\ Subscribe \

 • 03-02-13

--------------------------------------
 
 
 • લો, બોલો, પોલીસને લક્ઝરી બસની કાળી ફિલ્મ દેખાતી નથી !

  આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગે કાર પર લગાવવામાં આવેલ બ્લેક ફિલ્મ હટાવવા રીતસર અભિયાન છેડયું છે. પ્રજ્ઞાચક્ષુઓને પણ અંશતઃ દેખાય એ રીતે લક્ઝરી બસો હજુ પણ બ્લેક ફિલ્મ લગાવીને બિન્ધાસ્ત ફરી રહી છે, પરંતુ પોલીસને તે દેખાતું નથી. કારના ચાલકોને રોકીને બ્લેક ફિલ્મ દૂર કરાવતી પોલીસ જાણે મીર માર્યો હોય તેમ અભિમાનથી છાતી ફુલાવતી ફરે છે અને લક્ઝરી બસની વાત આવે તો મીંદડી બની જાય છે. ગુમ થયેલાં બાળકોની શોધી શકવામાં સદંતર નિષ્ફળ જતી પોલીસ ગુનાખોરી તો અટકાવી શકતી નથી ઉપરથી નિર્દોષ નાગરિકો ઉપર દાદાગીરી કરીને સંતોષ માને છે. ટ્રાફિક પોલીસ આંખ પરના પાટા ખોલીને લક્ઝરી બસના ચાલકો સામે કાર્યવાહી કરે તે જરૃરી છે.

  તસવીર- હરીશ પારકર

  -----------------------------------------------------------------------

  ધુમ્મસે એરપોર્ટ-રેલવેનું સમયપત્રક ખોરવી નાખ્યું - ૧૦ ટ્રેન રદ કરાઈ

  વિઝિબિલિટી ડાઉન થવાથી રેલવે, હવાઈ અને માર્ગ પરિવહન ઠપ થતાં જનજીવન ખોરવાયું

  હાઈવે પર ચક્કાજામ -

  ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ખાસ કરીને સુરત અને જામનગર પંથકમાં વાદળછાયા વાતાવરણને લીધે ગાઢ ધુમ્મસ છવાતાં  ટ્રેન, વાહનવ્યવહારને અસર થવા પામી હતી. ધુમ્મસના કારણે સુરત અને જામનગર પંથકના હાઈવે પર ઠેર ઠેર ચક્કાજામના દ્શ્યો ખડા થયા હતા.

  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હાલાર પંથકમાં રાતના ૩ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી ભારે ધુમ્મસ છવાતાં સુરત અને જામનગરના રોડ પર વાહનો ઠેર ઠેર ઊભા રહી ગયાં હતાં, કારણ કે વાહનચાલક ધુમ્મસના કારણે પાંચ ફૂટ દૂર પણ જોઈ શકતા ન હતા અને આવા વાતાવરણમાં અકસ્માત સર્જાવાની પણ દહેશત હતી. રોડ પર ચારે કોર ગાઢ ધુમ્મસ છવાયું હોઈ અને ફૂલ લાઈટ પણ કામ કરતી ન હોઈ વાહનચાલકો ભારે પરેશાનીમાં મુકાઈ ગયા હતા.

  -----------------------------------------------------------------------

  અમદાવાદ, શુક્રવાર - શહેર અને ભારતનાં જુદાં જુદાં શહેરોમાં ઠંડીના કારણે સર્જાયેલા ગાઢ ધુમ્મસના કારણે વિમાન અને ટ્રેન પરિવહન પર ભારે અસર વર્તાઈ છે. ધુમ્મસના કારણે પપથી વધારે ટ્રેન સમયથી મોડી ઉપડશે. જ્યારે ૧૦ જેટલી ટ્રેન રદ કરવામાં આવતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. ૮૦થી વધુ ફ્લાઇટના આવનજાવન પર ધુમ્મસની અસર જોવા મળી છે.

  છેલ્લા બે દિવસથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે દિલ્હીમાં ઠંડીને કારણે સર્જાયેલા ગાઢ ધુમ્મસના પગલે વિમાન અને ટ્રેન પરિવહનને માઠી અસર પહોંચી છે. ધુમ્મસની માત્રા અત્યંત ગાઢ હોવાને કારણે વિઝિબિલિટી ૪૦ મીટર જેટલી થઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય વધી જતાં દિલ્હીથી પસાર થતી દસ ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે પપથી વધારે ટ્રેન સમય કરતાં મોડી ઉપડશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

  દિલ્હી એનસીઆર સહિતના જુદા જુદા વિસ્તારમાં અચાનક ગાઢ ધુમ્મસ છવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતોે, જેના કારણે જનજીવનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ હવાઈ મથકો ઉપર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગાઢ ધુમ્મસના કારણે અનેક ફલાઈટ રદ કરવામાં આવી છે.

  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળશે અને જ્યાં સુધી સૂર્યના તાપથી ધુમ્મસ ઓછું નહીં થાય ત્યાં સુધી વિમાન, ટ્રેન અને વાહનવ્યવહાર સેવાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. એટલું જ નહીં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થવાથી અકસ્માત સર્જાવાની શક્યતામાં પણ વધારો થયો છે.

  એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થઈ નહીં

  હવામાનમાં આવેલા અચાનક પલટાના કારણે આજે દેશની રાજધાની દિલ્હીમાં ઘુમ્મસ છવાયું છે. દિલ્હીના આ ઘુમ્મસછાયા વાતાવરણથી હવાઈસેવા પણ પ્રભાવિત થઈ છે. આજે સવારની ૭-૩૦ વાગ્યાની દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ભારે ઘુમ્મસથી ઉડાન ભરી શકી નથી. દિલ્હીના પાલમ એરપોર્ટ પર અમદાવાદના સંખ્યાબંધ ઉતારુઓ ઘુમ્મસ હટીને આકાશ સ્વચ્છ થાય તેની રાહ જોતા બેઠા છે. એરપોર્ટના અધિકારીઓ કહે છે, દિલ્હીનું આકાશ ફ્લાઇટના ટેક ઓફ માટે સ્વચ્છ બનશે ત્યારે જ ફ્લાઇટ ઉપડશે.

  -----------------------------------------------------------------------

  'વિશ્વરૃપ' શહેરનાં  મલ્ટીપ્લેક્સમાં રિલીઝ

  અમદાવાદઃ અભિનેતા કમલ હાસન નિર્મિત ફિલ્મ 'વિશ્વરૃપ' આજે અમદાવાદનાં તમામ મલ્ટીપ્લેક્સમાં સામાન્ય રીતે રિલીઝ થઈ છે. આમ છતાં શહેરના મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે.

  કમલ હાસન નિર્મિત ફિલ્મ 'વિશ્વરૃપ' સામે કેટલાક મુસ્લિમ સંગઠનોએ વાંધો ઉઠાવીને કોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. જેના લીધે દેશભરમાં 'વિશ્વરૃપ' ફિલ્મનું પ્રદર્શિત કરતી અટકાવવામાં આવી હતી. મુસ્લિમ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, આ ફિલ્મમાં મુસ્લિમોનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું છે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા મંગળવારે આ ફિલ્મને પ્રદર્શિત કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જેના લીધે ગુજરાતમાં ફિલ્મ 'વિશ્વરૃપ'ને આજથી રિલીઝ કરવામાં આવી છે.

  અમદાવાદ શહેરના ૧૬ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં કમલ હાસન નિર્મિત ફિલ્મ 'વિશ્વરૃપ' આજથી પ્રદર્શિત કરવામાં આવી રહી છે.
  જે અંગે વાઈડ એંગલ મલ્ટીપ્લેક્સ થિયેટરના સંચાલક રાકેશ પટેલે જણાવ્યું હતું કે
  , ''વાઈડ એંગલ સહિત શહેરના તમામ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ફિલ્મ 'વિશ્વરૃપ' સામાન્ય ફિલ્મની જેમ જ પ્રદર્શિત કરવામાં આવી છે. જેનો પ્રથમ શો સામાન્ય ફિલ્મની જેમ શરૃ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં આ ફિલ્મ અંગે કોઈ જ વિવાદ નથી. તેમ છતાં અમદાવાદના મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો છે.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License