16-02-13

-----------------
 
 
 

---------------------

 

 • સાબરમતી જેલના સુરંગકાંડ પાછળ ચોંકાવનારાં રહસ્ય

  સિરિયલ બ્લાસ્ટના આતંકી બોર્ડર ક્રોસ કરી નેપાળ જવાના હતા

  લોકલ સપોર્ટ મેળવવા સિરિયલ બ્લાસ્ટના આરોપીઓની મદદની જરૃર હતી, જે માટે તેઓનું જેલમાંથી બહાર નીકળવું વધુ જરૃરી હતું

  ગુજરાત પોલીસે સિરિયલ બ્લાસ્ટ પછી આઈએમની કમર તોડી નાખતાં સ્લીપર સેલમાં અન્ય યુવકો જોડાતા ન હતા

  અમદાવાદ, ગુરુવાર - સાબરમતી જેલમાં થયેલા સુરંગકાંડ પાછળ આતંકીઓની મોટી સાજિશ નાકામ બની  હોવાનું એટીેએસના  સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાત પોલીસે સિરિયલ બ્લાસ્ટ પછી ઇન્ડિયન મુજાહિદ્દીનની કમર ભાંગી નાંખી હતી.સ્લીપર સેલ ઊભો કરવા માટે આતંકવાદી સંગઠનો મથી રહ્યાં હતાં પરંતુ સફળતા મળતી નહતી. લોકલ સપોર્ટ નહીં મળવાને કારણે ભાંગફોડિયા પ્રવૃત્તિઓ અટકી પડી હતી. આ સ્થિતિમાં સાબરમતી જેલમાં રહેલા સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢીને વાયા નેપાળ કે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરાવી પાકિસ્તાન લઈ જવાનું ગંભીર કાવતરૃ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. પાકિસ્તાનમાં બેઠા બેઠા સિરિયલ બ્લાસ્ટના આરોપી આસાનીથી સ્લીપર સેલ ઊભા કરી ભારતમાં બ્લાસ્ટ કરાવવામાં સફળ થાય તેવી ગણતરી આતંકી જૂથોની હતી. આ યોજના સુરંગ પકડાઈ નિષ્ફળ ગયાનું જાણવા મળ્યું છે.

  અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ બાદ ઇન્ડિયન મુજાહિદ્દીનના ભાગેડુ આતંકીઓ લોકલ સપોર્ટ કે સ્લીપર સેલની રચના કરવામાં સત્તત નિષ્ફળ જઈ રહ્યા હતા.તૌકિર અને ભટકલ બંધુની પાછળ હાથ ધોઈને દેશભરની પોલીસ પડી હોવાથી તેઓ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવતા ડરી રહ્યા છે. બીજી તરફ તેમના વિશેની રજેરજની વિગતો એકત્ર કરી ચૂકેલી એનઆઈએ, એટીએસ અને ક્રાઈમબ્રાંચની ટીમ આ આતંકીઓના સપર્ક સ્થળો પર સતત વોચ રાખી રહી છે.

  લોકલ સપોર્ટ નહીં કરવાને કારણે ભાંગફોડની પ્રવૃત્તિ અટકી પડતાં જેલમાં રહેલા આઈએમના સાગરીતોને બહાર કાઢવા માટે સુરંગકાંડની યોજના ધડવામાં આવી હતી. સુરંગકાંડ કરી જેલમાંથી બહાર નીકળેલા ૫૫ આતંકીઓને બોર્ડર ક્રોસ કરાવી નેપાળ કે બાંગ્લાદેશમાં રાખવાની યોજના ઇન્ડિયન મુજાહિદ્દીનના ફરાર આતંકીઓએ બનાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ભાગેડુ આતંકીઓ નેપાળ કે બાંગ્લાદેશમાં છ માસના સમય માટે આશરો લેવાના હતા. તક મળતા તેઓ પાકિસ્તાન પહોંચી આતંકવાદી સંગઠનોની મદદથી ત્યાં રોકવાના હતા.

  પાકિસ્તાનમાં બેઠા બેઠા પોતાના લોકલ નેટવર્કને ફોનથી કે અન્ય રીતે ઊભું કરવાની યોજના ઈન્ડિયન મુજાહિદ્દીનની હતી. આ રીતે સ્લીપર સેલ તૈયાર કર્યા બાદ ફરી ભાંગફોડની પ્રવૃત્તિ આચરવાનો પ્લાન આતંકીઓનો હોવાનું પોલીસ સૂત્રો માની રહ્યાં છે. બીજી તરફ સિરિયલ બ્લાસ્ટના આતંકીઓને પાકિસ્તાનમાં આશરો અને પૈસા મળે તો અન્ય યુવકો જેહાદી પ્રવૃત્તિ માટે આસાનીથી તૈયાર થશે તેવું આ આતંકી સંગઠનો માનતાં હોવાનું જાણવા મળ્યું છે.

  -----------------------------------------------------------------------

  તૌકિર અને ભટકલે અવારનવાર નેપાળ બોર્ડર પર દેખા દીધી છે

  ઇન્ડિયન મુજાહિદ્દીનના અબ્દુલ સુભાન તૌકિર અને ભટકલ સિરિયલ બ્લાસ્ટ બાદ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. આ બંને આતંકીઓ પાકિસ્તાનમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમય અગાઉ તૌકિર નેપાળ બોર્ડર પર દેખાયો હોવાની માહિતીને પગલે સુરક્ષા એજન્સી સક્રિય થઈ હતી, પરંતુ તૌકિર અને ભટકલ અવારનવાર નેપાળ બોર્ડર પર આવીને ફરાર થઈ જતા હોવાની વિગતો મળી છે.

  -----------------------------------------------------------------------

  સિમીના કાર્યકરો પર નજર રાખવા સ્લીપર સેલ તૈયાર

  અમદાવાદ સહિત અલગ-અલગ શહેરમાં પોલીસ સ્લીપર સેલ ટીમ સક્રિયઃ સૂત્રો

  સિમીના કાર્યકરોની ભેદી હિલચાલ પર નજર રાખવા સ્લીપર સેલ ટીમ તૈયાર

  અમદાવાદ સહિત અલગ-અલગ શહેરમાં પોલીસ સ્લીપર સેલ ટીમ સક્રિયઃ સૂત્રો

  અમદાવાદ, ગુરુવાર - જેલમાં આતંકીઓએ ફરાર થવા માટે બનાવેલી સુરંગની કોશિશના પ્રકરણમાં પોલીસને સિમીની સંડોવણી હોવાના ખાનગી અહેવાલ મળતાં હકીકતના મૂળ સુધી પહોંચવા પોલીસે ખાસ સ્લીપર સેલની રચના કરી હોવાની વિગતો ટોચના અધિકારીઓ દ્વારા કહેવાઈ રહી છે.

  સાબરમતી જેલ સુરંગ પ્રકરણમાં સિરિયલ બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓએ ફરાર થવા માટે સિમીની મદદ મેળવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જેમાં પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર જેલમાં ૧૪ આતંકીઓને સુરંગના ખોદકામ માટે જરૃરી સાધનો અને યંત્રો પણ સિમી દ્વારા પૂરા પાડવામાં આવ્યા હોવાની ખાનગી વિગતો પ્રકાશમાં આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. જેની પ્રાથમિક તપાસની પ્રાપ્ત વિગતો અનુસાર સિમીના સ્લીપર સેલ દ્વારા આતંકવાદીઓને પૂરતો સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો એટલું જ નહીં સિમીના સ્લીપર સેલની મદદથી આતંકવાદીઓ જેલમાં બનાવેલી સુરંગમાંથી નીકળ્યા બાદ નેપાળ અને કાઠમંડુ થઈને પાકિસ્તાન પહોંચવાના હતા તેવા અહેવાલો સામે આવ્યા છે. જેથી પોલીસતંત્ર સિમીની હીલચાલને લઈને ગંભીર બની ગઈ છે.

  પ્રાપ્ત વિગતોને પગલે પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસનો ખાસ સ્લીપર સેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્લીપર સેલ પોલીસ વિભાગ સિમીના તમામ સભ્યો પર ૨૪ કલાક નજર રાખશે. આ ઉપરાંત સ્લીપર સેલ પોલીસ દ્વારા દરરોજ અધિકારીને અપડેટ કરવામાં આવશે. સિમીના કાર્યકરો પર ખાનગી રાહે નજર રાખવા માટે બનાવવામાં આવેલા સ્લીપર સેલને આઈબી દ્વારા જરૃરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.

  પોલીસતંત્ર દ્વારા બનાવવામાં આવેલા ખાસ સ્લીપર સેલની તપાસ કાર્યવાહી માટે જુદી જુદી ટીમ તૈયાર કરવામાં આવી છે. જે સિમીના કાર્યકરો પર સતત વોચ રાખશે અને શંકાસ્પદ હિલચાલના ઘેરામાં આવનારા સિમીના કાર્યકરને ઝડપી હકીકતના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવશે. આતંકીઓના બદઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે અને તેમના ષડ્યંત્રના મૂળ સુધી પહોંચવા પોલીસતંત્ર દ્વારા ખાસ સ્લીપર સેલ ટીમની રચના કરવામાં આવી છે.

  -----------------------------------------------------------------------

  બેન્કમાંથી ચેક રિટર્ન થતાં

  ધંધામાં મંદી અને આર્થિક ભીંસથી કંટાળેલા કારખાનેદારનો ગળાફાંસો

  જામનગરના ઉદ્યોગનગરની ચકચારી ઘટના

  અમદાવાદ, ગુરુવાર - ધંધામાં મંદી અને આર્થિક ભીંસથી વાજ આવી ગયેલા કારખાનેદારે બેન્કમાં ભરેલો ચેક રિટર્ન થતાં લાગી આવવાથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતાં જામનગરના ઉદ્યોગનગરમાં આ ઘટનાએ ચકચાર જગાવી છે.

  પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને કેશવ એસ્ટેટમાં બ્રાસ પાર્ટ્સનું કારખાનું ધરાવતા પ્રમોદભાઈ કાંતિભાઈ ગોટેચા (ઉં.વ.પ૦) નામના કારખાનેદાર સવારે ૬-૦૦ પોતાના ઘરેથી કારખાને જવા નીકળ્યા હતા. સવારે ૭-૦૦ વાગ્યે કારખાનું ખોલ્યા બાદ તેમણે કારખાનાનું શટર બંધ કરી દીધું હતું અને ત્યાર બાદ પંખાના હૂક સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બપોરના ૧ર-૦૦ વાગ્યા સુધી કારખાનાનું શટર ન ખૂલતાં આજુબાજુના કારખાનેદારોને શંકા ગઈ હતી. દરમિયાન પ્રમોદભાઈના કારખાનામાં કામ કરતા કારીગરો પણ સવારના આવીને કારખાનું ખૂલવાની રાહ જોઈ બેસી રહ્યા હતા. તેમના ઘરે તપાસ કરવામાં આવતાં ઘરના સભ્યોએ કહ્યું કે તેઓ વહેલી સવારે કારખાને જવા નીકળી ગયા છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે કારખાનનું શટર તોડી તપાસ કરતાં પ્રમોદભાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. પોલીસે લાશને નીચે ઉતારી પીએમ માટે જીજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ ઘટનાને પગલે ઉદ્યોગનગરમાં લોકોનાં ટોળે ટોળાં એકત્ર થયાં હતાં અને જાતજાતની વાતો વહેતી થઈ હતી.

  પોલીસે આ અંગે તપાસ કરતાં ધંધામાં મંદી હોવાથી પ્રમોદભાઈ આર્થિક ભીંસ ભોગવી રહ્યા હતા અને પરિવારના ગુજરાનનો પણ પ્રશ્ન ઊભો થયો હતો. ત્રણેક દિવસ અગાઉ તેમણે બેન્કમાં એક ચેક ભર્યો હતો જે રિટર્ન થતાં મનમાં લાગી આવવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  -----------------------------------------------------------------------

  કામધંધો ન મળતાં બાપુનગરમાં બેકાર ઈલેકિટ્રશિયનનો આપઘાત

  અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં રહેતા એક ઈલેકિટ્રશિયને પણ  કામધંધો ન મળતાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  આ અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં હીરાવાડી રોડ પર કૃષ્ણકુંજ ખાતે રહેતો સાગર કાંતિભાઈ કાથરોટિયા નામનો યુવાન ઈલેકિટ્રક ફિટિંગનું કામ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સાગરને કોઈ કામ-ધંધો ન મળતાં બેકારીના કારણે પોતાના ઘરમાં જ છતના હૂકમાં વાયર બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

  -----------------------------------------------------------------------

  મોબાઈલ  પર ગીત વગાડવા બાબતે થયેલી તકરારમાં

  સરસપુર મિલન સિનેમા પાસે મોડી રાત્રે છ શખસોએ મચાવેલો આતંક

  ગીત વગાડવા બાબતે ઠપકો આપનારના ઘરે જઈ તોડફોડ કરીઃ કારના કાચ અને બાઈકમાં પણ તોડફોડ કરી

  આ યુવકોએ ફરિયાદીની કારના કાચ અને બાઈકમાં તોડફોડ કરી હાથમાં પાઈપ મારીને ગંભીર ઇજા કરી હતી.

  અમદાવાદ, ગુરુવાર - સરસપુર મિલન સિનેમા પાસે આવેલી પતરાંવાળી ચાલીમાં ગઈકાલે રાત્રે મોબાઈલ ફોન પર ગીત વગાડવા બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. ગીત વગાડવા અંગે ઠપકો આપનાર શખસને ઘરે જઈને છ યુવકોએ તોડફોડ મચાવી હતી.

  સરસપુરની પતરાવાળી ચાલીમાં રહેતા મહેશ ઉર્ફે બાબુ ઠાકોરના ઘર પાસે ગઈકાલે રાત્રે એક યુવક મોબાઈલ ફોન પર ગીત વગાડતો પસાર થઈ રહ્યો હતો. આ યુવકને મહેશભાઈએ મોબાઈલ ફોન પર ગીત વગાડવાની ના પાડતાં બોલાચાલી થઈ હતી. આ મામલાની જાણ મોબાઈલ ફોન પર ગીત વગાડી રહેલા યુવકના ભાઈ રાકેશને થઈ હતી. રાકેશ ગઈકાલે રાત્રે તેના મિત્રો સંજય ઉર્ફે કલિયો, કનિયો ઉર્ફ જાડિયો, રાહુલ ઉર્ફે રમેશ, રોકી અને બાબરાને બોલાવ્યા હતા.

  રાકેશ અને તેના મિત્રોએ ગઈકાલે રાત્રે ૧૦.૩૦ વાગ્યે મહેશ ઠાકોર સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. મહેશના હાથના ભાગે પાઈપ મારીને આરોપીએ ગંભીર ઇજા કરી હતી. ઉશ્કેરાયેલા આરોપીએાએ મહેશની કારના કાચ તોડી નાંખ્યો તેમજ બાઈકમાં તોડફોડ મચાવી હતી. મહેશના ઘરની બહાર લાગેલું મીટર પણ હુમલાખોરોએ તોડી નાંખ્યું હતું.

  બનાવની જાણ થતાં સરસપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચતાં હુમલાખોરો નાસી છૂટયા હતા. શહેર કોટડા પોલીસે આ અંગે રાયોટિંગ તેમજ મારમારીનો ગુનો છ શખસ વિરુદ્દ્ધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  -----------------------------------------------------------------------

  ટ્રેનની અડફેટે અને દાઝી જતાં બેનાં મોતઃ બેનો આપઘાત

  જુદા જુદા વિસ્તારમાં બનેલી અપમૃત્યુની ચાર ઘટના

  અમદાવાદ - શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુની ચાર ઘટના બની છે, જેમાં એક યુવાનનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત થયું હતું અને એક યુવતીનું દાઝી જતાં મોત થયું હતું. જ્યારે એક યુવાન અને એક મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

  પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે વટવા વિસ્તારમાં ગજાનંદ સોસાયટી ખાતે રહેતો દિલીપ ભરતભાઈ ચૌહાણ નામનો ર૬ વર્ષીય યુવાન વટવા વિંઝોલ ક્રોસિંગ નજીક રેલવે લાઈન  ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. ગોમતીપુર વિસ્તારમાં હિમાદ્રી મિલ પાસે આવેલ બારાસાંચાની ચાલીમાં રહેતી નાજરાબાનુ શબીર અહેમદ અન્સારી નામની યુવતીનું અકસ્માતે દાઝી જતાં શારદાબહેન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આંબાવાડી વિસ્તારમાં નીલમ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પ્રદીપ અરવિંદભાઈ સોની નામના યુવાને પેટની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત હાંસોલ વિસ્તારમાં આવેલ આશુતોષ ફલેટ ખાતે રહેતી પુષ્પાબહેન ઘનશ્યામભાઈ લધાણી નામની પપ વર્ષીય મહિલાએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે આ અંગે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  -----------------------------------------------------------------------

  ચાંગોદર નજીક ગોડાઉનમાં આગ

  અમદાવાદ - સરખેજ-બાવળા હાઈવે પર ચાંગોદર નજીક આવેલા એક ગોડાઉનમાં મોડી રાતે ભીષણ આગ લાગતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ચાંગોદર નજીક પ્રદીપ એવરગ્રીનની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં રાત્રે ૩-૦૦ વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતાં ભયની લાગણી પ્રસરી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો દસ જેટલાં ફાયર ફાઈટર અને વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં છે અને હજુ પણ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License