17-01-2014

-----------------

-----------------

------------------

 
 

 

 ૬૧ કોલ બ્લોક્સ રદ કરવા ખાનગી કંપનીઓને નોટિસ

નવી દિલ્હી, શુક્રવાર - સરકારે એવા તમામ કેપ્ટિવ કોલ બ્લોકની ફાળવણી રદ કરવાનો નિર્ણય રદ કર્યો છે. તેના માટે હજુ સુધી પર્યાવરણ અને વન વિભાગની મંજૂરી મેળવવામાં આવી નથી. સરકારે આ પ્રકારના ૬૧ કોલ બ્લોક પ્રાપ્ત કરનારી કંપનીઓને કારણદર્શક નોટિસ બજાવી છે. સરકારે ખાનગી કંપનીઓને નવેસરથી બજાવેલી નોટિસમાં માઈનિંગ લિઝ અને ગ્રીન ક્લિયરન્સને વેરિફાઈ કરવા માટે ડોક્યુમેન્ટસની માંગણી કરી છે.

સરકારે નોટિસમાં ચીમકી આપી છે કે આ કંપનીઓ જરૃરી શરતોની પૂર્તતા કરશે નહીં અથવા તો ઉત્પાદન નહીં શરૃ કરનાર ૬૧ કોલ બ્લોકનું લાઈસન્સ રદ કરી શકે છે. કોલસા મંત્રાલયે ગેરકાયદેસર રીતે કોલ બ્લોક ફાળવ્યા હોવાનો આક્ષેપ થયો છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. મંત્રાલયે અનેક પ્રાઈવેટ કંપનીઓને નોટિસ મોકલી છે. મંત્રાલય તરફથી જે કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે તેમાં આર્સેલર મિત્તલ, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર, રિલાયન્સ એનર્જી, મોનેટ ઈસ્પાત,  જીવીકે, લેન્કો અને ટાટા, એસ્સાર અને અદાણી ગ્રૂપની કેટલીક કંપનીઓનો સમાવેશ થાય છે. એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

કોલસા મંત્રાલયે કંપનીઓને મોકલેલી નોટિસમાં જણાવાયું છે કે, 'જરૃરી મંજૂરી અને ડોક્યુમેન્ટસ સોંપવા માટે ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવે છે. સમય મર્યાદાનાં એક સપ્તાહ બાદ કોલ બ્લોકની ફાળવણી રદ કરવાના પગલાં લેવામાં આવશે. સંબંધિત રાજ્ય સરકારો અને પર્યાવરણ અને વન મંત્રાલય પણ ત્રણ સપ્તાહમાં પોતાનો અભિપ્રાય મંત્રાલયને જણાવશે.'

સરકારે આ અગાઉ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ''આગામી ચારથી છ સપ્તાહમાં રિવ્યૂ બાદ ઓછામાં ઓછા ૪૧ કોલ બ્લોકસ રદ થઈ શકે છે. ખાનગી કંપનીઓને કોલ બ્લોક્સ ફાળવવાની પદ્ધતિ અંગે કેગ દ્વારા પણ કડક ટીકા કરવામાં આવી હતી. સરકાર એક કોલ બ્લોક્સના લાઈસન્સ રદ કરી શકે છે, જેમણે પ્રારંભિક વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી મેળવી નથી અને યોગ્ય રીતે એક્સપ્લોર કરવામાં આવ્યા નથી. જે બ્લોક્સના જીઓલોજિકલ રિપોર્ટ ૨૭ મહિનાની સમય મર્યાદામાં તૈયાર કરવામાં આવ્યા નથી કે જેમનાં લાઈસન્સ રદ થઈ શકે છે.

----------------------------------------------------------------------

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજના દર યથાવત્ રાખશે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ૨૮મી જાન્યુઆરીએ પોતાની મોનેટરી પોલિસીની સમીક્ષામાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરશે નહીં અને વ્યાજદરો યથાવત્ જાળવી રાખશે.

આ રિપોર્ટમાં જણાવ્યું છે કે ડિસેમ્બર ૨૦૧૩માં ફુગાવાનો દર યથાવત્ રહ્યો છે જેને લઈને રિઝર્વ બેન્કે પોલિસી દરોમાં કોઈ પણ નિર્ણય કરતા પહેલા વધુ આંકડાંઓની પ્રતીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો છ ટકા અને ગ્રાહક મૂલ્યો ભાવાંક પર આધારિત રિટેલ ફુગાવો ૯ ટકા રહી શકે છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે માત્ર આગામી વર્ષે જ વ્યાજદરોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાય છે. હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર ઘટીને ડિસેમ્બર ૨૦૧૩માં ૬.૧૬ ટકા અને રિટેલ ફુગાવો ઘટીને ૯.૮૭ ટકા રહેતાં હવે વ્યાજદર ઘટવાની શક્યતા ઓછી છે.

----------------------------------------------------------------------

ભારતી એરટેલ હવે લૂપનો મોબાઈલ બિઝનેસ ખરીદશે

મુંબઈ, શુક્રવાર - ભારતી એરટેલ મુંબઈ સ્થિત લૂપ મોબાઈલ ખરીદવાની તૈયારીમાં છે. આ ડીલ દ્વારા એરટેલને ૩૦ લાખ ગ્રાહકોનો આધાર મળશે. મુંબઈ સ્થિત સર્કલમાં ટેલિફોન લાઈસન્સ ધરાવતી કંપની લૂપ એરટેલ તથા અન્ય કંપનીઓ સાથે પોતાના બિઝનેસને રૃ. ૭૫૦ કરોડમાં વેચાણ કરવાના મામલે વાતચીત હાલ જારી છે.

લૂપ મોબાઈલ પર રૃ. ૪૦૦ કરોડનું દેવું છે. આખરી સોદામાં તેનો પણ સમાવેશ કરવામાં આવશે. જોકે લૂપ અને એરટેલ બંનેએ આ અંગે કોઈ ટિપ્પણી કરવા ઈનકાર કર્યો છે, પરંતુ આ મામલા સાથે સીધી રીતે સંકળાયેલાં સૂત્રોના પ્રમાણે કંપની પોતાના મોબાઈલ અને ટાવર બંને સાથે સંકળાયેલ બિઝનેસ વેચવાની તૈયારીમાં છે. લૂપની પાસે અત્યારે પ્રીમિયમ ૯૦ મેગા હર્ટ્ઝ બેન્ડમાં ૮ મેગા હર્ટ્ઝ સ્પેક્ટ્રમ છે, જેની વર્તમાન બેસ્ટ પ્રાઈસના હિસાબે કિંમત રૃ. ૨૬૨૪ કરોડ છે.

લૂપની પાસે ૨૦૦૦ મોબાઈલ ટાવર સાઈટ્સ છે, જેમાં ૫૦૦ કંપનીની માલિકીની છે. કેટલીક કંપનીઓ લૂપનો મોબાઈલ બિઝનેસ ખરીદવા માગે છે જ્યારે કેટલીક કંપનીઓને બંને બિઝનેસ ખરીદવામાં રસ છે, જો એરટેલ લૂપનો મોબાઈલ બિઝનેસ ખરીદશે તો કંપની તેનો ટાવર બિઝનેસ અલગ રીતે વહેંચશે. આ સોંદો સફળ થયા માદ મુંબઈ સર્વિસ એરિયામાં પ્રીમિયમ ૯૦૦ મેગા હર્ટ્ઝ બેન્ડમાં દાવેદારોની સંખ્યા ઓછી  થશે.

સપ્ટેમ્બર અંત સુધીમાં મુંબઈમાં એરટેલ પાસે  ૪૧ લાખ ગ્રાહકો હતા અને આ મામલામાં એરટેલ ત્રીજા સ્થાને હતું. લૂપના ગ્રાહકના ઉમેરા સાથે આ સર્કલમાં એરટેલ સૌૈથી મોટી ઓપરેટર કંપની બની જશે. હાલ ૬૮ લાખ  ગ્રાહકો સાથે વોડાફોન નંબર  વન ઉપર છે.

લૂપે ૩ ફેબ્રુઆરીના રોજ સૂચિત સ્પેક્ટ્રમ ઓકશનથી પોતાને બહાર રાખેલ છે. તેનું મુંબઈ લાઈસન્સ નવેમ્બરમાં સમાપ્ત થનાર છે અને કંપનીએ લાઈસન્સ રિન્યુઅલ માટે અરજી કરી છે.

----------------------------------------------------------------------

સોના-ચાંદીની જકાત પર સરકાર દ્વારા વધારો કરાયો

નવી દિલ્હી, શુક્રવાર - સરકાર દ્વારા ઇમ્પોર્ટ કરવામાં આવતાં સોના-ચાંદી પરની જકાતમાં વધારો કરવામાં આવ્યો છે. આ અનુસાર ૧૦ ગ્રામ સોના પરની જકાત ૪૦૭ યુએસ ડોલર નક્કી કરવામાં આવી છે, જ્યારે ચાંદી પર પ્રતિ કિલોદીઠ ૬૬૩ યુએસ ડોલર જકાત વસૂલવામાં આવશે. સોના-ચાંદી પરની જકાત નક્કી કરવા માટે ઇન્વોઇસ (બિલ)નો પણ આધાર લેવામાં આવશે.

અગાઉ પ્રતિ ૧૦ ગ્રામ સોના પર ૩૯૨ યુએસ ડોલર જકાત વસૂલવામાં આવતી હતી, જ્યારે ચાંદી પર પ્રતિ કિલોગ્રામદીઠ ૬૩૮ યુએસ ડોલર જકાત લેવામાં આવતી હતી. આ અંગેનું એક જાહેરનામું સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ (સીબીઇસી) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટ કરવામાં આવતા પિત્તળના ભંગાર પરની જકાતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ જકાત વેલ્યૂ હાલ પ્રતિટન ૩,૯૯૫ યુએસ ડોલર કરાઇ છે, જ્યારે ઇમ્પોર્ટેડ પોપી સીડની જકાતમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. હાલમાં ટનદીઠ પોપી સીડ પર ૩,૧૯૫ યુએસ ડોલર જકાત વસૂલવામાં આવે છે.

નોંધનીય છે કે સરકાર દ્વારા સોનાની આયાત ઘટાડવા માટે વિવિધ પ્રકારનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. આ માટે સરકાર દ્વારા કસ્ટમ ડ્યૂટીમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

----------------------------------------------------------------------

ઓબામા અમેરિકા માટે ૮૦ લાખ નવી નોકરીઓ લાવ્યા

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ એવો દાવો કર્યો છે કે તેમની આર્થિક નીતિના કારણે દેશમાં ૮૦ લાખ નવા રોજગાર ઊભા થશે. અમેરિકામાં આવેલી જબરદસ્ત મંદીના કારણે અર્થતંત્રમાં સંકટ ઊભું થયા બાદ આ રોજગારનું સર્જન થયું છે. વ્હાઈટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે અમેરિકાના અર્થતંત્રમાં કટોકટી ઉભી થયા બાદ પણ કંપનીઓએ ૮૦ લાખથી વધુ નવી નોકરીઓ ઊભી કરી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી આવી રહી છે, જેમાં ઓટો સેક્ટરનું પ્રદાન મહત્ત્વનું છે.

તેમણે જણાવ્યું છે કે અમારા રોકાણને કારણે નવી ટેકનોલોજી અને એફોર્ડેબલ એનર્જી લાવવામાં મદદ મળી છે અને મેડિકલ સુવિધાઓ પર થનાર ખર્ચમાં ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારો માટે અમેરિકા હવે વધુ આકર્ષક બની ગયું છે. ઓબામાએ જણાવ્યું હતું કે દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં એવા રોજગાર ફરીથી આવવા લાગ્યા છે, જે અગાઉ ચાલ્યા ગયા હતા. આ કારણસર અમેરિકા ફરી સ્પર્ધાત્મક સ્થિતિમાં આવી ગયું છે. ઓબામાએ ૨૦૧૪ને પોતાના મહત્ત્વપૂર્ણ વહીવટી લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે કાર્યવાહી કરવાનું વર્ષ જારી કર્યું છે. ૨૦૧૪નું વર્ષ એકશન વર્ષ તરીકે રહેશે. આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે તેઓ પોતાની કલમ અને ફોનનો ઉપયોગ જારી રાખશે.

----------------------------------------------------------------------

દિલ્હીમાં સરકારી એકમો પાસે પ્રોપર્ટી ટેક્સના રૃ.૩૦૦ કરોડ બાકી લેણા

નવી દિલ્હી : પૂર્વીય દિલ્હી નગર નિગમ (ઈડીએમસી)નો વિવિધ સરકારી સંસ્થાઓ અને નિગમો પાસે રૃ. ૩૦૦ કરોડથી વધુ રકમનો પ્રોપર્ટીટેક્સ બાકી નીકળે છે. નગર નિગમે પોતાના ટેક્સ વિભાગને બાકી પ્રોપર્ટીટેક્સ માટેની વસૂલાત માટે કડક પગલા લેવા સૂચના આપી છે. ટેક્સ ચૂકવવામાં ડિફોલ્ટ કરનાર સરકારી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.

ઈસ્ટ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના જનસંપર્ક  અધિકારીએ જણાવ્યું હતું કે વીતેલા વર્ષમાં વિવિધ સરકારી એકમો પાસેથી ૩૦૯ કરોડ રૃપિયાનો ટેક્સ બાકી નીકળે છે. જ્યારે ખાનગી મિલકતો પર પ્રોપર્ટીટેક્સની વસૂલાત સારી રહી છે. પ્રોપર્ટી ટેક્સની ચુકવણી કરવામાં ડિફોલ્ટ કરનાર સરકારી એકમોમાં દિલ્હી ટ્રા.કો., દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી, દિલ્હી પોલીસ, પોસ્ટઓફિસ, સામાજિક કલ્યાણ સંસ્કાર આશ્રમ વિભાગ, મહિલા અને બાળવિકાસ વિભાગ સહિતના સરકારી એકમોનો સમાવેશ થાય છે. બજેટ અનુસાર નગર નિગમે પ્રોપર્ટી ટેક્સ દ્વારા રૃ. ૨૦૦ કરોડની વસૂલાત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

----------------------------------------------------------------------

 આઈઓસીના ૧૦ ટકા હિસ્સાના ડિસઈન્વેસ્ટમેન્ટને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, શુક્રવાર - એમ્પાવર્ડ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (ઈજીઓએમ) દ્વારા ઈન્ડિયન ઓઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. ઈજીઓએમએ ક્રોસ હોલ્ડિંગ દ્વારા ઓઈલ ઈન્ડિયા અને ઓએનજીસીનો હિસ્સો વેચીને આઈઓસીનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો ૧૦ ટકા હિસ્સો સરકારની બે કંપનીને વેચવાની દરખાસ્ત માટે ઈજીઓએમની મંજૂરી મળવાની સાથે સરકાર હવે તેની બજેટ ખાધ ઘટાડવા માટે જરૃરી ભંડોળ ઊભું કરી શકશે. ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ આ હિસ્સો ખરીદશે એવું પેટ્રોલિયમ સચિવે જણાવ્યું હતું.

પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઈલીએ જણાવ્યું છે કે, ''સેબીના નિયમો અનુસાર આઈઓસીનું ડિસઈન્વેસ્ટમેન્ટ થશે. આઈઓસીના ડિસઈન્વેસ્ટમેન્ટની મોડેસ ઓપરેન્ડી નક્કી કરવામાં આવશે. જોકે ઈજીઓએમ દ્વારા બ્લોક ડીલ મારફતે આઈઓસીના ડિસઈન્વેસ્ટમેન્ટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.''

વાસ્તવમાં સરકાર અગાઉ ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા આઈઓસીનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવા માગતી હતી, પરંતુ પેટ્રોલયમ મંત્રાલયના વિરોધ બાદ ક્રોસ હોલ્ડિંગની મોડેસ ઓપરેન્ડીનો રસ્તો કાઢવામાં આવ્યો છે. પેટ્રોલિયમ સચીવના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહ સુધીમાં આઈઓસીનું ડિસઈન્વેસ્ટમેન્ટ નક્કી થઈ જશે. શેરના ભાવ ઓછા હોવાને કારણે ક્રોસ હોલ્ડિંગ દ્વારા ડિસઈન્વેસ્ટમેન્ટ થશે.

આઈઓસીમાં ૭૯ ટકાનો હિસ્સો ધરાવતી કેન્દ્ર સરકારને રૃ. ૪૮ અબજથી ૫૦ અબજ સુધીની રકમ મળશે એવું પેટ્રોલિયમ સચિવ વિવેકરાયે જણાવ્યું હતું.

સરકાર દ્વારા આઈઓસીના હિસ્સા સાથે કોલ ઈન્ડિયામાં પાંચ ટકાનો હિસ્સો વેચવા માટે મહિનાઓથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આ માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ નાણાં મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય વચ્ચે મતભેદોના કારણે આઈઓસીના ક્રોસ હોલ્ડિંગ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.

ઓએનજીસીના ચેરમેન સુધીર વાસુદેવે જણાવ્યું હતું કે, ''ઓએનજીસી આઈઓસીમાં પાંચ ટકા સુધીનો હિસ્સો ખરીદશે. આઈઓસીના ડિસઈન્વેસ્ટમેન્ટની જાહેરાતના પૂર્વે આઈઓસીના શેરમાં ૧.૩ ટકાના ઉછાળા સાથે મુંબઈ શેરબજારમાં રૃ. ૨૧૨.૨૫ પર બંધ રહ્યો હતો.''

----------------------------------------------------------------------

 પીપીપી પ્રોજેક્ટોનું પણ ઓડિટિંગ સરકારી ઓડિટર દ્વારા થવું જોઈએઃ વિનોદ રાય

નવી દિલ્હી, શુક્રવાર - પ્રાઈવેટ પાવર ડિસ્ટ્રિબ્યુટર્સની સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) પ્રોજેક્ટોના ફાયનાન્શિયલ એકાઉન્ટોનું ઓડિટિંગ પણ સરકારી ઓડિટર દ્વારા કરાવવું જોઈએ તેવો મત પૂર્વ કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) વિનોદ રાયએ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે કેટલાક કૌભાંડોના મુદ્દે રાય દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટોએ યુપીએ સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો હતો.

વધુમાં વિનોદ રાય દ્વારા પ્રાઈવેટ સેકટરની વિદ્યુત કંપનીઓની નીતિ બાબતે પણ સવાલો કરવામાં આવ્યા હતા. આ અંગે રાયે કહ્યું હતું કે પ્રાઈવેટ સેક્ટરની વિદ્યુત કંપનીઓને સરકારના ઓડિટ અંગે શી તકલીફ છે? વિદ્યુત ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પીપીપી પ્રોજેક્ટની જેમ જ છે. તેથી તેમના એકાઉન્ટનું ઓડિટ પણ યોગ્ય ઓડિટરથી થવું જોઈએ. હાલમાં સરકારનો વિશ્વનીય ઓડિટર માત્ર કેગ છે.

સરકાર દ્વારા ૧ જાન્યુઆરીના રોજ વિવિધ વિદ્યુત કંપનીઓ બીએસઈએમ યમુના પાવર લિમિટેડ અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડના ફાયનાન્શિલ એકાઉન્ટોનું કેગ દ્વારા ઓડિટ કરવા અંગેનો આદેશ આપવામાં આવ્યો હતો.

હાલમાં આ કંપનીઓ દ્વારા કેગ ઓડિટિંગનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે દિલ્હી હાઈકોર્ટ પણ આ મહિને પ્રાઈવેટ સેક્ટરની ટેલિકોમ કંપનીઓના એકાઉન્ટોનું કેગ ઓડિટ કરવા અંગેની પરવાનગી આપી હતી.

----------------------------------------------------------------------

ટેક્સ માટે ડિસ્કાઉન્ટ પર ગાડી વેચવાના જૂના કેસ ખોલાશે નહીં

નવી દિલ્હીઃ ડિસ્કાઉન્ટેડ કિંમત પર એક્સાઈઝ ડ્યૂટી ચૂકવવાને લઈને ટેક્સ ચોરીના મામલામાં ફસાવવાની આશંકાથી ઓટોમોબાઈલ અને વાઈટ ગૂડસ મેન્યુફેક્ચર્સને કેટલીક રાહત મળી છે. નાણાં મંત્રાલયે હવે જૂના કેસ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ અને કસ્ટમ્સે (સીબીઈસી) આવા આ પ્રકારના વિવાદાસ્પદ કેસ પાંચ વર્ષ સુધી ફરીથી નહીં ખોલવાનો નિર્દેશ આપ્યો છે. સામાન્યતઃ એક્સાઈઝ ઓથોરિટી એક વર્ષ જૂના કેસ ફરીથી ખૂલી શકે છે, પરંતુ ખાસ સંજોગોમાં તેની પાસે એક્સટેન્ડેડ પિરિયડ ઓફ લિમિટેશન ક્લોઝનો અમલ કરીને પાંચ વર્ષ સુધી જૂના કેસો નહીં ખોલવાની તેમને સત્તા છે.

સીબીસીએ જણાવ્યું હતું કે નિર્ણયની તારીખથી અગાઉના સમય અંગેના એવા કેસ કે જેમાં માત્ર ફીએટના નિર્ણયના આધારે કારણદર્શક નોટિસ  જારી કરવામાં આવે છે. એવા કેસમાં એક્સટેન્ડેડ પિરિયડ ઓફ લિમિટેશન ક્લોઝનો અમલ કરવો યોગ્ય રહેશે નહીં.

અદાલતના નિર્ણયથી ઓટોમોબાઈલ ઉત્પાદકોને ઘણી મુશ્કેલી પડી રહી હતી અને તેનાથી  બચવા માટે લોબિંગ ચાલતું હતું. આ લોબિંગ બાદ જ આ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ અંગે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફિયેટનો નિર્ણય તમામ હિસ્સામાં લાગુ પાડી શકાશે નહીં. ગુડ્સ ખોટ પર વેચવામાં આવી રહ્યો હોઈ ત્યારે સાવધાની રાખવાની જરૃરી છે.

કેપીએમજી ઈન્ડિયાના પાર્ટનર પ્રતીક જૈનનું કહેવું છે કે, આ પગલું આવકાર્ય છે. સુપ્રીમ કોર્ટે ૨૯ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ ફિએટના કેસમાં એવો ચુકાદો આપ્યો હતો કે જો કોઈ કંપની પોતાની પ્રોડક્ટ કોમર્શિયલ કારણોસર કે કોમ્પિટેશનમાં દબાણને કારણે નુકસાન પર વેચતી હોય તો માત્ર પ્રાઈસ પરવિચાર કરાશે નહીં અને એક્સાઈઝ ડ્યૂટી મેન્યુફેક્ચરિંગ સાથે જ એક વ્યાજબી પ્રોફિટ માર્જિન પણ હોવા જોઈએ.

----------------------------------------------------------------------

ભારતનો આર્થિક વૃદ્ધિદર છ ટકા રહેશેઃ વર્લ્ડ બેન્ક

મુંબઈ, શુક્રવાર - ભારતનો આર્થિક વૃદ્ધિદર વર્ષ ૨૦૧૪-૧૫ના સમયગાળા દરમિયાન છ ટકાથી વધુ રહેવા અંગેનું અનુમાન વિશ્વ બેન્ક દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે બેન્કના જણાવ્યા અનુસાર વિશ્વમાં આગામી સમયમાં માગના પ્રમાણમાં પણ સુધારો જોવા મળનાર છે અને આ અનુલક્ષીને ભારતનો વૃદ્ધિ દર વર્ષ ૨૦૧૬-૧૭માં ૭.૧ ટકા થાય તેવું અનુમાન છે.

વિશ્વ બેન્ક દ્વારા ચીનમાં ૨૦૧૪માં વૃદ્ધિ દર ૭.૭ ટકા રહેવા અંગેનું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે આગામી બે વર્ષના ગાળામાં આ વૃદ્ધિ દરમાં ઘટાડો થવા અંગેનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. વિશ્વ બેન્કના ગ્લોબલ ઇકોનોમી પ્રોસ્પેક્ટ્સ (જીઈપી) રિપોર્ટ અનુસાર વૈશ્વિક જીડીપી વૃદ્ધ આ વર્ષે સુધરીને ૩.૨ ટકા થાય તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૩ દરમિયાન આ દર ૨.૪ ટકા હતો. વર્ષ ૨૦૧૫ તથા વર્ષ ૨૦૧૬ દરમિયાન ક્રમશઃ આ દર ૩.૪ ટકા તથા ૩.૫ ટકા રહે તેવી શક્યતા છે.

આ રિપોર્ટ અનુસાર વિકાસશીલ દેશોમાં આગામી સમયગાળા દરમિયાન આર્થિક વૃદ્ધિદર ઊંચો જાય તેવું અનુમાન હાલ વિશ્વ બેન્ક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

----------------------------------------------------------------------

શેરબજારમાં ૭૦ પોઈન્ટનો ઘટાડો

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારમાં ઘટાડાને પગલે શુક્રવારે ભારતીય બજારો પણ  ઘટાડા સાથે ખૂલ્યાં હતાં. બીએસઈનો ૩૦ શેરવાળો મુખ્ય ઈન્ડેકસ સેન્સેકસ ૭ર.૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ર૧,૧૯ર.૭૧ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફટીમાં ૧૪.૦પ પોઈન્ટના ઘટાડા સાથે ૬,૩૦૪.૮પની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.

સૌથી વધુ ઘટનારા શેરોમાં ટીસીએસ ૪.૧ ટકા તૂટયો છે. જ્યારે કોલ ઈન્ડિયામાં ૮.ર૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી બેન્ક-એચડીએફસીમાં ૧.ર૩-૧.૦૬ ટકાનો ઘટાડો છે. જ્યારે એકિસસ બેન્કમાં ૦.૩૪ ટકાનો ઘટાડો જોવાયો છે.

જ્યારે વધનારા દિગ્ગજ શેરોમાં બજાજ ઓટો ૧.૩ર ટકા ઊછળ્યો છે. એ જ રીતે સિપ્લામાં ૧.૦પ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સન ફાર્મા, એમ એન્ડ એમ અને ટાટા સ્ટીલમાં ૦.૮૦ ટકાથી વધુ તેજી દેખાઈ રહી છે.

રૃપિયામાં પણ ચઢાવ-ઉતાર જારી રહ્યો છે. આજે રૃપિયો ૬ પૈસાની મજબૂતી સાથે ખૂલ્યો છે. ડોલરની તુલનાએ રૃ.૬૧.૪૮ની સપાટી પર છે. ગઈ કાલે તે પ્રતિ ડોલર ૬૧.પ૩ પર બંધ રહ્યો હતો.

----------------------------------------------------------------------

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License