહવિભાગ પાસેથી ઘટના અંગે જેલની  તપાસનો અહેવાલ પણ રાજ્યપાલે મગાવ્યો

  ગાંધીનગર, બુધવાર - દેશની ગણનાપાત્ર જેલ પૈકીની એક એવી સાબરમતી જેલમાં સુરંગની ઘટના અંગે રાજ્યપાલ દ્વારા રસપૂર્વક વિસ્તૃત વિગતો એકઠી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં કોંગ્રેસ પક્ષ દ્વારા જેલની સુરક્ષાના મુદ્દે રાજ્યપાલને પત્ર પાઠવીને ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

  દેશની ગણનાપાત્ર ચાર જેટલી જેલ પૈકીની એક એવી સાબરમતી જેલમાંથી સોમવારે મોટી સુરંગ મળી આવી હતી. આ ઘટનાએ સાબરમતી જેલની કહેવાતી કડક સુરક્ષાના ચિંથરાં ઉડાવી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર જેલ તંત્રની પોકળ સુરક્ષાની વાતોને ઉઘાડી પાડી દીધી છે. આ ઘટનાના લીધે સુરબળી સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે રસ દાખવ્યો છે એટલું જ નહીં, આ મામલે રાજ્યપાલ ખુદ અંગત રસ દાખવીને વિવિધ સ્તરેથી માહિતી મેળવી રહ્યા છે. તેમજ ગૃહવિભાગ પાસેથી પણ આ ઘટના અંગે તપાસ અહેવાલ પણ મગાવ્યો છે. આ ઉપરાંત દર મહિને ગૃહ વિભાગને અહેવાલ મોકલવા જણાવાયું છે.

  આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ''કોંગ્રેસ પક્ષ દ્વારા સાબરમતી જેલના સુરંગ પ્રકરણ અંગે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે અને જેલની તેમજ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અંગે તાકીદે ઘટતી કાર્યવાહી કરવાની માગણી કરી છે.''

  -----------------------------------------------------------------------

  સુરંગના ષડ્યંત્રને છતું કરવા ક્રાઈમ બ્રાંચ રીકન્સ્ટ્રક્શન માટે તૈયાર

  ૧૦ મુદ્દાને કેન્દ્રમાં રાખી પૂછપરછ કર્યા બાદ રીકન્સ્ટ્રક્શન કરાશે

  અમદાવાદઃ સુરક્ષાનાં બણગાં ફૂંકતી જેલ પોલીસને નિષ્ક્રિય સાબિત કરતા જેલમાં સુરંગના ષડ્યંત્રનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવાની તૈયારીઓ શરૃ કરી દીધી છે, જેમાં છોટા ચક્કરમાં સજા કાપી રહેલા બોમ્બબ્લાસ્ટના આતંકીઓની પૂછપરછના પગલે સમગ્ર ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે તેવું ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

  જેલમાં રચવામાં આવેલા સુરંગના ષડ્યંત્રની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે ત્યારે પોલીસની ટીમ હકીકતના મૂળ સુધી પહોંચવા અને આતંકીઓની કબૂલાત પ્રેક્ટિકલ રીતે શક્ય છે કે કેમ તેની ખરાઇ કરવા માટે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરશે તેવું જણાવવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જેલમાં મળેલી સુરંગના મુદ્દે બોમ્બબ્લાસ્ટના આતંકીઓએ ખાવાની થાળી અને વાટકાઓનો કોદાળી તરીકે ઉપયોગ કરીને ૧૬.૫ ફૂટ ઢાળ પડતી ઊંડી અને ૨૬ ફૂટ લાંબી સુરંગ ખોદી નાખી હોવાની કબૂલાત કરી છે, પરંતુ પોલીસને આતંકવાદીઓની કબૂલાત પર ગાઢ શંકા છે, જેથી અમદાવાદ ક્રાઇમે આતંકવાદીઓએ કરેલી કબૂલાત અને સુરંગ ખોદવાની પ્રક્રિયાની પદ્ધતિ પ્રેક્ટિકલ રીતે શક્ય છે કે કેમ? તેની ખરાઇ કરવા માટે સુરંગની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવાની તૈયારીઓ કરી લીધી છે.

  સુરંગના રીકન્સ્ટ્રક્શન માટે ૧૦ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને શહેર ક્રાઇમ બ્રાંચે પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પૂરતી માહિતી મળ્યા બાદ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આ અંગે જેલમાં સુરંગની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર એ.કે. શર્મા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, "સૌપ્રથમ તમામ ૧૪ આતંકીઓની સુરંગના ષડ્યંત્રના મુદ્દે પૂછપરછ કરવામાં આવશે અને ત્યાર બાદ આરોપીઓ દ્વારા જણાવવામાં આવેલાં નિવેદનો અને પદ્ધતિ પ્રેક્ટિકલી શક્ય છે કે કેમ? તેની ખાતરી કરવા સુરંગ પ્રકરણનું રીકન્સ્ટ્રક્શન અમારી ટીમ દ્વારા કરવામાં આવશે, જેના દ્વારા અમને હકીકતનાં મૂળ સુધી પહોંચવાનો રસ્તો મળશે."

  -----------------------------------------------------------------------

  શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરતા પહેલાં સ્પેશિયલ કોર્ટ દ્વારા મળેલી ૧૦ દિવસ સુધી જેલમાં પૂછપરછની મંજૂરી દરમિયાન પોલીસ દ્વારા ખાસ નીચેના મુદ્દા જાણવાની કોશિશ કરવામાં આવશે.

  (૧) સુરંગ માટે વસ્તુ જેલમાં કેવી રીતે આવી?

  (૨) કોના દ્વારા લાવવામાં આવી?

  (૩) આતંકીઓનો પ્લાન શો હતો?

  (૪) આતંકીઓને સુરંગ ખોદવા જેલ પરિસરમાંથી કોણ મદદ કરતું હતું? કેવી રીતે?

  (૫) સુરંગ માટે બહારથી શી મદદ લેવામાં આવી હતી? કોણ મદદ કરતું હતું?

  (૬) ક્યારથી સુરંગ ખોદવાની શરૃઆત કરી હતી?

  (૭) સુરંગ ખોદવાની જગ્યા કયા આધારે પસંદ કરાઇ?

  (૮) ખોદકામ માટે કયાં કયાં સાધનોનો ઉપયોગ કર્યો હતો?

  (૯) માર્ગદર્શન માટે મોબાઇલ જેવાં ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો? કોની સાથે વાત થતી હતી?

  (૧૦) સુરંગ વાટે બહાર નીકળ્યા બાદ ક્યાં અને કોને મળવાનો પ્લાન હતો?

  ----------------------------------------------------------------------- 

  જેલમાં સુરંગના ખોદકામ દરમિયાન ભેખડ ના પડી યે બાત કુછ હજમ નહીં હુઈ!! 

  સાબરમતી જેલમાં બોમ્બબ્લાસ્ટના આતંકવાદીઓ દ્વારા ગુપ્ત સુરંગ બનાવવામાં આવી, પરંતુ ભૂગર્ભમાં બનતી સુરંગના ખોદકામ દરમિયાન ભેખડ ના ધસી એ વાત હજમ થાય તેવી લાગતી નથી!! જેથી એફએસએલને હકીકતની ખરાઇ કરવા માટે તપાસ સોંપવામાં આવી છે.

  જેલમાં ૧૬.૫ ફૂટ ઊંડી, ૨૬ ફૂટ લાંબી અને ૯ ફૂટ ઊંચી સુરંગ ખોદવામાં આતંકવાદીઓએ સફળતા મેળવી હતી, જેમાં ખોદકામ દરમિયાન જમીનના પેટાળમાં બોગદું કરતા સમયે ભેખડ ન ધસી હોવાની બાબતે તંત્રમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સામાન્ય રીતે જમીનના પેટાળમાં બોગદું કરતા સમયે ભેખડ ધસી જવાના બનાવો બનતા હોય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જેલમાં ૯ ફૂટ ઊંચી અને ૨૬ ફૂટ લાંબી સુરંગ બનાવ્યા બાદ પણ ભેખડ ધસવાનો કોઇ બનાવ બહાર આવ્યો ન હોવાથી તંત્રમાં અવનવી ચર્ચા સેવાઇ રહી છે, જેના પગલે તપાસ અધિકારીઓ દ્વારા સુરંગની જગ્યાની માટીના નમૂના અને સુરંગની મજબૂતાઇ અંગેની ચકાસણી કરવાની તપાસ એફએસએલ ટીમને સોંપવામાં આવી છે.

  સુરંગના ષડ્યંત્ર દરમિયાન ભેખડ ધસી પડવાની વાત અંગે ચર્ચા કરતાં એફએસએલના અધિકારીએ જણાવ્યું હતું કે, "જેલમાં બનાવવામાં આવેલી સુરંગમાં ભેખડ ધસે તે વાતને સંપૂર્ણ સમર્થન માટીના નમૂનાની ચકાસણી બાદ જ આપી શકાય. આ ઉપરાંત પ્રાથમિક તબક્કે વિશ્લેષણ કરતાં બોગદાનો ડાયામીટર નાનો હોવાના કારણે અને જમીનના પેટાળમાં ભેજ હોવાના કારણે ભેખડ ધસી પડવાની શક્યતાઓ ઘટી જતી હોય તેવું વર્તાઇ રહ્યું છે તેમ છતાં સચોટ માહિતી માટીના નમૂનાનું વિશ્લેષણ કર્યા બાદ બહાર આવશે."

  -----------------------------------------------------------------------

  કબૂતરબાજીના કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાંચ કરશે

  ભવિષ્યમાં વિદેશ મોકલવાના નામે ઠગાઈ આચર્યાના કેસ નોંધાશે તો તેની તપાસ પણ ક્રાઈમ બ્રાંચ કરશે

  તાજેતરમાં કારંજ અને આનંદનગરના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

  અમદાવાદ, બુધવાર - પોલીસ કમિશનર એસ.કે.સાઈકિયાએે વિદેશ મોકલવાના નામે લોકો સાથે ઠગાઈ કરતાં લેભાગુ એજન્ટોના નેટવર્કને તોડી પાડવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. વિદેશ મોકલવાના નામે લોકો સાથે ઠગાઈ આચરતા એજન્ટો વિરુદ્ધ થયેલા કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ પ્રકારના કેસ કોઈપણ કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાશે તો તેની તપાસ ક્રાઈમ બ્રાંચ કરશે તેવી સૂચના જે તે પોલીસ સ્ટેશનનને આપવામાં આવી છે.

  કબૂતરબાજીના કેસમાં મોટાપાયે લેભાગુ એજન્ટોની ટોળકી સક્રિય થઈ ગઈ હોવાની વિગતો બહારઆવી છે. એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં આવા બે હજાર એજન્ટો સક્રિય થઈ ગયા છે. આ એજન્ટો ટૂંકાગાળા માટે વૈભવી ઓફિસ ભાડે લઈને લોકોને આંજી નાંખે તેવા ભપકા બતાવતા હોય છે. આ શખસો પેપરમાં વિદેશ મોકલવાની જાહેરાત આપી લોકો પાસેથી લાખો રૃપિયા પડાવતા હોય છે. ૬થી ૧૨ મહિના સુધી ઓફિસ ખુલ્લી રાખ્યા બાદ રાતોરાત લોકોના કરોડો રૃપિયા ચાંઉ કરી આ ટોળકી ફરાર થઈ જતી હોય છે. એક સ્થળેથી બીજા સ્થળે આ ટોળકી પોતાની ઓફિસ ખોલી લોકો સાથે ઠગાઈ આચરતી રહે છે.

  ઠગાઈનો ભોગ બનેલા લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરતા હોય છે. કામના ભારણ અને ટેકનોલોજીના અભાવને કારણે આવા લેભાગુ એજન્ટોને પકડી શકાય તેવી સ્થિતિ હોવા છતાં પણ સ્થાનિક પોલીસ આવા કેસમાં કડક કાર્યવાહી કરી શકતી નથી. જેના પગલે લોકો સાથે ઠગાઈ કરતા શખસો પકડાય તે પહેલા કોર્ટમાંથી આગોતરા જામીન મંજૂર કરાવી લઈ કે મુખ્ય ફરિયાદી સાથે સમાધાન કરી લઈ છટકી જતા હોય છે.

  ઠગ એજન્ટો પર પોલીસનો સકંજો મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા આવા કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઠગાઈના કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાય તો તેની તપાસ ક્રાઈમ બ્રંાચ કરશે તેમ જાણવા મળ્યંુ છે.

  તાજેતરમાં કારંજ અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં વિદેશ મોકલવાના નામે લોકો સાથે ઠગાઈ આચરી ફરાર થઈ ગયેલા એજન્ટોને પકડવાની કામગીરી ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી હતી. તમામ પોલીસ સ્ટેશનને આ મામલે ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે તેવી સૂચના આપી દેવામાં આવી છે. લેભાગુ એજન્ટોની રીતસરની હાટડીઓ ખૂલી ગઈ હોય તેવી સ્થિતિ શહેરમાં પ્રર્વતતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  -----------------------------------------------------------------------

  કચ્છમાં કેરાગજોડા ત્રણ રસ્તા નજીકથીરૂ. અડધા કરોડનો વિદેશી દારૃ ઝડપાયો

  બુટલેગરો નાસી છૂટયાઃ લ્લ ૭૦ લાખનો મુદ્દામાલ કબજે

  અમદાવાદ, બુધવાર - બહારના રાજ્યમાંથી વિદેશી દારૃનો જથ્થો લાવી ગુજરાતમાં ઘુસાડવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી કચ્છના સરહદી જિલ્લામાં કેરાગજોડા ત્રણ રસ્તા પાસેથી પોલીસે આશરે રૃ.અડધા કરોડની કિંમતના વિદેશી દારૃ સાથે રૃ.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પોલીસ સાથેની સંતાકૂકડી બાદ બુટલેગરો રાત્રીના અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા.

  આ અંગેની વિગત એવી છે કે છેલ્લા કેટલાક વખતથી  બુટલેગર ટોળકી દ્વારા ગુજરાતના જુદા જુદા શહેરોમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. દરમિયાનમાં કચ્છ પોલીસને એવી બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગની એક ટ્રક વિદેશી દારૃનો જથ્થો ભરી કચ્છ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે કચ્છના કેરાગજોડા ત્રણ રસ્તા પાસે છૂપી વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મધરાતે એક ટ્રક પૂરઝડપે પસાર થતાં પોલીસ અધિકારીએ આ ટ્રકનો પીછો કરી ત્રણ કિલોમીટર સુધીની સંતાકૂકડી બાદ આબાદ ઝડપી લીધી હતી, પરંતુ ટ્રકનો કલીનર, ડ્રાઈવર અને અંદર બેઠેલ અન્ય શખ્સો રાત્રીના અંધકારનો લાભ લઈ નાસી છૂટયા હતા. પોલીસે ટ્રકની જડતી કરતાં ખાતર નીચે છુપાવેલો વિદેશી દારૃનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આશરે રૃ.અડધા કરોડની કિંમતની ૧૪,૦૦૦ જેટલી કીમતી વિદેશી દારૃની બોટલો કબજે કરી હતી. વિદેશી દારૃનો જથ્થો અને ટ્રક સહિત આશરે રૃ.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ વિદેશી દારૃનો જથ્થો કચ્છમાં કયા શહેરમાં અને કોને પહોંચાડવાનો હતો તે અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના ભૂજ, મુંદ્રા અને માંડવી પંથકમાં છેલ્લા ર૦ દિવસની અંદર વિદેશી દારૃ ભરેલી આ ત્રીજી ટ્રક ઝડપાઈ છે.

  -----------------------------------------------------------------------

  ફાટેલી ચલણી નોટ પ્રકરણમાં ત્રણની ધરપકડ

  અમદાવાદ - ફાટેલી ચલણી નોટ કમિશનથી બદલાવી આપવાનો તેમજ પરચૂરણનો સંગ્રહ કરી અછત ઊભી કરવાના પ્રકરણમાં રાજકોટમાંથી પાંચ શખ્સને ઝડપી લીધા બાદ પોલીસે આ તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવી અમદાવાદમાંથી વધુ ત્રણ શખ્સને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.

  આ અંગેની વિગત એવી છે કે ફાટેલી ચલણી નોટ બદલાવી આપવા કમિશનથી ધંધો કરતા અને પરચૂરણનો સંગ્રહ કર્યા બાદ અછત ઊભી કરી કમિશનથી પરચૂરણ આપી તગડી કમાણી કરતા રાજકોટના પાંચ શખ્સને પોલીસે રૃ.સાડા ત્રણ લાખની રોકડ રકમ અને હજારો રૃપિયાના પરચૂરણ સાથે ઝડપી લીધા બાદ આ શખ્સોની પૂછપરછ કરતાં પોલીસને કેટલીક માહિતી મળી હતી. જે માહિતીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ તપાસને અમદાવાદ સુધી લંબાવી  જુદા જુદા વિસ્તારમાંથી સતીશ માઘાપ્રસાદ, મહેશ પરમાર અને દિલીપ શાહ નામના ત્રણ વેપારીની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી કેટલી ચલણી નોટો અને પરચૂરણ મળી આવ્યું છે તે અંગે કોઈ માહિતી મળી નથી. ક્રાઈમ બ્રાન્ચે આ ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

  -----------------------------------------------------------------------

  બેની આત્મહત્યા અને ત્રણનાં અકસ્માતે મોત

  અમદાવાદ - શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુની પાંચ ઘટના બની હતી. જેમાં બે વ્યવ્યિકતએ આત્મહત્યા કરી હતી. જ્યારે ત્રણનાં અકસ્માત મોત થયા હતા.ગોમતીપુરમાં રાયપુર મિલ કમ્પાઉન્ડ ખાતે સ્વસ્તિક બંગલો ખાતે રહેતી આશા દેવજી પરમાર નામની એક યુવતીએ પરીક્ષાના ટેન્શનના કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જ્યારે ચાંદખેડામાં વિસત માતાના મંદિર પાસે આવેલ અચલ ડ્રીમ હાઉસ ખાતે રહેતા જનક ઈશ્વરભાઈ મકવાણા નામના યુવાનને તેની પત્નીએ દારૃ પીવાની બાબતે ઠપકો આપતાં લાગી આવવાથી તેણે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

  એસજી હાઈવે પર રાજપથ કલબ પાસેથી પસાર થઈ રહેલ છત્રાભાઈ રામસિંહ ભાભોર નામનો યુવાન કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ઓઢવમાં નિકોલ રોડ પરથી બાઈક ચલાવી પસાર થઈ રહેલ જીગર મહેન્દ્રભાઈ પટેલ ગાય સાથે અથડાતાં નીચે પટકાવાથી ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું. આ ઉપરાંત ગોમતીપુરમાં નાગોરીની ચાલી ખાતે રહેતી વંદનાબહેન સંતોષભાઈ રાજપૂત નામની મહિલાનું અકસ્માતે દાઝી જવાથી શારદાબહેન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License