20-11-2013

-----------------

-----------------

------------------

 

 • હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં વીમા કંપનીઓ શરૃનાં ત્રણ વર્ષ સુધી વધારો કરી શકશે નહીં

  વીમાનો ક્લેમ કરવા છતાં કંપનીઓ ગ્રાહકોનું પ્રીમિયમ વધારી શકશે નહીં, વીમા નિયામક ઈરડા દ્વારા હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ અને ક્લેમ અંગે નવા નિયમો નિર્ધારિત

  નવી દિલ્હી, નવા નિયમો અનુસાર જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ ત્રણ વર્ષ સુધી  હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં વધારો કરી શકશે નહીં. કંપનીઓ વીમો લેતી વખતે ગ્રાહક સાથે પ્રીમિયમની જે રકમ નક્કી કરશે તેમાં ત્રણ વર્ષ સુધી કોઈ વધારો થઈ શકશે નહીં. આ નિર્ણયના પગલે હવે એક વખત હેલ્થ ઈન્સ્યોરન્સ કરાયા પછી તમે ત્રણ વર્ષ સુધી નિશ્ચિત બની જશો. તમે કદાચ આ સમયગાળા દરમિયાન તમારી કે તમારા પરિવારના સભ્યોની સારવાર માટે વીમાનો ક્લેમ કર્યો હશે તો પણ વીમા કંપનીઓ ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ વધારી શકશે નહીં.

  ઈરડા દ્વારા દાખલ કરાયેલા નવા રેગ્યુલેશન બાદ વીમા કંપનીઓ હવે વીમાના પ્રીમિયમમાં ઈરડાની મંજૂરી વગર કોઈ ફેરફાર કરી શકશે નહીં. આ ઉપરાંત ૧ ઓક્ટોબર પહેલા વીમો લીધો હોય તો રિન્યુઅલ સમયે કે નવી કંપની પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ લેતી વખતે પણ તમને આ નવા નિયમોનો લાભ મળશે. જૂના નિયમો અનુસાર કંપનીઓને રિન્યુઅલ વખતે પ્રીમિયમમાં ફેરફાર કરવાની સત્તા હતી. વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (ઈરડા) દ્વારા નિર્ધારિત હેલ્થ ઈન્સ્યોરન્સના નવા નિયમોના આધારે હવે કંપનીઓ પોતાની વીમા પ્રોડક્ટ રિલોન્ચ કરી રહી છે તેનાથી ગ્રાહકો માટે ક્લેમ મેળવવો વધુ સરળ બની જશે. બજાજ આલિયાન્જ જનરલ ઈન્સ્યોરન્સના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ (હેલ્થ ઈન્સ્યોરન્સ) ડો. રેણુકાકાન વિન્દેના જણાવ્યા અનુસાર નવા નિયમો હેઠળ વીમા ધારકના પ્રિમિયમમાં પ્રારંભિક ત્રણ વર્ષમાં કોઈ પણ જાતના ફેરફાર કરી શકશે નહીં. સાથે જ વીમા ધારક જીવનભર પોતાની પોલિસી રિન્યૂ કરાવી શકશે એટલું જ નહીં વીમા કંપની ગ્રાહક દ્વારા સારવાર માટે વીમા ક્લેમ લેવા છતાં ગ્રાહક પાસેથી વધુ પ્રીમિયમ વસૂલી શકશે નહીં.

  જૂના નિયમો અનુસાર કંપનીઓને એવી સત્તા હતી કે તે ગ્રાહકનો ક્લેમ રેકર્ડ જોઈને રિન્યુઅલ કે નવો વીમો કરતી વખતે સામાન્ય ગ્રાહકની તુલનાએ વધુ પ્રીમિયમ લઈ શકતી હતી. ભારતીય અક્સા જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડના સીઈઓ અમરનાથ અનંત નારાયણના જણાવ્યા અનુસાર નવા નિયમો અનુસાર ગ્રાહકોને ફાયદો થશે. કારણ કે વીમા કંપનીઓ ગ્રાહકોનો વીમો લેતી વખતે જે પ્રીમિયમ નક્કી કરશે તેમાં કંપનીઓ કોઈ ફેરફાર કરી શકશે નહીં.

  દરમિયાન ઈરડાએ હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ૧ ઓક્ટોબરથી જે નિયમો લાગુ પાડ્યા છે તેમાં ગ્રાહકોની સુવિધા માટે ગંભીર બીમારીઓ અને રોગોની એક યાદી તૈયાર કરી દીધી છે. હોસ્પિટલો માટે શહેરની વસ્તીના આધારે બેડની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. સાથે જ વીમા ક્લેમની પ્રક્રિયા સરળ બનાવવા માટે ક્લેમ ફોર્મના માપદંડો તૈયાર કરી નાંખવામાં આવ્યા છે અને કંપનીઓએ આ માપદંડના આધારે હેલ્થ પ્રોડક્ટ ગ્રાહકોને આપવી પડશે. આ સંજોગોમાં હવે ગ્રાહકો માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો અને તેનો ક્લેમ કરવો બંને સરળ બની જશે.

  ----------------------------------------------------------------------

  સરકાર રૃ.૪૦૦૦ કરોડના ખર્ચે દુર્ગમ ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડશે

  ગામડાંના લોકોને રૃ.૩૦૦ની એક વખતની ફી પર મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કનેકશન આપવામાં આવશે, ગામડાંના લોકોને રૃ.૩૦૦ની એક વખતની ફી પર મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કનેકશન આપવામાં આવશે

  નવી દિલ્હી, હવે જ્યારે તમે કોઈ દૂરના અંતરિયાળ ગામડાંની મુલાકાત લેશો તો તમને ત્યાં સ્માર્ટફોન કે લેપટોપ પર હાઈસ્પીડ  બ્રોડબેડ નેટવર્ક  ઉપલબ્ધ બનશે. સરકાર અઢી લાખ ગ્રામ પંચાયતોમાં વાઇફાઈ હોટસ્પોટ ઊભા કરનાર છે. આ મહત્ત્વાકાંક્ષી વાઈફાઈ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે સરકારે  રૃ.૪૦૦૦ કરોડનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. 

  ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટને  ટેલિકોમ વિભાગ દ્વારા  નેશનલ  ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે સાંકળવામાં આવશે. જેને પગલે  ગામડાંઓમાં હાઈસ્પીડ બ્રોડબેડનું વિસ્તરણ શક્ય બનશે. આ દરખાસ્ત અનુસાર વાઈફાઈ ઝોન્સ ઊભા કરવા માટે પ્રારંભિક ભંડોળ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ તરફથી આવશે. જે  ટેલિકોમ કંપનીઓ પર સેસ લાગશે. જ્યારે રૃ.૨૦૦૦ કરોડની વાર્ષિક ઓપરેશન ખર્ચ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ફાળવવામાં આવશે.  આ પ્રોજેક્ટની  બ્લૂ પ્રિન્ટ અનુસાર ગ્રામ પંચાયતોને ૧૦૦ એમબી પીએસ લાઈનથી સાંકળવામાં આવશે. આનો અર્થ એ થયો કે જો વાઈફાઈ હોટસ્પોટ પર ૧૦ યુઝર્સ કામ કરશે. તો દરેકને ૧૦ એમબીપીએસ મળશે. આ અંગેના દર મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે. આ માટેનો પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટને મંજૂરી અર્થે મોકલવામાં આવશે.

  હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સરકાર ગ્રામ્ય કનેક્ટિવિટી અંગે અનેક યોજનાઓ શરૃ કરનાર છે.  એક અન્ય પ્રોજેક્ટમાં અઢી કરોડ ગ્રામ્ય ઘરોને ફ્રી ઇન્ટરનેટ સાથેનાં મોબાઈલ ફોન કનેકશન આપવામાં આવશે.  લાભાર્થી  માત્ર એક વખત રૃ.૩૦૦ ભરીને ફોન અને કનેક્શન મેળવી શકશે. ગ્રામ્ય લોકોને રૃ.૩૦નું વિનામૂલ્યે રિચાર્જ સુવિધા પૂરી પાડવામાં આવશે. જે તેમને ૩૦ મિનિટનો એરટાઈમ,  ૩૦ એસએમએસ અને ૩૦ એમબી ડેટાનો ઉપયોગ કરવા  માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટના ઝડપી અમલના પ્રોસિજરને લગતો વિલંબ ઊભો કરી શકે છે.  સરકારે  રૃ.૨૦,૦૦૦ કરોડનો નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પ્રોજેક્ટને  સંપન્ન કરવાની તારીખ બે વર્ષ પાછી ઠેલી છે. ઓપ્ટિક ફાઈબર પ્રોજેક્ટના અમલની જવાબદારી જાહેર ક્ષેત્રના ત્રણ એકમો બીએસએનએલ, એરટેલ અને પાવરગ્રીડને સોંપાઈ છે, પરંતુ અમલ કરતાં સંસ્થાઓ વચ્ચે સંકલનને અભાવના વચ્ચે આ પ્રોજેક્ટ પાઈલટ તબક્કાથી આગળ વધી શક્યો નથી.

  ----------------------------------------------------------------------

  મોબાઈલનું વેચાણ વધારવા બ્લેકબેરી ભારતમાં પ્રવેશશે

  ભારતીય ટેલિકોમ કંપનીઓ સાથે ડેટા બંડલિંગ કરશે

  મુંબઈ ઃ બ્લેકબેરી કંપની દ્વારા હાલમાં ભારતમાં તેના મોબાઈલ ફોનનું વેચાણ વધારવાના ભાગરૃપે વિવિધ ઈન્ડિયન ટેલિકોમ કંપનીઓ સાથે ડેટા બંડલિંગ માટેની ચર્ચા ચાલી રહી છે. આઈફોન-પાંચ જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશનની સુવિધા બે વર્ષના સમયગાળા માટે પૂરી પાડવાનો કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે તેની કિંમત ગણતરી અનુસાર પ્રતિ મહિનાના રૃ. ૩,૦૦૦ કરતાં પણ ઓછી છે. આ ઉપરાંત બેઝિક મોડલ માટે કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું એડ્વાન્સમાં પેમેન્ટ કરવામાં આવતું નથી.

  રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા પ્રારંભિક તબક્કે બહાર પાડવામાં આવેલા આઈફોનના સ્ટોકનું વેચાણ આ અંગેની જાહેર થયાની ગણતરીની મિનિટમાં જ થઈ ગયું હતું. બ્લેકબેરીનું ફાયનાન્શિગ મોડલ રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલ એપલના ફોન જેવો નથી. છેલ્લા થોડા સમયમાં ભારતમાં સ્માર્ટફોનના વેચાણમાં વધારો થયો છે અને દેશમાં સેમસંગ, સોની અને એપલ જેવી કંપનીઓના ફોનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને આ બાબતે બ્લેકબેરી કંપની તેના ફોનના વેચાણ માટે સતત સંઘર્ષ કરી રહી છે. બ્લેકબેરીના જણાવ્યા અનુસાર હાલમાં કંપની દ્વારા તેની એન્ટરપ્રાઈઝ અને નાની ઓફિસ દ્વારા ફોનનું સારા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. બ્લેકબેરી એન્ટરપ્રાઈઝ સર્વર ૧૦ના ઉપયોગ કરતાં હોય તેવા ગ્રાહકોની સંખ્યા ૧,૦૦૦ જેટલી થઈ છે. ગ્રાહકોની સંખ્યામાં થયેલો વધારો માત્ર છ મહિના જેટલા ઓછા ગાળામાં જ જોવા મળ્યો છે.

  જ્યારે બ્લેકબેરીના આગળનાં વર્જન ગ્રાહકો ૨,૦૦૦ હતા. હાલમાં બ્લેકબેરી દ્વારા કલાઉડ લેઝડ સર્વિસ પણ શરૃ કરવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને આ સર્વિસનો લાભ નાની કંપનીઓ આ માટેની માસિક ફી ચૂકવીને લઈ શકશે. ભારત 'એસએમઈએસ'માં ચીન પછી બીજા ક્રમાકે આવે છે હાલમાં આ માટે મેનપાવર કે હાર્ડવેરી કોઈપણ જરૃરિયાત રહેતી નથી અને આ બાબતે પણ ઘણી બચત થશે અને આ તમામ સર્વિસ માસિક સબસ્ક્રિપ્શનના આધારે પ્રાપ્ત થશે. એક વર્ષ અગાઉ જ્યારે માર્કેટમાં ઘણી કંપનીઓ દ્વારા સ્માર્ટ ફોનનું ધૂમ વેચાણ કરવામાં આવ્યું ત્યારે અન્ય કંપનીઓના મોબાઈલ ફોનની સરખામણીમાં બ્લેકબેરીની કિંમત વધુ હતી. જે લગભગ ૧૦ ટકા જેટલી વધુ હતી. બ્લેકબેરીના ફોન ૧૧,૦૦૦થી શરૃ થતા હતા.

  ----------------------------------------------------------------------

  જીએસટી ગયુંઃ હવે નવી સરકારમાં શરૃ થશે અમલ

  યુપીએ સરકારના બાકી રહેલા કાર્યકાળમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા વિધેયક પસાર થવાની શક્યતાઓ ધૂંધળી

  શિલોંગ, વસ્તુઓ અને સેવા કર (જીએસટી) પર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હજુ સુધી ખતમ થયો નથી, કારણ કે બંને પક્ષ પોતપોતાના મુદ્દે વિરોધાભાસ બતાવી રહ્યા છે. રાજ્યોએ સર્વસંમતિથી પેટ્રોલિયમ પદાર્થો અને શરાબને જીએસટીના અધિકાર ક્ષેત્રમાં રાખવાનો સાફ ઇનકાર કરી દીધો છે તો બીજી તરફ કેન્દ્ર સતત આ ચીજોને જીએસટીના અધિકાર ક્ષેત્રમાં રાખવા દબાણ કરી રહ્યું છે. રાજ્યોનું કહેવું છે કે તેમની નાણાકીય સ્વાયત્તતાને ધ્યાનમાં રાખીને કોઇ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે. તેની સાથે જ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારના વધેલા કાર્યકાળમાં સંસદમાં જીએસટી પર સંવિધાન સુધારા વિધેયક પસાર થવાની સંભાવનાને ધૂંધળી જોઇ રહ્યા છે.

  આ વિધેયકના મુસદ્દા પર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિરોધાભાસ છે. એક તરફ રાજ્ય સરકારોએ એન્ટ્રી ટેક્સ ચાલુ રાખવા માટે અને પેટ્રોલિયમ પદાર્થો તેમજ શરાબને જીએસટીમાંથી બહાર રાખવા માટે રજૂઆત કરી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારનું વલણ તેનાથી વિરુદ્ધમાં છે. રાજ્યોએ સંવિધાન સુધારા વિધેયક બિલ જીએસટીમાં થનારા નુકસાનની ભરપાઇ માટે સ્પષ્ટ પ્રાવધાનની માગણી કરી છે. રાજ્યોના નાણાપ્રધાનોની અધિકાર પ્રાપ્તિ સમિતિના અધ્યક્ષ અબ્દુલ રહીમ રાખરે સમિતિની બેઠક બાદ જણાવ્યું હતું કે એક બાબતે સર્વસંમતિ છે કે પેટ્રોલિયમ અને આલ્કોહોલને જીએસટીના અધિકાર ક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવે.

  રાખરે કહ્યું હતું કે રાજ્યોની આવકનો આ મુખ્ય સ્રોત છે. જો તેને સામેલ કરવામાં આવે તો રાજ્યોને મોટું નુકસાન થાય. બે દિવસની બેઠકમાં પહેલા દિવસે અન્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં રાજ્યોના વળતરની ચુકવણી માટે સ્વાયત્ત વ્યવસ્થા શરૃ કરવાનો મુદ્દો સામેલ છે, જે બાબતે સર્વસંમતિ બની છે. સુધારા વિધેયકમાં એવું કંઇ પણ ન સમાવવામાં આવે જેના કારણે મુખ્ય ઢાંચો બનાવાયો છે તેને નુકસાન થાય.

  અધિકાર પ્રાપ્ત સમિતિએ કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે સુધારા વિધેયક બિલમાં સ્પષ્ટ વળતર ચુકવણી માટેની બાબત હોવી જોઇએ કે જીએસટી લાગુ થવાને કારણે રાજ્યોને થનારું નુકસાન કેન્દ્ર ભરપાઇ કરશે. સંસદની સ્થાયી સમિતિએ પણ જીએસટની ક્ષતિપૂર્તિ માટે અલગ વ્યવસ્થા બનાવવાનું સૂચન કર્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે આ બાબત સુધારા વિધેયકમાં સામેલ કરી નથી. રાખેરે વધુમાં કહ્યું કે સમિતિએ નિર્ણય લીધો છે કે જાહેર કરાયેલી વસ્તુ માટે પુનઃ વ્યવસ્થા ન થવી જોઇએ. કેટલીક વિશેષ મહત્ત્વ ધરાવતી વસ્તુ જાહેર કરવાનો અધિકાર કેન્દ્ર પાસે ન હોવો જોઇએ.

  ----------------------------------------------------------------------

  'હવે ગેસના ચૂલાને મળશે સ્ટાર'

  વિવિધ પ્રકારના ગેસના સ્ટવ તથા ડીઝલ પંપ માટે સ્ટાર રેટિંગ અપાશે

  અમદાવાદ, પેટ્રોલિયમ મિનિસ્ટ્રી રસોઈ માટેના ગેસના સ્ટવ માટે એક અઠવાડિયાના સમયગાળા દરમિયાન 'સ્ટાર રેટિંગ' શરૃ કરશે. આ કવાયત સરકાર દ્વારા ઈંધણ બચત અભિયાન અંતર્ગત શરૃ કરવામાં આવશે. આ સ્ટાર રેટિંગ વ્યવસ્થા ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા ડિઝલ પંપ પર લાગુ પાડવામાં આવશે. આ અભિયાનનો હેતુ તેલ આયાત બિલના પાંચ અરબ ડોલરની બચત કરવાનો છે.

  બીઈઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર થોડા દિવસના સમયગાળામાં જ વિવિધ ગેસના સ્ટવ તથા ડીઝલના પંપ માટે સ્ટાર રેટિંગ આપવામાં આવશે અને આ દ્વારા ઈંધણની બચત કરવામાં આવશે. હાલમાં આ માટેની કેટલીક મહત્ત્વની કામગીરી પેટ્રોલિયમ મંત્રાલય તથા પીસીઆરઆઈ સાથે મળીને કરવામાં આવી રહી છે. આગામી છ માસ દરમિયાન રાજ્યની રોડવેઝ બસોના ૨૦,૦૦ ચાલકોને શિક્ષણ આપવાની યોજના બનાવવામાં આવી છે. આગામી બે માસમાં ૩૦ હજાર ટ્રક ડ્રાઈવરોને ટ્રેનિંગ અપાશે. આ દરમિયાન સ્ટાર રેટિંગની વ્યવસ્થા માત્ર ઈલેક્ટ્રોનિક ઉપકરણો, રેફ્રિજેટર, એસી., ટ્યૂબલાઈટ, ટ્રાન્સફોર્મર અને ઈન્ડકશન મોટરો માટે છે. પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પન મોઈલીએ યાત્રીઓ અને ટ્રક માટે જુદા જુદા ઈંધણ વપરાશના માપદંડનું સૂચન આપ્યું છે. તેવી જ રીતે ડીઝલપંપ, જનરેટર અને બોઈલર માટે અલગ માપદંડ બનાવવાનું સૂચન કર્યું છે.

  ----------------------------------------------------------------------

  ટાટા-બિરલા સહિતના ૧૧ કોલ બ્લોક્સ રદ થવાનાં એંધાણ

  પેનલ દ્વારા આ અંગે કોઈ પણ પ્રોગ્રેસ ન થયાનો અહેવાલ

  નવી દિલ્હી, બ્લોક ડેવલપમેન્ટમાં મોડું કરવાને કારણે ટાટા સન્સ, જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર, બિરલા કોર્પોરેશન અને મોનેટ ઈસ્પાત એન્ડ એનર્જી સહિત ૧૧ જેટલી કંપનીઓના કોલ માઈનિંગ (કોલસાનું ખનન) લાયસન્સ રદ કરવામાં આવે તેવી શક્યતા છે. પેનલ દ્વારા ત્રણ કોલ બ્લોક્સ છે જે જિન્દાલ સ્ટીલ એન્ડ પાવરના છે તેમને બે કોલ બ્લોક્સ કે જે મોનેટ ઈસ્પાતના છે તેનો યોગ્ય પ્રમાણમાં વિકાસ થયો નથી તેવી નોંધ લેવામાં આવી છે અને આ માટે પરવાનગી રદ કરવા અંગેનું રિકોમોડેશન આપવામાં આવ્યું છે.

  કોલ મિનિસ્ટ્રીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બે મોટા કોલ બ્લોક્સ જે જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર અને ટાટા સન્સને દેશના પાઈલટ પ્રોજેક્ટ માટે આપવામાં આવ્યા છે તેેમાં પણ કોઈપણ જાતનું કાર્ય કંપની દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવ્યું નથી અને આ કારણે આ બ્લોકને આપવામાં આવેલી પરવાનગી પણ રદ કરાય તેવી શક્યતા છે.

  સ્ટ્રેટેજિક એનર્જી ટેકનોલોજી સિસ્ટમને આરખાપોલા બ્લોક સીટીએલ પ્રોજેક્ટ માટે આપવામાં આવ્યો હતો. જિન્દાલ સ્ટીલ એન્ડ પાવરને રામચંદાની પ્રમોશનલ બ્લોક આ જ પ્રકારના એક પ્રોજેક્ટ માટે આપવામાં આવ્યો હતો. આ માટેના દરેક પ્રોજેક્ટ માટે ૪૫,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

  ----------------------------------------------------------------------

  પ્રાઈસવોટર MCXનું સ્પેશિયલ ઓડિટ કરશે

  મુંબઈ ઃ વૈશ્વિક ઓડિટિંગ કંપની પ્રાઈસવોટર હાઉસ કૂપર્સ (પીડબલ્યુસી) એમસીએક્સનું સ્પેશિયલ ઓડિટ કરશે. જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચોક્સી એન્ડ ચોક્સી એનએસઈએલ પર કરાયેલા બુલિયન કોન્ટ્રેક્ટનું ફોરેન્સિક ઓડિટ કરશે. એમસીએક્સ બોર્ડની ઓડિટ કમિટીએ સ્પેશિયલ ઓડિટ માટે પીડબલ્યુસીના નામની દરખાસ્ત રજુ કરી હતી, જેને અમે મંજૂરી આપી છે એવું એફએમસીના ચેરમેન રમેશ અભિષેકે જણાવ્યું હતું. સ્પેશિયલ ઓડિટના ટર્મ્સ ઓફ રેફરન્સમાં પાર્ટી ટ્રેડ અને પાર્ટીને લગતા અન્ય ટ્રાન્ઝેકશનને આવરી લેવામાં આવશે તેવું રમેશ અભિષેકે ઉમેર્યું હતું. એનએસઈએલમાં ધ્યાન પર આવેલી ગેરરીતિઓના પગલે ગયા મહિને સ્પેશિયલ ઓડિટનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ગેરરીતિઓને કારણે સરકારના આદેશના પગલે એનએસઈએલ પર જુલાઈના અંતથી ટ્રેડિંગ સ્થગિત કરી દેવાયું હતું.

  એનએસઈએલ એફટી ગ્રૂપની સબસિડિયરી હોવાથી એમસીએક્સ પર સબસિડિયરીના ટ્રેડિંગને પોતાના જ એક્સચેન્જ પરના શેરહોલ્ડર ટ્રેડિંગની સમકક્ષ માનવામાં આવે છે. જે માટે કોમોડિટી માર્કેટના નિયમો મંજૂરી આપતા નથી. ત્રણ વર્ષ પહેલાં હરીફ કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સ પર પૂર્વ એન્કર ઈન્વેસ્ટર્સ જયપી કેપિટલ દ્વારા કરાયેલા ટ્રેડિંગ બદલ તેની સામે પગલાં લેવામાં આવ્યાં હતાં.

  ----------------------------------------------------------------------

  એક્સિસ બેન્ક ટૂંકમાં વિદેશી માલિકીની બેન્ક બનશે

  વિદેશી રોકાણ વધવાના કારણે ટંૂક સમયમાં બેન્ક ફોરેન બેન્ક બનશે

  નવી દિલ્હી, પ્રાઈવેટ સેક્ટરની એક્સિસ બેન્કને ફોરેન ઈન્વેસ્ટમેન્ટની સીમા ૬૨ ટકા કરવા માટેની મંજૂરી મળી ગયા બાદ ટૂંક સમયમાં જ એક્સિસ બેન્ક વિદેશી માલિકી ધરાવતી બેન્ક બનશે. આ કારણે બેન્કમાં ૬,૨૦૦ કરોડ રૃપિયા આવશે. તાજેતરમાં જ બેન્કને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરી મળી છે.

  હવે આ બાબતની વધુ મંજૂરી પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આપશે અને આ માટે ૧,૨૦૦ કરોડ રૃપિયાનું મૂડીરોકાણ કરવામાં આવશે. એક્સિસ બેન્કે તેની ફોરેન ઈન્વેસ્ટમેન્ટ સીમા ૪૯ ટકાથી વધારીને ૬૨ ટકા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થવાની સાથે જ એક્સિસ બેન્ક ફોરેન બેન્ક બની જશે. આગામી સમયમાં કરવામાં આવનાર મૂડીરોકાણ એફડીઆઈની નીતિ મુજબ કરવામાં આવશે.

  ----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License