17-01-2014

-----------------
 
 
 
 
 
 
 

---------------------

 

 •   હત્યા કેસઃ હિસ્ટ્રીશિટર્સની પૂછપરછ વચ્ચે પણ પોલીસ દિશાહીન

  અમદાવાદ, શુક્રવાર - ૧૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યાના સુમારે ભરચક ગણાતાં શિવરંજની વિસ્તારમાંથી એકની હત્યા કરી રૃ. એક કરોડથી વધારેની લૂંટ ચલાવનાર હત્યારાઓને પકડવામાં પોલીસની નિષ્ફળતા આજે ત્રીજા દિવસે પણ યથાવત્ જોવા મળે છે. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની મિટિંગ બાદ હત્યારાઓને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન થઈ ગયા હતા તે જોતા લાગતું હતું કે ટૂંક સમયમાં પોલીસ હત્યારાઓને પકડી પાડશે પણ આજે ચકચારી લૂંટ સાથે હત્યાનાં ત્રીજા દિવસે પણ પરિણામ શૂન્ય જોવા મળે છે ત્યારે શિવરંજની સેટેલાઈટ વિસ્તારની મુલાકાત લેતા ત્યાના રહિશો, વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. એક તરફ અનેક શકમંદોને પકડી  લાવી પૂછપરછ કરતી પોલીસનાં હાથથી ક્રૂર હત્યારાઓ પોલીસને હાથતાળી આપવામાં સફળ થઈ રહ્યા છે ત્યારે શહેરીજનોમાં ઘેરી ચિંતા જોવા મળી છે.

  હાલ પોલીસ પાસે બાતમીદારોનું કોઈ નેટવર્ક જ નથી ત્યારે પોલીસ હત્યારાઓને કઈ રીતે પકડવામાં સફળ થશે? તે એક સવાલ છે. ઓક્ટોબર, નવેમ્બર,. ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન થયેલી હત્યાઓના ભેદ વણઉકેલ્યા જોવા મળે છે ત્યારે પોલીસ ઉપરથી પ્રજાનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.

  હત્યાના ત્રીજા દિવસે લોકોમાં રોષ

  શહેરમાં થયેલી અનેક હત્યાઓ બાદ જ્યારે શિવરંજની વિસ્તારમાં લૂંટ સાથે થયેલી હત્યા બાદ લોકોમાં પોલીસ પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ધોળા દિવસે રૃપિયા એક કરોડથી વધારેની લૂંટના ત્રીજા દિવસે પણ હત્યારાઓ જ્યારે પોલીસ પકડથી દૂર છે ત્યારે પ્રજાજનોની સુરક્ષા કોણ કરશે? તેવી ચર્ચા સાથે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

  બાતમીદારોના નેટવર્કનો અભાવ

  શહેરમાં વધેલી લૂંટ, હત્યાના અનેક બનાવો બાદ હત્યારાઓ, લૂંટારાઓ જ્યારે પોલીસ પકડથી દૂર છે તેનું કારણ છે પોલીસનું બાતમીદાર સાથેનું તુટેલું નટેવર્ક. પોલીસ પાસે ગુનેગારોને ઓળખનાર યોગ્ય બાતમીદારો નથી.

  સ્કેચ તૈયાર થઈ રહ્યા છે

  શિવરંજની વિસ્તારમાં થયેલી દિલધડક રૃપિયા એક કરોડથી વધારેની લૂંટ સાથે થયેલી વેપારી હિતેશ ઝવેરીની હત્યા બાદ પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે જેસીપી ક્રાઈમ એ.કે. શર્મા સાથે થયેલી વાત દરમિયાન તેમણે જણાવ્યું કે સીસીટીવી કૂટેજ ઉપરથી શકમંદોની તપાસ ચાલી રહી છે તેમજ પ્રત્યક્ષદર્શીઓ તેમજ સ્થળ તપાસ દરમિયાન મળેલી માહિતી પ્રમાણે હત્યારાઓના સ્કેચ તૈયાર થઈ રહ્યા છે. તેમજ તૈયાર થયેલા સ્કેચ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જ્યારે સ્પેશિયલ તપાસ ટીમો બનાવીને ઉત્તર પ્રદેશ, બિહાર ટીમો રવાના કરવામાં આવશે.

   ---------------------------------------------------------------------

  ખાનગી બેન્કોમાં જાલી નોટ ઘુસાડી દેવામાં આવતાં દોડધામ

  અમદાવાદ, શુક્રવાર - દેશના અર્થતંત્રને છિન્નભિન્ન કરનારા જાલી નોટ કૌભાંડનું ભૂત ફરી ધુણ્યું છે. રાજકોટની ચાર ખાનગી બેન્કોમાં કોઈ શખ્સ જુદા જુદા દરની આશરે ૪૦૦ જેટલી જાલી નોટ ઘૂસાડી જતાં બેન્ક અને પોલીસ સત્તાવાળાઓ ચોંકી ઊઠયા છે અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની એકિસસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને આઈડીબીઆઈ બેન્કમાં જુદા જુદા સમયે કોઈ અજાણ્યો ગ્રાહક રૃ.૧,૦૦૦, પ૦૦, ૧૦૦ અને પ૦ના દરની નકલી નોટો ઘૂસાડી રવાના થઈ ગયો હતો. છેલ્લા બે માસથી કોઈ ભેજાબાજ આ કીમિયો અજમાવતો હોવાનું જણાય છે. આ નકલી નોટો કુલ રૃ.ર,૧૪,૭૦૦ની છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જામનગર, રાજકોટ, જૂનાગઢ, વાંકાનેર અને ખંભાળિયામાંથી પણ જાલી નોટો મળી આવી હતી અને એટીએસએ આ સંદર્ભે સઘન તપાસ આદરી જાલી નોટનું પગેરું કોલકાતા પાસેના માલ્દા ખાતેથી પકડી પાડી કેટલાક શખ્સોની ધરપકડ પણ કરી હતી. દેશનાં અર્થતંત્રને ખોખલું કરવાના હેતુથી પાકિસ્તાન દ્વારા જાલી નોટનું રેકેટ ચલાવવામાં આવતું હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઈ છે.

  રાજકોટની ખાનગી બેન્કોમાંથી મળેલી આ જાલી નોટના સંદર્ભમાં પોલીસે બેન્કના સીસી ટીવી કેમેરા પરથી ફૂટેજ લેવાનું શરૃ કર્યું છે, પરંતુ હજુ સુધી કોઈ મજબૂત કડી મળી નથી ત્યારે હવે આ તપાસમાં એટીએસ પણ જોડાય તેવી શકયતા છે.

   ---------------------------------------------------------------------

  જુગારમાં દેવું વધી જતાં હતાશ યુવાનનો મોરથૂથું પી આપઘાત

  અમદાવાદઃ દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક યુવાને જુગારમાં દેવું વધી જતાં મોરથુથુ પી લઈ જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે મેઘાણીનગરમાં એક યુવતીએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  દાણીલીમડા વિસ્તારમાં અલ્લાનગર ખાતે આવેલ કાળુભાઈની ચાલીમાં રહેતા ઝાકીરહુસેન અબ્દુલભાઈ ખલીફા નામના ૩ર વર્ષીય યુવાને વહેલી સવારે પોતાના ઘરના બાથરૃમમાં મોરથુથુ પી લેતાં તેને ગંભીર હાલતમાં વીએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. દાણીલીમડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે આત્મહત્યા કરનાર યુવાન ઝાકીરહુસેન જુગાર રમવાની ટેવવાળો હતો. આવકનો કોઈ સ્ત્રોત ન હોઈ દિવસે દિવસે જુગારની લતના કારણે દેવું વધી જતાં આ યુવાન  ટેન્શનમાં આવી ગયો હતો અને છેવટે તેણે ઝેરી મોરથુથુ પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત મેઘાણીનગરના મીનાબજાર રોડ પર આવેલ ગુ.હા.બોર્ડના મકાનમાં રહેતી ગીતા નરેશભાઈ પ્રજાપતિ નામની ૩૦ વર્ષીય યુવતીએ પણ અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી શરૃ કરી છે.

   ---------------------------------------------------------------------

  ૩૩ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી

  અમદાવાદ, શુક્રવાર - રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને શાખાઓમાં ફરજ બજાવતા ૩૩ પીએસઆઈને ગૃહ વિભાગે પીઆઈ તરીકે બઢતી આપી અન્યત્ર બદલી કરી હોવાનું આધારભૂત સાધનો દ્વારા જાણવા મળે છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા વખતથી પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવાની કવાયત ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા પી. સી. ઠાકુરે રાજ્યમાં  ફરજ બજાવતા ૩૩ હથિયારધારી પીએસઆઈને બઢતી આપી અન્યત્ર બદલી કરવા હુકમ કર્યા છે. રાજ્યના  આ ૩૩ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવાના હુકમો બાદ હવે ટૂંકમાં જ પીઆઈ ટુ ડીવાયએસપીની બઢતીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

  જે ૩૩ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે તેમાં અમદાવાદ શહેરના ચાર, રાજકોટના બે, સુરતના ત્રણ અને વડોદરાના ત્રણ પીએસઆઈનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.

   ---------------------------------------------------------------------

  પતંગ ચગાવતાં ધાબા પરથી પડી જતાં યુવાનનું મોત

  અમદાવાદ, શુક્રવાર - સરસપુર વિસ્તારમાં પતંગ ચગાવતાં ધાબા પરથી પડી જતાં એક યુવાનનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજતાં પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  આ અંગેની વિગત એવી છે કે સરસપુર વિસ્તારમાં ઈ કોલોની સામે આવેલ તપોવન સોસાયટી વિભાગ-રમાં રહેતો સુરેન્દ્રસિંહ જાલમસિંહ રાઠોડ નામનો યુવાન પોતાના મકાનના ધાબા પર સાંજના સુમારે પતંગ ચગાવતો હતો ત્યારે અગાસીની પાળી પરથી અકસ્માતે પગ લપસતાં આ યુવાન ધાબા પરથી નીચે પટકાયો હતો. જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. પોલીસે આગળની કાર્યવાહી શરૃ કરી છે.

   ---------------------------------------------------------------------

  સ્કૂટરની ડેકીમાંથી ઘરેણાંની તફડંચી

  અમદાવાદઃ સોલા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે આવેલ ઔડા ગાર્ડન નજીક પાર્ક કરેલ એકિટવાની ડેકીમાંથી કોઈ ગઠિયાએ સોનાનાં ઘરેણાંની તફડંચી કરતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઘોડાસર વિસ્તારમાં પી. ડી. પંડયા કોલેજ રોડ પર આવેલ સોમનાથ રો-હાઉસમાં રહેતા કલ્પેશભાઈ દેસાઈ સાંજના પ-૦૦ વાગ્યે સોલામાં ચાણક્યપુરી ખાતે આવેલ ઔડા ગાર્ડનના પાર્કિંગમાં પોતાનું એકિટવા પાર્ક કર્યું હતું. તે દરમિયાન કોઈ ગઠિયાએ એકિટવાની ડેકી તોડી તેમાંથી રૃ.૮૦,૦૦૦ની કિંમતનાં સોનાનાં ઘરેણાંની તફડંચી કરી હતી.

   ---------------------------------------------------------------------

  સોનાના દોરાની ચીલઝડપ

  અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મણિનગર વિસ્તારમાં મધુરમ બંગલોઝના નાકા નજીકથી પસાર થઈ રહેલાં નર્મદાબહેન ખોડીદાસ પરમારના ગળામાંથી રૃ.ર૦,૦૦૦ની ક્િંમતના સોનાના દોરાની  ચીલઝડપ કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

   ---------------------------------------------------------------------

    બિનવારસી લાશ મળી

  અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાંથી એક વૃદ્ધની બિનવારસી લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મણિનગર વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીકની ફૂટપાથ પરથી એક વૃદ્ધની લાશ બિનવારસી હાલતમાં મળી આવી હતી. મરનારનું નામ, સરનામું કે અન્ય કોઈ વિગત જાણવા મળી નથી. પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

   ---------------------------------------------------------------------

  સગીરાનું અપહરણ

  અમદાવાદ : ઓઢવમાંથી સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવના કઠવાડા રોડ પર ગળીના કારખાના પાસે રહેતા નાગજીભાઈ ઠાકોરની સગીર વયની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

   ---------------------------------------------------------------------

  પાંચ વ્યક્તિ લાપતા

  અમદાવાદ : શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પાંચ વ્યકિત લાપતા બનતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી છે. નારણપુરામાંથી અર્જુનભાઈ ગગનભાઈ થાપા, આનંદનગરમાંથી માલિની કાંતિભાઈ પરમાર, શાહીબાગમાંથી પંકજભાઈ લક્ષ્મણભાઈ અને અંકુરભાઈ ભૂમિહાર તેમજ ચાંદલોડિયામાંથી અર્ચનાબહેન સુરેશભાઈ લાપતા બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

   ---------------------------------------------------------------------

  ટ્રાફિક પોલીસની સઘન ઝુંબેશ

  અમદાવાદ : ટ્રાફિક પોલીસે કસૂરવાર વાહનચાલકો સામે ૬૮૯ર કેસ કરી આશરે રૃ.૩,૯૩,૪૭પના દંડની વસૂલાત કરી હતી. આ ઉપરાંત  પોલીસે રપ૭ વાહન ડિટેઈન તેમજ ૭૮ વાહન ટોઈંગ કરી રૃ.૪૪પ૦નો દંડ વસૂલ કર્યો હતો. ટ્રાફિક પોલીસે વગર હેલ્મેટે ફરતા વાહનચાલકો સામે ૩૬૧પ કેસ કરી રૃ.૧,૮૦,૬૦૦ના દંડની વસૂલાત કરી હતી.

   ---------------------------------------------------------------------

  દારૃ-જુગારના અડ્ડા પર દરોડા

  અમદાવાદ : શહેર પોલીસે જુદા જુદા વિસ્તારમાં નશાબંધી અને જુગારના અડ્ડા પર દરોડા પાડી પપ લિટર દેશી દારૃ, ૧૪૭ બોટલ ઈંગ્લિશ દારૃ, ૬૪ બિયરનાં ટીન, એક સ્કૂટર, બે કાર, જુગારનાં સાધનો અને રોકડ રકમ સાથે ૩૦ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૃ કરી છે. પોલીસે તકેદારીનાં પગલાંરૃપે શહેરમાંથી ર૮ ઈસમની અટકાયત કરી છે.

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

   ---------------------------------------------------------------------

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License