• 06-01-14

-----------------


-----------------

 

 
 • સૌ કોઈ પૂછે છેઃ આપ કા ક્યા હોગા જનાબેઆલી?

  આપને માત્ર સ્થાનિક જ નહીં બલકે રાષ્ટ્રીય દબાણ પર કામ કરવું પડશે. આશા રાખીએ કે આપ મથુરા છોડીને એકાએક વૃંદાવન તરફ ગતિ કરવા ન લાગે

  જે પક્ષ આજે આમ આદમી પાર્ટી (આપ)ને ટેકો આપી રહ્યો છે તે પક્ષ જ આપ સત્તારૃઢ થતાંની સાથે જ તેને ઝટકો આપવા લાગશે. કોંગ્રેસનો ટેકો લઈને આપે સારો નિર્ણય કર્યો છે કે ખરાબ? દુશ્મનને સાથે રાખીને સ્વયંને છિન્નભિન્ન થતા બચાવવું હવે આપ માટે સરળ નહીં રહે. સત્તા પર આવવાનો નિર્ણય કર્યા બાદ આપના નેતાઓ પોતાના જ સમર્થક કોંગ્રેસને બદનામ કરે તે કેટલે અંશે યોગ્ય રહેશે?

  દિલ્હીમાં આપની સરકાર રચાઈ છે ત્યારે આજકાલ રાજકીય વર્તુળોમાં આ પ્રકારના અણિયારા સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આપ કોંગ્રેસને મિત્ર સમજીને સમર્થન માટે આભાર માનશે અને સાથે સાથે કોંગ્રેસને સુધારવાની પણ કોશિશ કરશે? સૂર્યને નમસ્કાર કરવાનો યોગ્ય ત્યારે હોય છે જ્યારે તે ઉદય પામી રહ્યો હોય છે. એ વખતે સૂર્યમાં સ્વસ્થ જીવન માટે જરૃરી ઊર્જા અને ઉષ્મા હોય છે. પ્રશ્ન એ છે કે હવે આ સૂર્યને કઈ રીતે ટકાવી રાખવોે. આમ આદમી પાર્ટીએ પોતાના જન્મથી લઈને અત્યાર સુધી કોઈ બીમારીને પોતાની આસપાસ ફરકવા દીધી નથી. તે માટે અભિનંદનને પાત્ર છે.  જ્યારે સંક્રમિત માહોલમાં કોઈ સ્વસ્થ માણસ પહોંચી જાય ત્યારે તેના પર જીવાણુઓ અને વિષાણુઓ આક્રમણ કરતા હોય છે. આપની સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. જ્યારથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કરી છે ત્યારથી આપ પર આ પ્રકારનું આક્રમણ થઈ રહ્યું છે.

  આપને જ્યારે ટેકાની જરૃર હતી ત્યારે રાજકીય પક્ષોની જેમ બુદ્ધિજીવીઓ પણ એવું કહેતા હતા કે આ એક વામન પ્રજાતિનો છોડ છે જેની ફુલવા-ફાલવાની એક નિર્ધારિત મર્યાદા હોય છે. જ્યારે આશાવાદીઓ હવે એવી દલીલો કરી રહ્યા છે કે આપની ક્રાંતિ સમગ્ર દેશમાં ફેલાઈ જશે. આ ક્રાંંતિ દેશની કાયાને જ નહીં, બલકે તેની આત્માને પણ પલટાવી શકે છે. આશાવાદીઓના મોંમાં ઘી-ખાંડ. અત્યાર સુધી તો આવી કોઈ ક્રાંતિ જોવા મળી નથી. હવે કદાચ તેમાં કોઈ નવો વળાંક આવવાનો લાગે છે.

  ક્રાંતિ નહીં પણ ક્રાંતિની આશા આપણને વખતો વખત પરેશાન કરતી રહી છે. તેનો સિલસિલો શરૃ થયો હતો નહેરુ સરકારની કામરાજ યોજનાથી. નહેરુને એવું હતું કે બિનજરૃરી કચરો કાઢી નાખવાથી ગાડી પૂરપાટ ઝડપે દોડવા લાગશે, પરંતુ નહેરુની ગાડી અપેક્ષા પ્રમાણે દોડી નહીં. ત્યાર બાદ લાલબહાદુર શાસ્ત્રીથી આશાઓ જાગી હતી, પરંતુ તેઓ પણ અચાનક છોડીને જતા રહ્યા. ત્યાર પછી આશાનો ત્રીજો દોર ઈન્દિરા ગાંધી દ્વારા બેન્કો અને કોલસાની ખાણોના રાષ્ટ્રીયકરણથી શરૃ થયો, પરંતુ ર૦ મુદ્દાના કાર્યક્રમમાં આ આશા કયાં અલોપ થઈ ગઈ તેની ખબર જ ન રહી.

  રાજીવ ગાંધી પરની આશ પણ દોઢ-બે વર્ષમાં રૃટીન બની ગઈ. બોફોર્સ કાંડે તેમની પ્રતિભાને કલંકિત બનાવી દીધી. વી. પી. સિંહે શહેરોમાં રખડીને પરિવર્તનની આશા જગાવી હતી, પરંતુ તેમની તમામ શકિત મંડલ પંચની ભલામણ સુધી સીમિત રહી ગઈ. હવે આમ આદમી પાર્ટીએ ફરી એક વાર આશાનો સંચાર કર્યો છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગોએ આમ આદમી પાર્ટી પર પૂરતી તાકાત લગાવી દીધી છે. આ એક આંદોલન નહીં પણ અભિયાન હતું. તેમનો મુખ્ય મુદ્દો મજબૂત જન લોકપાલ બિલ હતું. આપે તેમાં વીજળીના દર અડધા કરવા અને ૭૦૦ લિટર શુદ્ધ પાણીના પુરવઠાનો ઉમેરો કર્યો છે.

  હાલ તો આપણે એવું નથી કહેતા કે ક્રાંતિને હવે પોતાની મંજિલ સુધી પહોંચવામાં માત્ર થોડા જ કદમ બાકી છે. ટનલના દરવાજે પ્રકાશ દેખાવા લાગ્યો છે. હવે જ્યારે  ચોમેરથી આપ પર આક્રમણ થશે ત્યારે આપ તેનો કેટલી હદે મુકાબલો કરી શકે છે તે જોવાનું રહ્યું. 'આપ કા ક્યા હોગા જનાબેઆલી?' આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાના નક્કર નિર્દેશો આપી દીધા છે.  આપને માત્ર સ્થાનિક જ નહીં બલકે રાષ્ટ્રીય દબાણ પર કામ કરવું પડશે. આશા રાખીએ કે આપ મથુરા છોડીને એકાએક વૃંદાવન તરફ ગતિ કરવા ન લાગે.

  ----------------------------------------------------------------------

  જે કશું આપતો નથી તે કશું પામી શકતો નથી

  વર્ષો જૂના સંબંધી અચાનક ભેટી ગયા. તેમના ચહેરા પર સિત્તેર વર્ષની ઉંમરનાં નિશાન હવે દેખાવા લાગ્યાં હતાં. એ ખૂબ સુખી હતા. તેમણે કદી કલ્પના કરી નહીં હોય એટલી લક્ષ્મી એમના પુત્રો કમાયા હતા. આ સંબંધીનો પોતાનો વ્યવસાય પણ બરાબર ચાલતો હતો.

  'તમારે તો હવે સુખ, સુખ અને સુખ સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે તમને ખબરઅંતરમાં શું પૂછવું એ સવાલ છે!' આવું મેં કહ્યું એટલે તેમના ચહેરા પર એકદમ ક્ષોભ અને ગ્લાનિ ઊભરાઈ ઊઠ્યાં. તેમણે કહ્યુંઃ 'તમે જાણો છો કે હું સવાર, બપોર, સાંજ પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, અમને તેં લક્ષ્મી તો ઘણી આપી, લક્ષ્મી વડે અમે ઘણાંબધાં મોંઘાં સુખો ખરીદી લીધાં, પણ હે પ્રભુ, તું હવે અમને સુખ જીરવવાની શક્તિ આપ! અમે અગાઉ ઘણાંબધાં દુઃખો વેઠ્યાં હતાં, ત્યારે અમારા અંતરમાં આટલી કડવાશ નહોતી. આજે ધારીએ તો અમારું આટલું બધું સુખ સગાંસંબંધીઓ અને સ્નેહીઓમાં વહેંચી શકીએ તેમ છીએ, પણ આવી કોઈ પણ તક સામે આવે ત્યાં તુરત જ અમે દટાઈ ગયેલાં દુઃખો અને તેની ડાયરીઓ બહાર કાઢીએ છીએ.'

  એક નજીકના સગાની હાલત ખૂબ જ ખરાબ છે. તેના દીકરાને બે-ત્રણ લાખ રૃપિયાની ખોટ ગઈ છે. એક દીકરાનું વેવિશાળ થયું, પણ તેને પરણાવવાના પૈસા નથી. તે ઘણાબધા કામધંધામાં પોતાના હાથ દઝાડી ચૂક્યા છે. ઘરનો નિર્વાહ કેમ ચલાવવો એ પણ સવાલ છે. આ વ્યક્તિએ કૌટુંબિક સગપણના નાતે મદદ માટે હાથ લંબાવ્યો છે. તુરત બધાંનાં મોં બગડી ગયાં. દરેકની વાત એક જ છે કે, સગપણ ગમે તેટલું નિકટનું હોય! એ માણસે ભૂતકાળમાં આપણા ખરાબ સમય દરમિયાન કેવો વહેવાર કર્યો છે તેનો વિચાર કરો! આપણે તેને શું કામ મદદ કરીએ! તેને આપણે આજે બોધપાઠ શીખવી શકીએ તેમ છીએ. તેને કોઈ કશી મદદ નહીં આપે! તે જ્યાં પણ મદદ લેવા જશે ત્યાં દરેક માણસ તેને પૂછશે કે તમારા સગા ફલાણાભાઈ તો કરોડપતિ છે. તેની પાસેથી તમે મદદ શું કામ લેતાં નથી? એ તમને મદદ કરતાં ના હોય અને હું મદદ કરું તો એ તમારા કરોડપતિ સગાને ખોટું લાગે અને એમ જ માની લે કે તેમને ભૂંડા દેખાડવા માટે જ મેં મદદ કરી છે! આ રીતે અમારા સંબંધો બગડે! આપણા એ સગાને કોઈ આવો જવાબ આપશે ત્યારે તેની સાન ઠેકાણે આવશે! પછી ભૂતકાળમાં કરેલા વર્તન માટે તેને પશ્ચાતાપ થાય અને આપણા પગ પકડવા આવે ત્યારે જોઈશું! તેને મદદ કરવાનો વિચાર ત્યારે કરીશું!

  આવું રોજેરોજ બને છે. કુટુંબમાં બે-ત્રણ ભાગ પડી ગયા છે. એક વિભાગ અમુકને મદદ કરવાની હિમાયત કરે છે અને બીજાને મદદ કરવાનો વિરોધ કરે છે. બીજા વિભાગમાં પણ પક્ષાપક્ષી ચાલે છે. ત્રીજો વિભાગ તટસ્થ રહેવા પ્રયાસ કરે છે, પણ બંને વિભાગો તેને પોતાના પક્ષમાં ખેંચવા મથ્યા કરે છે. પુષ્કળ બોલાચાલી થાય છે. ક્યારેક આક્ષેપો પણ થાય છે. ટૂંકમાં ઘરમાં શાંતિનું નામોનિશાન રહ્યું નથી. કોઈ કોઈ વાર ઘરની કોઈ ને કોઈ વ્યક્તિને લાગી આવે છે અને તે કહે છે કે, આના કરતાં તો આપણે જ્યારે ગરીબ હતાં, દુઃખી હતાં ત્યારે વધારે સુખી હતાં! આજે દુનિયાની નજરે આપણે વધુમાં વધુ સંપત્તિવાન અને સુખી છીએ ત્યારે વાસ્તવમાં તો આપણે અત્યંત દુઃખી છીએ.' ગૃહસ્થે પોતાની હૈયાવરાળ કાઢી અને પછી જાતે જ એવું આશ્વાસન લીધું કે, ઈશ્વર સૌને સદ્ભાવ-સદ્બુદ્ધિ આપે.

  બીજું તો ઠીક, પણ આવી રીતે વિચારનારી વ્યક્તિઓ પોતાની સુખસંપત્તિની કોઈ સુવાસ માણી શકતી નથી. ગુલાબ કે કોઈ પણ પુષ્પ પોતાની ખુશ્બો માત્ર પોતે પી જાય તો તેનાથી તેની અંદર કશું વધતું નથી. સંપત્તિ કોઈના પણ ખરેખર ખપમાં આવે ત્યારે તેની સાર્થકતા વધે છે. માણસની સંપત્તિ કોઈની મદદમાં ના ખર્ચાય કે કોઈ સારા કામ પાછળ ના વપરાય ત્યારે તેનું ઝાઝું મૂલ્ય રહેતું નથી. ભિખારીની પથારી નીચે સંતાડેલી એ પૂંજી કોઈને પણ કશું આપી શકતી નથી. જે કંઈ પણ આપી શકે છે તે જ કંઈ પણ પામે છે. જે કશું આપી શકતો નથી તે કશું જ પામતો નથી.

  ----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License