• 07-02-13

--------------------------------------
 

 • કિંગફિશર એરલાઈન્સની મુંબઈ હેડ ઓફિસ પણ બંધ થઈ ગઈ

  કોલ ઈન્ડિયાએ ઈંધણ માટે ત્રણ કંપનીઓ સાથે કરાર કર્યા

  નોન લાઈફ ઈન્સ્યોરન્સની પ્રીમિયમની આવકમાં ૨૦ ટકાનો વધારો

  વર્ષ ૨૦૧૨માં રૂ.૮૪,૦૦૦ કરોડની લોન રિસ્ટ્રક્ચરિંગ થઈ

  બજેટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સર્વિસ ટેક્સ લાગવાની શક્યતા

  બજેટમાં રૂ. ૧,૦૦૦ના પ્રીમિયમવાળી પોલિસી કરમુક્તિની શક્યતા

  એનટીપીસીનો ઓએફએસ રૂ.૧૪પથી ૧પ૦ની વચ્ચે ખૂલે તેવી શક્યતા

  કંપનીઓએ મર્જર-ડીમર્જરની પ્રક્રિયાઃ સેબીની મંજૂરી લેવાની રહેશે

  -----------------------------------------------------------------------કંપનીઓએ મર્જર અને ડીમર્જરની પ્રક્રિયા માટે સેબીની મંજૂરી લેવાની રહેશે

  મર્જર અને ડીમર્જરની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે, જેના કારણે નાના રોકાણકારોનાં હિતોનું રક્ષણ થશે

  મુંબઈ, બુધવાર - હવેથી શેરબજારમાં ટ્રેડિંગ થતું હોય તેવી તમામ કંપનીઓએ મર્જર, ડીમર્જર સોદા માટે સેબીની મંજૂરી ફરજિયાત લેવી પડશે. નોંધનીય છે કે અત્યાર સુધી કંપનીઓ કોર્ટની મંજૂરી તથા સ્ટોક એક્સચેન્જ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવીને સોદાઓને માન્યતા આપતી હતી. જાણકારોના જણાવ્યા પ્રમાણે કંપનીઓના આ સોદામાં નાના રોકાણકારોનાં હિત સામે કેટલાક સવાલો ઊભા થતા હતા. તેને લઈને સેબીએ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે.

  નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાના રોકાણકારનાં હિત ન હોય તેવી કંપનીઓના મર્જર અને ડીમર્જરના સોદા પણ પ્રમોટર્સ દ્વારા થતા હતા. સેબીના એક પરિપત્રમાં જણાવાયું છે કે કેટલીક કંપનીઓ તરફથી કેટલીક એવી વસ્તુઓ મળી હતી કે જેમાં છૂટછાટ માગવામાં આવી હોય અને અપૂરતી વિગતો પણ જાહેર કરવામાં આવી હોય તેવી વિગતો સેબીના ધ્યાન પર આવી હતી. આવી અરજીઓ નાના રોકાણકારોનાં હિતમાં નહોતી, જેને લઈને સેબીએ કેટલીક પ્રક્રિયામાં સુધારા-વધારા કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

  સેબીએ ૨૧ દિવસ માટે જાહેર ચકાસણી માટે કંપનીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી પ્રાપ્ત કરેલા સ્કીમ વેલ્યુએશન રિપોર્ટ, સ્કીમ પર યોગ્ય અભિપ્રાય અને ઓડિટ કમિટીના અવલોકન જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

  જાણકારોના કહેવા પ્રમાણે આ અગાઉ સ્ટોક એક્સચેન્જ પાસેથી એનઓસી મેળવવાનું રહેતું હતું, પરંતુ હવેથી સેબી પાસેથી મંજૂરી મેળવવાની રહેશે. તેઓના કહેવા પ્રમાણે વેલ્યુએશન રિપોર્ટ અને અભિપ્રાય પ્રમાણે વેલ્યુએશન રિપોર્ટ અને અભિપ્રાય લોકો સમક્ષ જાહેર થવાથી કંપનીઓ વચ્ચે થતી મર્જર અને ડીમર્જર પ્રક્રિયા વધુ પારદર્શક બનશે એટલું જ નહીં, પબ્લિક શેરહોલ્ડર્સની મંજૂરી માગવાથી શેરહોલ્ડર્સનાં હિતોનું રક્ષણ થશે.

  જોકે સેબીની આ તમામ પ્રક્રિયાથી પહેલાં એકાદ મહિનામાં પ્રોસેસ પૂરી થઈ હતી તે સમયગાળો હવે વધીને બેથી ત્રણ મહિનાનો થાય તેવી શક્યતા છે. લિસ્ટેડ કંપનીઓએ મંજૂરી માગવા શેરહોલ્ડર્સને મોકલેલી નોટિસમાં સ્ટોક એક્સચેન્જનો અવલોકનપત્ર પણ સામેલ કરવો પડશે તથા કોર્ટના ધ્યાન ઉપર આ બાબત લાવવી પડશે તેમ સેબીના પરિપત્રમાં જણાવાયું છે.

  -----------------------------------------------------------------------

  આવતી કાલે એનટીપીસીનો ઓએફએસ રૃ.૧૪પથી ૧પ૦ની વચ્ચે ખૂલે તેવી શક્યતા

  ઓઈલ ઈન્ડિયા અને એનએમડીસીના ડિસઈન્વેસ્ટમેન્ટ બાદ હવે એનટીપીસીનો ૯.પ ટકા હિસ્સો સરકાર વેચશે

  નવી દિલ્હી, બુધવાર - કેન્દ્ર સરકારે પાવર સેકટરની અગ્રણી પીએસયુ કંપની એનટીપીસી (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન)ને ડિસઈન્વેસ્ટમેન્ટ કરવા મંજૂરી આપી દીધી છે. આ સંબંધે એમ્પાવર્ડ ગ્રૂપ ઓફ મિનિસ્ટ્રીની બેઠકમાં નિર્ણય લેવાઈ ગયો છે. આવતીકાલે કંપનીનો ઓફર ફોર સેલ (ઓએફએસ) ખૂલશે. જેમાં ફલોર પ્રાઈઝ નક્કી થશે. બજારના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ આવતીકાલે રૃ.૧૪પથી ૧પ૦ વચ્ચે કંપનીનો ઓએફએસ ખૂલી શકે છે.  આજે શરૃઆતે આ શેર રૃ.૧પ૪.૬૦ના ભાવે ખૂલ્યો હતો. જે પાછળથી ઘટીને રૃ.૧પ૩.૧૦ના ભાવે પહોંચ્યો હતો.

  કેન્દ્ર સરકાર કંપનીમાં ૯.પ ટકાનો હિસ્સો વેચશે. ડિસઈન્વેસ્ટમેન્ટ થકી આ કંપનીમાં શેર હિસ્સો વેચી રૃ.૧ર,૦૦૦ કરોડ મેળવવાનો સરકારનો લક્ષ્યાંક છે. આમ કંપનીમાં સરકારની ૮૪.પ ટકાથી ભાગીદારી ઘટીને ૭પ ટકા થઈ જશે. કેન્દ્ર સરકારે આ સંદર્ભે એસબીઆઈ કેપિટલ માર્કેટ, મોર્ગન સ્ટેન્લી તથા સિટી ગ્રૂપને મર્ચન્ટ બેન્કર તરીકે નિયુકત કરેલ છે.

  પાછલા સપ્તાહમાં કેન્દ્ર સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગે ઓઈલ ઈન્ડિયા, એનએમડીસી, હિંદુસ્તાન કોપર અને ઓએનજીસી કંપનીનો ઓફર ફોર સેલ લાવી હતી અને આ દ્વારા સરકારે પોતાનો હિસ્સો ઘટાડયો હતો. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સરકારના આ પ્રયત્નમાં ઓઈલ ઈન્ડિયાને અને એનએમડીસી કંપનીનો ઓએફએસ ખૂબ જ સફળ રહ્યો હતો. જેના પગલે સરકાર બીજી પીએસયુ કંપનીનો હિસ્સો ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના બનાવી રહી છે. નોંધનીય છે કે બજેટમાં સરકારે પીએસયુના ડિસઈન્વેસ્ટમેન્ટ થકી રૃ.૩૦,૦૦૦ કરોડ એકઠા કરવાનો લક્ષ્યાંક છે. હવે જ્યારે નાણાકીય વર્ષ ર૦૧ર-૧૩ પૂર્ણ થવાની બે મહિનાની વાર છે ત્યારે સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગે પીએસયુના ડિસઈન્વેસ્ટમેન્ટની કાર્યવાહી ઝડપી બનાવી છે.

  -----------------------------------------------------------------------

  બજેટમાં રૂ. ૧,૦૦૦ના પ્રીમિયમવાળી પોલિસી કરમુક્ત થવાની શક્યતા

  હાલ વાર્ષિક માત્ર રૂ. ૫૦ના પ્રીમિયમવાળી ઈન્સ્યોરન્સ પોલિસી કરમુક્ત ગણવામાં આવે છે

  નવી દિલ્હીઃ ઔદ્યોગિક જગતની નજર આગામી સમયમાં આવનાર બજેટ ૨૦૧૩-૧૪ પર મંડાયેલી છે ત્યારે વિવિવધ સેક્ટર દ્વારા બજેટમાં જરૃરી સુધારા-વધારાનું સૂચન પણ કરવામાં આવતુ હોય છે. આ વખતે બજેટમાં ઈન્સ્યોરન્સ સેક્ટર દ્વારા રૂ. ૧,૦૦૦ સુધીના પ્રીમિયમ વાળી વીમા પોલિસી કરમુક્ત કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. જનરલ ઈન્સ્યોરન્સના વિકાસ અને વિસ્તરણ માટે બજેટમાં આ પ્રમાણેનું પગલું ભરવામાં આવે તે ખૂબ જરૃરી છે. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા નાણાં પ્રધાનની મુલાકાતમાં કરવેરામાં છૂટ આપવા બાબતે મુખ્ય બે માગણીઓ મુકવામાં આવી છે.

  જનરલ ઈન્સ્યોરન્સ દ્વારા નાણા વિભાગને અરજી કરવામાં આવી છે કે, રૂ. ૧,૦૦૦ના પ્રીમિય વાળી વીમા પોલિસી કરમુક્ત કરવી જોઈએ. હાલના સમયમાં વાર્ષિક રૂ. ૫૦નું પ્રીમિયમ હોય તેવી વીમા પોલિસીનો કરમુક્તીના દાયરા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ અવ્યવહારીક  છે, તેથી તેમાં વધારો કરીને રૂ. ૧,૦૦૦ની સીમા નક્કી કરવી જોઈએ. આ સિવાય જનરલ ઈન્સ્યોરન્સ દ્વારા નાણા વિભાગને ભલામણ કરવામાં આવી છે કે, કરવેરામાં છૂટની મર્યાદા વધારીને રૂ. એક લાખ સુધી કરવી જોઈએ. જો કરવેરાની મર્યાદામાં વધારો કરવામાં આવશે તો સમગ્ર પરિવારને વીમા હેઠળ અવારી લેવામાં પ્રોત્સાહન મળી શકે છે. આ યોજનામાં હેલ્થ ઈન્સ્યોરન્સ અને ગૃહ ઈન્સ્યોરન્સ સહિત સુરક્ષા આપતા મોટા ભાગની ઈન્સ્યોરન્સ પોલિસીઓનો સમાવેશ કરી શકાશે.

  હેલ્થ ઈન્સ્યોરન્સમાં હાલના સમયમાં વાર્ષિક રૂ. ૧૫,૦૦૦ સુધીના પ્રીમિયમને કરમુક્ત ગણવામાં આવે છે. ભારતમાં સ્વાસ્થ્યને લગતા કુલ ખર્ચમાં ૮૦ ટકા હિસ્સો લોકો તેમના ખિસ્સામાંથી કાઢતા હોય છે. આમ, આ સમયગાળામાં હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ વધી જતુ હોય છે. ઈન્સ્યોરન્સ સેક્ટરના મત પ્રમાણે તેમના દ્વારા કરવામાં આવેલી માગણીઓને બજેટમાં માનવામાં આવે તેવી શક્યતા છે.

  બજેટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સર્વિસ ટેક્સ લાગવાની શક્યતા

  ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને મળતી ટેક્સ રાહતો આ બેજટમાં પૂરી થઈ જાય તેવી શક્યતાઓ છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કેલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સર્વિસ ટેક્સ શરૃ કરવામાં આવે તેવી શક્યતા છે. ઈન્ફ્રા સેક્ટરમાં બે રીતે સર્વિસ ટેક્સ શરૃ કરવામાં આવે તેવી શક્યતા છે.

  પ્રથમ ઈન્ફ્રા પ્રોજેક્ટમાં બહારથી આવતા કોન્ટ્રેક્ટર દ્વારા કરવામાં આવતા કામને સર્વિસ ટેક્સમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. તેના પર ૧૨ ટકા લેખે સર્વિસ ટેક્સ લગાવવામાં આવે તેવો અંદાજ છે. બીજી રીતે હાઈવે પ્રોજેક્ટ જેવા ઈન્ફ્રા પ્રોજેક્ટમાં થતા નફા પર મળતી ટેક્સ છૂટને પાછી ખેંચી લેવામાં આવે તેવો અંદાજ છે. તેના બદલે આ પ્રોજક્ટમાં રોકાણ કરનારને ટેક્સ છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે. આમ, ઈન્ફ્રા સેક્ટરમાં રોકાણ વધારી શકાશે અને નફા પર મળતી ટેક્સ છૂટને પાછી ખેંચી લેવામાં આવે તો વિવાદોથી પણ બચી શકાય છે. 

  -----------------------------------------------------------------------

  વર્ષ ૨૦૧૨માં રૂ.૮૪,૦૦૦ કરોડની લોન રિસ્ટ્રક્ચરિંગ થઈ

  ૧૨૬ કંપનીના કેસ લોન રિસ્ટ્રક્ચિરંગ માટે બેન્કો પાસે આવ્યા

  મુંબઈઃ વર્ષ ૨૦૧૨ના સમયગાળા દરમિયાન દેશની સ્થાનિક કંપનીઓએ રૂ. ૮૪,૦૦૦ કરોડના લોન રિસ્ટ્રક્ચરિંગની અરજી બેન્કોને કરી છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક કંપનીના ૧૨૬ લોન રિસ્ટ્રક્ચરિંગના કેસ બેન્કો પાસે આવ્યા છે. બેન્કના કોર્પારેટ લોન રિસ્ટ્રક્ચરિંગ (સીડીઆર) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે માત્ર ડિસેમ્બર મહિના દરમિયાન જ સ્થાનિક કંપનીઓ દ્વારા રૂ. ૨૦,૦૦૦ કરોડની લોન રિસ્ટ્રક્ચરિંગના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આમ, ડિસેમ્બર મહિનામાં ૨૫ લોન રિસ્ટ્રક્ચરિંગના કેસ દાખલ કરવામાં આવ્યા છે.

  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને સીડીઆર વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૧માં લોન રિસ્ટ્રક્ચરિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેથી કોર્પાેરેટ કંપનીઓ દ્વારા થોડી નાણાકીય મુશ્કેલીઓના કારણે ડિફોલ્ટ ન થાય અને બેન્કની એનપીએમાં પણ વધારો અટકાવી શકાય. કંપનીઓને તેમના ધિરાણના વધારે ભારણમાં થોડી હળવાશ આપવાની સાથે કંપનીઓના નાણાકીય હિતની રક્ષાના હેતુથી પણ કરવામાં આવી છે.

  આમ, આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા પ્રમાણે જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૧૨ના સમયગાળા દરમિયાન લોન રિસ્ટ્રક્ચરિંગના કુલ કેસ ૧૨૬ દ્વારા રૂ. ૮૪,૦૦૦ કરોડની લોન રિસ્ટ્રક્ચરિંગની અરજી નોંધવામાં આવી છે, જે અગાઉના વર્ષ સમાનગાળામાં ૮૬ કેસ દ્વારા રૂ. ૭૦,૦૦૦ કરોડની લોન રિસ્ટ્રક્ચરિંગની અરજી કરવામાં આવી હતી.

  -----------------------------------------------------------------------

  નોન લાઈફ ઈન્સ્યોરન્સની પ્રીમિયમની આવકમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો

  એપ્રિલથી ડિસેમ્બરમાં સામાન્ય વીમાની પ્રીમિયમની આવક રૂ. ૪૯,૮૯૧ કરોડ

  મુંબઈઃ વીમા ક્ષેત્રે લોકોની જાગૃતિમાં સતત વધારો આવતો હોવાથી હવે જીવન વીમાની સાથે સામાન્ય વીમાની પ્રીમિયમની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા માહિતી પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સામાન્ય વીમાની પ્રીમિયમની આવકમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રીમિયમની આવક રૂ. ૪૯,૮૯૧ નોંધવામાં આવી છે.

  ભારતમાં નોન લાઈફ ઈન્સ્યોરન્સમાં ૨૬ કંપનીઓ આવેલી છે. અગાઉના વર્ષે સમાનગાળામાં આ કંપનીઓની સામાન્ય વીમાના પ્રીમિયમની આવક રૂ. ૪૧,૮૮૭ કરોડ નોંધવામાં આવી હતી. ઈરડાના ચેરમેન જે. હરિનારાયણે જણાવ્યું છે કે સામાન્ય વીમામાં પણ છેલ્લા કેટલાક ગાળાથી વિકાસ જોવા મળી રહ્યો છે. જ્યારે લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. લાઈફ ઈન્સ્યોરન્સ ફેક્ટરમાં એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં પ્રીમિયમની આવકમાં ૧૨.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળાનો જીવન વીમાની પ્રીમિયમની આવક રૂ. ૬૯,૧૮૪ કરોડ નોંધવામાં આવી છે. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. ૭૯,૧૫૩ કરોડ નોંધવામાં આવી છે. ચાલુ મહિને રજૂ થનાર બજેટમાં રૂ. ૧,૦૦૦ના પ્રીમિયમ સુધીની પોલિસીને કરમુક્ત ગણવામાં આવે તો નોન લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં વધુ તેજી આવવાની શક્યતા છે.

  -----------------------------------------------------------------------

  કોલ ઈન્ડિયાએ ઈંધણ માટે ત્રણ કંપનીઓ સાથે કરાર કર્યા

  નવી દિલ્હીઃ કોલ ઈન્ડિયા કંપનીમાં વીજળીનો વધારે વપરાશ હોવાથી વધારે વીજળી મેળવવા માટે કંપનીએ અન્ય ત્રણ કંપની સાથે જોડાણ કરાર કર્યા છે. આ ત્રણ કંપનીઓમાં મૈથાન પાવર, રોઝા પાવર સપ્લાય અને આધુનિક પાવર એન્ડ નેચરલ રિસોર્સનો સમાવેશ થયો છે. આ સિવાય પણ કંપની અન્ય આઠ કંપનીઓ સાથે જોડાણ કરાર કરવાનું આયોજન કરી રહી છે. કોલ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ પહેલાં પણ કંપનીએ અન્ય ૫૪ કંપનીઓ સાથે વીજળી પૂરી પાડવાના કરાર કર્યા છે. અન્ય જે આઠ કંપનીઓ સાથે જોડાણ કરાર કરવાના છે તે કંપનીઓ સાથે સમજૂતી કરી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કરાર કરવામાં આવ્યા નથી. જે આઠ કંપનીઓ સાથે હજુ કરાર કરવામાં આવ્યા નથી તેમાં ધારીવાલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એસકેએસ પાવર જનરેશન છત્તીસગઢ, એનઆરઆઈ પાવર એન્ડ સ્ટીલ, મારુતિ ક્લીન કોલ એન્ડ પાવર લિ. નીરજ પાવર લિ. અને યુપીપીસીએલનો સમાવેશ થયો છે. કોલ ઈન્ડિયા દેશમાં સૌથી વધારે કોલસાનું ઉત્પાદન કરતી કંપની છે. કોલ ઈન્ડિયા દ્વારા વધુમાં વધુ ઈંધણ મેળવવા માટે આ પ્રમાણેની કંપનીઓ સાથે જોડાણ કરાર કરવામાં આવ્યા છે. 

  -----------------------------------------------------------------------

  કિંગફિશર એરલાઈન્સની મુંબઈ હેડ ઓફિસ પણ બંધ થઈ ગઈ

  નવી દિલ્હીઃ દેવા તળે દબાયેલી એરલાઈન્સ કંપની કિંગફિશરનું ત્રીજા ત્રિમાસિક ગાળામાં ખૂબ નુકસાન નોંધવામાં આવ્યું છે. ઓડિટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઓકટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીનું ચોખ્ખું નુકસાન રૃ. ૭૫૫.૧૭ કરોડ નોંધવામાં આવ્યું છે. ઓડિટર્સના મત પ્રમાણે કુલ નુકસાનની રકમ રૂ. ૧,૦૯૦ કરોડની સપાટીએ પહોંચી ગઈ છે. ડિસેમ્બર ૨૦૧૨ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીની ખોટ અગાઉના વર્ષના સમાનગાળાની સરખામણીએ ૭૦ ટકા વધી ગઈ છે. અગાઉના વર્ષે સમાનગાળામાં કંપનીની ખોટ રૂ. ૪૪૪.૨૬ કરોડ નોંધવામાં આવી હતી. ઓક્ટોબર મહિનાથી કિંગફિશર એરલાઈન્સની સેવાઓ બંધ કરી દેવામાં આવી હોવાથી આ સમયગાળામાં કંપનીનીકોઈ આવક નોંધવામાં આવી નથી, જ્યારે અગાઉના વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂ. ૧,૩૬૭.૭૧ કરોડ નોંધવામાં આવી હતી. કંપનીના ઓડિટર્સે જણાવ્યું છે કે, જો ખોટમાં ટેક્સ અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કંપનીનું નુકસાન રૂ. ૧,૦૯૦ કરોડની સપાટીએ પહોચી ગયું છે. કિંગફિશર કંપની પર હાલ રૂ. ૮,૦૦૦ કરોડનું દેવું છે. કિંગફિશરની મુંબઈની હેડ ઓફિસમાંથી વીજળીનું બીલ ભરવામાં આવ્યુ ન હોવાથી ઈલેક્ટ્રિસિટી વિભાગ દ્વારા હેડ ઓફિસની વીજળી કાપી દેવામાં આવી છે અને પરિણામે કંપનીએ હેડ ઓફિસ પણ બંધ કરવાનો વારો આવ્યો છે. 

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License